FOLLOW US

મોરબીમાં કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટઃ દૈનિક 1100 લોકોના ટેસ્ટ કરાશે

Updated: Apr 1st, 2023


કોરોના ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરાઇ  : જિલ્લાની સિવિલ હોસ્પિટલ, 30 PHC અને 5 CHC સીએચસી ખાતે ટેસ્ટની કામગીરી વધારાઇ

મોરબી, : ગુજરાતભરમાં કોરોનાના કેસ વકરી રહ્યા છે અને મોરબી જિલ્લામાં પણ માત્ર બે દિવસમાં 35 નવા કેસો નોંધાયા હોય જેથી આ અંગે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયાએ આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી અને કોરોના કેસોને રોકવા કેવા પગલાઓ ભરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જે બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં એક સિવિલ હોસ્પિટલ આવેલ છે. જેમાં મેડીકલ કોલેજ પણ છે સાથે જ જિલ્લામાં 30 પીએચસી અને પાંચ સીએચસી કાર્યરત છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ કોઈ દર્દી ક્રીટીકલ નથી પરંતુ કોરોના ફેલાતો રોકવા માટે દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કેસો વધુ નોંધાયા હોય. જેથી જેતપર અને મહેન્દ્રનગર વિસ્તારમાં ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ એટલે કે સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિના પણ ટેસ્ટીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત દિવસ દરમિયાન હાલ 300 થી વધુ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આજથી દૈનિક 1100 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવશે. સી.એચ.સી, પી.એચ.સી. અને સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ 1100થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવશે.


Gujarat
IPL-2023
Magazines