Gujarat

ટંકારા મામલતદાર કચેરીનાં ચાર કર્મચારીઓ પણ હોમ કોરન્ટાઈન

By GS Team
28 May 20202 mins read
This article was originally published on 28 May 2020
ટંકારા મામલતદાર કચેરીનાં ચાર કર્મચારીઓ પણ હોમ કોરન્ટાઈન

મોરબી, ટંકારા,તા. 28 મે, 2020 શુક્રવાર 

મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોનોનો ચોથો પોઝિટિવ કેસ નોંધાયો હતો.એ સાથે જ આરોગ્ય, પોલીસ, રેવન્યુ સહિતનો સ્ટાફ હરકતમાં આવીને તકેદારીના પગલાં ભરી રહ્યો છે. અમદાવાદથી ગત તા.૨૩ ના રોજ પત્ની અને બે બાળકો સાથે કારમાં ભાવેશભાઈ ધરમશીભાઈ ભાગીયા (ઉ.વ ૩૮) નામનો યુવાન ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલા જયનગરમાં રહેવા આવ્યો હતો. આ દરમિયાન બે દિવસ પહેલા લીધેલા પુલ સેમ્પલમાં આ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી આ યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે અને સંબંધિત તમામ વિભાગોએ કોરોના વધુ સંકમિત ન થાય તે માટે સઘન કામગીરી ચાલુ કરી છે.

ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલા જયનગર વિસ્તારમાં ગઈકાલે એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયાના પગલે જ આરોગ્ય વિભાગ, પોલીસ તેમજ રેવન્યુ અને મામલતદાર સહિતનો સ્ટાફ ત્યાં દોડી જઈને જરૃરી તમામ કામગીરી હાથ ધરી હતી. બાદમાં તંત્રએ આજે સવારથી આ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફરઝોન નક્કી કરવા અને હોમ કવરોન્ટાઈન કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

જેમાં જયનગર વિસ્તારના ૧૦ ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવરી લીધા હતા. આ કન્ટેન્ટમેન્ટ ઝોનના ૫૭ લોકોને હોમ કવરોન્ટાઈન કરી દીધા છે તેમજ જયનગરના અન્ય ૫૨ ઘર અને ૨૪૬ વ્યક્તિઓને બફર ઝોનમાં આવી લીધા છે. સાવડી ગામમાં બફર ઝોન નક્કી કરવા આરોગ્ય વિભાગની ચાર ટીમો દ્વારા સઘન સર્વેની કામગીરી ચાલુ કરી હતી. કોરોનાગ્રસ્તના સેમ્પલ લેનાર ટંકારા મામલદાર કચેરીના ચાર કર્મચારીઓને તકેદારીના ભાગરૃપે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ટંકારામાં આવ્યા બાદ કોરોનાગ્રસ્ત ભાવેશ ભાગીયા તેમના સાવડી ગામે રહેતા મિત્ર સંજય કગથરરાને સંપર્કમાં આવ્યા હતા અને બન્ને મિત્રો સાથે હર્યા ફર્યા હોવાથી સંજયભાઈને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્તના બે બાળકો અમદાવાદથી આવ્યા બાદ તેમના જીવાપર રહેતા મામાના ઘરે રહેવા ગયા છે, તેથી આ મામાના પરિવારના ૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જયારે કન્ટેન્ટમેન્ટ ઝોન ફરતે આડશો મૂકીને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અવરજવર ન થાય તે માટે છાવણી ગોઠવીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનના લોકોને ઘરેબેઠા આવશ્યક સુવિધાઓ પુરી પડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.