મોરબીનાં નિખિલ હત્યા કેસમાં હવે માહિતી આપનારને 50 હજાર ઇનામ
- ૩ાા વર્ષ બાદ પણ કોઈ પગેરુ નહીં મળતાં
- એક્ટિવા પર લઈ જવાતા બાળકના ફોટા સાથેના પોસ્ટર ઠેર-ઠેર લગાવાયાઃCID ક્રાઈમની ટીમ ભેદ ઉકલવા માટે ફરી સક્રીય
મોરબી,તા. 7 મે 2019, મંગળવાર
મોરબીમાં વર્ષ ૨૦૧૫ના અંતમાં ચકચારી બનેલા નિખિલ હત્યા કેસને સાડા ત્રણ વર્ષનો સમય વીત્યો છે છતાં પોલીસ હજુ સુધી આરોપી સુધી પહોંચી શકી નથી. હત્યા કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. છતાં હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યારે હવે સીઆઈડી ક્રાઈમ દ્વારા આ ચકચારી હત્યા કેસની માહિતી આપનારને ૫૦ હજારના ઇનામની જાહેરાત અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતો અને તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો નીખીલ ધામેચા નામનો વિદ્યાર્થી ડીસેમ્બર ૨૦૧૫માં શાળાએથી ઘરે પરત નહી ફરતા પરિવાર અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ બાદ મચ્છુ નદીના કાંઠે કોથળામાંથી નીખીલનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધી સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમે તપાસ શરૂ કરી હતી.
શાળા નજીકથી મૃતક વિદ્યાર્થી એકટીવામાં જતો જોવા મળ્યો હતો. જો કે હત્યાની તપાસ આગળ વધી ના હતી. હત્યારાઓ સુધી સ્થાનિક પોલીસ પહોંચી શકી નહોતી. જેથી પરિવારે ન્યાય માટે રાજ્યપાલ અને સીએમ સુધી કરેલી રજૂઆતને પગલે હત્યાકેસની તપાસ સીઆઈડી ક્રાઈને સોંપવામાં આવી હતી. જો કે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપ્યા બાદ પણ તપાસ ઠેરની ઠેર જોવા મળી રહી છે અને હત્યાની તપાસ આગળ વધી શકી નથી.
હત્યાકાંડને સાડા ત્રણ વર્ષનો સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે સીઆઈડી ક્રાઈમની ટીમે નીખીલ ધામેચાની હત્યાની માહિતી આપનારને ૫૦ હજારના ઇનામની જાહેરાત કરી છે. ઇનામની જાહેરાતના પોસ્ટરો શહેરમાં લગાવાયા છે. જેમાં નીખીલનો ફોટો અને સીસી ટીવી ફુટેજમાં દેખાતો એકીટવામાં જતો ફોટો પણ પોસ્ટરમાં લગાવાયો છે.