વાંકાનેરના કણકોટ ગામે મનરેગાના કામમાં રૂ. 2.79 લાખની ઉચાપત
- સરપંચ સહિત ચાર સામે ફરિયાદ
મોરબી, તા. 11 જુલાઈ 2020, શનિવાર
વાંકાનેરના કણકોટ ગામે મનરેગાના કામમાં રૂ. 2.79 લાખની ઉચાપત કર્યાની સરપંચ સહિત ચાર સામે ફરિયાદ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં ખોટા સરકારી કાગળો રજૂ કરીને આ કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ આ બનાવ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા વિકાસ અધીકારી વિમલ કે. ગઢવીએ અધિક મદદનીશ ઇજનેર એમ. આર. શેરસીયા, ટેકનીકલ આસીશટન્ટ પી. એન. ચૈાહાણ, સરપંચ વી. બી. ઝાલા કણકોટ, મંજુર હુશેન બાદી (મેટ મનરેગા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 22/06/2009 થી તા. 04/07/2009 દરમ્યાન કોઇપણ સમયે બનેલા આ બનાવમાં વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે ખારાના તળાવ ઉંડુ ઉતારવાનું કામ તથા ખારચીયાનુ તળાવ ઉંડુ ઉતારવાનુ કામ મનરેગા નરેગા યોજના હેઠળ કરવાનુ હતુ.
આ કામમાં ખારાના તળાવમાં રૂ. 192,080 નો ખર્ચ તથા ખારચીયાના તળાવમાં રૂ. 87,109નો ખર્ચ કરી આરોપીઓએ આ કામના ખોટા મસ્ટર રોલ, જોબ કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી થયેલ કામ કરતા માપપોથી વધુ માપની નોંધણી કરી સરકારી કામમાં ગેરરીતી આચરી હતી અને સરકારને રૂ. 279,189નુ નુકશાન કરી ગંભીર નાણાકીય ઉચાપાત કરી હોવાનું તપાસમાં બહાર આવતા આ મામલે ટીડીઓએ ફરિયાદ નોંધાવી છે.