હમ નહીં સુધરેંગે... વાહન લઈને વિના કારણ આંટા મારનારા કેમેરામાં કેદ
- કાયદાના ભંગ બદલ મોરબીમાં 79 જ્યારે પોરબંદરમાં 49ની અટકાયત
- પોરબંદરનો યુવાન કારમાં એક દિવસમાં પાંચ વખત જ્યારે મોરબીમાં સ્કૂટરસવારે 4 કલાકમાં 40 વખત આંટા માર્યા હોવાનું સીસીટીવી ફુટેજમાં બહાર આવ્યું
મોરબી, પોરબંદર,તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે બિનજરૂરી અવરજવર રોકવા મોરબી પોલીસ સીસીટીવી કેમેરાથી ચાપતી નજર રાખી રહી છે. જેમાં મોરબીમાં એકટીવા લઈને એક શખ્સ ૪ કલાકમાં ૪૦ વખત નીકળ્યો હોય જે સીસી ટીવી કેમેરામાં દ્રશ્યમાન થતા પોલીસે ઝડપી લીધો હતો જ્યારે પોરબંદરમાં જ્યુબિલી પુલ ઉપર એક જ દિવસમાં પાંચ વખત કાર લઈને નીકળેલા યુવાનના મોઢે માસ્ક અને હાથમાં ગ્લોબ્ઝ નહીં પહેર્યા હોવાનું સીસી ટીવી ફૂટેજમાં જણાતો પોલીસે તેની પણ અટકાયત કરી હતી.
કોરોના લોકડાઉનને પગલે મોરબીમાં પોલીસ કેમેરાઓ દ્વારા મોનીટરીંગ કરે છે. જેમાં લોકડાઉન દરમિયાન બિનજરૂરી અવરજવર કરી લોકડાઉનના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનાર સવારના ૮ થી બપોરે ૧૨ સુધીમાં ૪૦ વખત અલગ અલગ સ્થળે સીસીટીવી કેમેરામાં ટ્રેસ થયો હોય જે એકટીવા નંબરના આધારે વાહનમાલિકનું સરનામું મેળવી એકટીવા ચાલક ગીરીશભાઈ દિનેશભાઈ પલાણ (રહે. મોરબી રેલ્વે કોલોની શેરી નં. ૩)ને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસની ટીમો દ્વારા દુકાનો ખુલ્લી રાખનાર ૧૨ દુકાનદાર સામે કેસ કરવામાં આવ્યા છે. ટોળું એકત્ર થયું હોય તેવા ૧૩ કેસો કરીને ૫૯ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બિનજરૂરી અવરજવરના ૬ કેસો કરીને ૮ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે લોકડાઉનની સ્થિતિમાં કુલ ૯ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ ૩૧ કેસો કરીને ૭૯ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે.
પોરબંદરઃ છાંયા પંચાયત ચોકી પાસે રહેતો રાજુ ભીખુ ખુંટી જ્યુબેલી પુલ ચાર રસ્તેથી એક જ દિવસમાં પાંચ વખત આઈ-ટ્વેન્ટી કાર લઈને નીકળ્યો હતો. જે સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. તેણે મોઢે માસ્ક અને હાથમાં ગ્લોવ્ઝ પણ નહીં પહેર્યાનું સીસીટીવી ફૂટેજમાં ખુલ્યું હતું. તેથી કોઈપણ કારણ વગર અવરજવર કરી બેદરકારીભર્યું કૃત્ય હોવાનો ગુનો તેની સામે પોલીસે નોંધ્યો હતો.
આ ઉપરાંત નદીમ સલીમ બઘાડ બુલેટ બાઈક લઈને મોઢે માસ્ક બાંધ્યા વગર નીકળતા, વાહન ડીટેઈન કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તે ઉપરાંત જાવર ગામે રહેતો નાથા દેવા વાજા એક્ટીવા લઈને બિનજરૂરી રીતે નીકળતા પોલીસે પકડી પાડયો હતો. ટેન્કરના અજાણ્યા ચાલકે છાંયા રઘુવંશી સોસાયટીમાં રહેતા દીપેશ હિતેશ ગંડેચાને તેના ટેન્કરમાં બેસાડીને પોરબંદર સુધી પહોંચાડતા બંને સામે ગુનો નોંધી દેવાયો હતો.
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાસે પટમાં 'મહાદેવ મરચા માર્કેટ' નામની માંડવા નાખીને મરચા-મસાલાનો ધંધો કરતા અશોક ભનુ ડાભીએ તેના ધંધાસ્થળે ગ્રાહકોને ભેગા કર્યા હતા. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં 'લોકડાઉન'ના જાહેરનામા ભંગ કરીને આંટાફેરા કરનારા ૪૯ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
આઈ-વે પ્રોજેક્ટ હેઠળ વાહન ચાલકો પર ચાંપતી નજર
રાજકોટમાં વાહન લઈને બે દિવસમાં 18 વખત નિકળનાર શખ્સ ઝડપાયો
- ઓટોમેટીક નંબર પ્લેટ રેકેગ્નાઈઝેશન સિસ્ટમ મારફતે કયા નંબરના વાહનો આંટા મારે છે તેને શોધી કાઢતી પોલીસ
શહેરમાં હાલ લોક-ડાઉન છે છતાં તેની એંસી તૈસી કરી બે દિવસમાં ૧૮ વખત બહાર નિકળનાર શબ્બીર ફજલેઅબ્બાસ તેબવાલા (રહે. જ્યુબેલી બાગ પાસે) ને એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
શહેરમાં આઈ-વે પ્રોજેકટનાં સીસીટીવી કેમેરામાં એએનપીઆર એટલે કે ઓટોમેટીક નંબર પ્લેટ ટેકેગ્નાઈઝેશન સિસ્ટમ દ્વારા હાલ કયાં નંબરનાં વાહનો દરરોજ કેટલી વખત નિકળે છે તેની દરેક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે.
તપાસમાં શબ્બીર તા.૨૩ અને તા.૨૪નાં રોજ જ્યુબેલી ચોકથી ૧૪ વખત, એસ્ટ્રોન ચોકમાં એક વખત અને ઢેબર ચોકમાંથી ત્રણ વખત પસાર થતો મળી આવતાં તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
તેણે પોલીસ સમક્ષ જુદી - જુદી ચિજવસ્તુઓ લેવા ઘરેથી નિકળતો હોવાનું રટણ કર્યું છે.