હળવદ માર્કેટિંગ યાર્ડ બે દિવસ માટે બંધ
- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો નહીં જળવાતા હોવાથી લેવાયો નિર્ણય : શનિવારથી લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજી કરાશે
હળવદ, તા.28 મે 2020, ગુરૂવાર
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકડાઉન ચાલી રહ્યું છે. જો કે ખેડૂતોને તકલીફ ન પડે તેવા હેતુ સાથે સોમવારથી હળવદ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ માર્કેટયાર્ડમાં ખેડૂતોની, મજૂરોની વધુ ભીડ રહેવાને કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન થતું ન હોવાથી માર્કેટયાર્ડ દ્વારા બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
કોરોના વાઈરસને ધ્યાને લઇ માર્કેટયાર્ડ દ્વારા અગાઉ લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજી કરવામાં આવતી હતી. પરંતુ સોમવારથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરાતા હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો મોટી સંખ્યામાં તલ, ધાણા, જીરું, એરંડા સહિતના પાક વેચવા માટે ઉમટી પડતા હતા. જેથી સરકાર દ્વારા કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે જાહેર કરાયેલા નિયમો મુજબ પાલન ન થતું હોવાથી યાર્ડના વેપારીઓ દ્વારા એક બેઠક કરી આ બાબતની રજૂઆત માર્કેટયાર્ડના સત્તાધીશોને કરી હતી.
જેથી યાર્ડ દ્વારા આજથી બે દિવસ માટે હરાજી બંધ કરવામાં આવી છે અને બે ટોલ ફ્રિ નંબર જાહેર કરાયા છે. ખેડૂતો તે નંબર પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેથી રજીસ્ટ્રેશ કરાયેલા જ ખેડૂતોને શનિવારથી ચાલુ થતા યાર્ડમાં લિમિટેડ સંખ્યામાં બોલાવી હરાજી કરવામાં આવશે.