મોરબી જિલ્લાના 39 ગામોમાં વાવાઝોડાની વધુ અસરનો ભય
- કલેક્ટર તંત્ર સહિતનાં સરકારી વિભાગો સજ્જ
- સંભવિત અસરગ્રસ્તો માટે 48 સ્કૂલો સહિતના 53 આશ્રયસ્થાનો સરકારી તંત્રએ સંભાળ્યા, NDRFની એક ટીમની ફાળવણી
મોરબી, તા.11 જૂન 2019, મંગળવાર
અરબી સમુદ્રનું લોપ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ ખાનાખરાબી સર્જવાની શક્યતાના કારણે રાજ્ય સરકારે કલેક્ટર સહિતના ઓફિસરો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર તરફથી મોરબીવાસીઓને આવનારા સંભવિત વાવાઝોડા અંગે અગમચેતીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિમાં લોકોને સાવધ રહેલા સૂચના છે. આવા સમયે ઈલેક્ટ્રિકના થાંભલા કે ઈલેક્ટ્રિકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવો. બની શકે તો ઘરમાં જ રહેવું. નદીના પટમાં અવરજવર ન કરવી અને નદીના પટમાં રહેતા લોકોએ પટથી દૂર જતા રહેવું. કોઈપણ આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવો જોઈએ.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ તો વાવાઝોડું બુધવારથી ગુરુવાર દરમ્યાન મોરબી સુધી અસર કરે તેવી શક્યતા જ દર્શાવાઈ છે. આમ છતાં પળ પળ બદલાતી રહેતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના કુલ ૩૪૮ ગામો પૈકી ૩૯ ગામો અને તેના ૫૯૫૩ નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે એમ માનીને ૪૮ સ્કૂલો અને ૫ અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાાતિ-સમાજની વાડીઓ સહિત કુલ ૫૩ આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે.
આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પીજીવીસીએલ સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ ૧૬૦ માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. ૪૦૦૦ જેટલા માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની એક ટુકડી મોરબીને ફાળવી દેવામાં આવી છે. લોકોને પોતાના મોબાઈલ, બેટરી, ટોર્ચ જેવા ઉપકરણો ચાર્જ રાખવા તેમજ ખોટી અફવાઓથી ભરમાવવું નહિ તેમજ તેમજ ખોટી અફવાઓ ન ફેલાવવા પણ તાકીદ કરાઈ છે. સરકારી તંત્ર પુરી રીતે સજ્જ છે. આથી નાહકના ગભરાયા વગર શાંતિ જાળવી તંત્રને સહકાર આપવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે અને મોરબીના નવલખી બંદરે આજે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.