મોરબીમાં કાકા અને ભાઈએ યુવાનની કરેલી ઘાતકી હત્યા
- ઢીકાપાટુનો માર મારીને છરીના ઘા ઝીંકયા
- નવસારીથી બાઈકનાં કાગળો મંગાવી દેવાનું કહેતા માથાકૂટ, ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત, હુમલાખોર કાકા - ભાઈની ધરપકડ

મોરબી, તા.03 જૂન 2019, સોમવાર
મોરબીમાં બાપાસીતારામ ચોક પાસે ગીફટ એન્ડ આર્ટીકલ્સની દુકાનમાં યુવાનને કાકા અને પિતરાઈ ભાઈ સાથે થયેલી માથાકૂટ બાદ માર મારીને છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે મામલે મોરબી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવેલા યુવાનનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો છે.
મોરબીના શનાળા રોડ નજીક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર અમિતએ આરોપી પિતરાઈભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડીયા અને કાકા કિશોરભાઈ ભાલોડીયાને બાઈકના કાગલો નવસારીથી મંગાવી દેવાનું કહેતા જે બાબતે બોલાચાલી થઈ હતી.
જેથી પિતરાઈ ભાઈ રાહુલ ભાલોડીયા અને કાકા કિશોરભાઈ ભાલોડીયાએ અમિતને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. જયારે ભાઈ રાહુલ ભાલોડીયાએ તેની પાસે રહેલી છરી વડે તેના પિતરાઈ અમિતને છાતીના ભાગે તથા પેટનાં ભાગે ઘા મારી ફેફસાં અને કીડની તેમજ લીવરના ભાગે ગંભીર ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ હતી.
ગંભીર હાલતમાં અમિત ભાલોડીયાને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન અમિત ભાલોડીયાને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખેસડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી પોલીસે હત્યાની કલમ ઉમેરી બન્ને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજી તરફ આજે મોડી સાંજે પોલીસે મૃતક યુવાન પર હુમલો અને હત્યા કરનાર કાકા કિશોરભાઈ ભાલોડીયા અને તેના પુત્ર રાહુલ ભાલોડીયાને ઝડપી લઈને પુછતાછ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.