For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોરબી પૂલ દુર્ઘટનાનો ભાગેડુ આરોપી જયસુખ પટેલ સરન્ડર થતાં જેલહવાલે

Updated: Jan 31st, 2023

Article Content Image

ઝુલતા પૂલ દુર્ઘટનાના 90 દિવસ બાદ કોર્ટમાં હાજર, રીમાન્ડ મગાશે

ફાંસી આપવાની માંગ સાથે મૃતકોના પરિવારજનોએ કોર્ટે પહોંચી રોષ ઠાલવ્યોઃ આગોતરા જામીન મુદ્દે આજે સુનાવણી

મોરબી: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે મોટો વળાંક જોવા મળ્યો હતો જેમાં દુર્ઘટના સમયથી એટલે કે ૯૦ દિવસોથી જાહેરમાંના દેખાયેલા અને ચાર્જશીટમાં ભાગેડુ જાહેર કરાયેલ આરોપી જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.

ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ હોય જે બનાવ મામલે પોલીસે નવ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે અને ગઈકાલે જ ચાર્જશીટ રજુ થયા બાદ તમામ નવ આરોપીને કોર્ટમાં હાજર રાખી ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવી હતી અને વધુ સુનાવણી માટે તા.૧ ફેબુ્રઆરી મુકરર કરવામાં આવી હતી. દરમિયાન ચાર્જશીટ પૂર્વે જ ભાગેડુ આરોપી જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી જોકે તેની મુદત પણ ૧ ફેબુ્રઆરીની પડી હોય અને ચાર્જશીટ રજુ થઇ હતી. જેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવ્યા હોય જેથી જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી હતી. દરમિયા તા.૧ ને બુધવારે આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ આજે મંગળવારે જયસુખ પટેલ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયાને પગલે કોર્ટ કેમ્પસમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો તો કોર્ટે હાલ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેથી સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસે આરોપીનો કબજો મેળવી લીધો છે અને હવે રિમાન્ડ માંગવામાં આવશે જે રિમાન્ડ દરમિયાન પોલીસ ઝૂલતો પુલ દુર્ઘટનાથી અત્યાર સુધી આરોપી ક્યાં ક્યાં ગયા હતા સહિતની પૂછપરછ કરી શકે છે.

ઝુલતો પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા મૃતકોના પરિવારના સભ્યો કોર્ટે દોડી આવ્યા હતા અને ફાંસી આપવાની માંગ સાથે આક્રોશ ઠાલવ્યો હતો લોકોનો રોષ જોતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોર્ટના આદેશ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત સાથે જયસુખ પટેલને સબ જેલ ખાતે લઇ જવામાં આવ્યા હતા તેમજ ત્યાંથી પોલીસે કબજો મેળવીને ડીવાયએસપી કચેરી લાવવામાં આવ્યા હતા.


Gujarat