ડો.વસંત ભોજવિયાએ અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી, વૈભવી કારોમાં ફરતો
- મોરબીમાં 13.60 કરોડની ઠગાઈમાં ઝડપાયેેલો આરોપી
- 29મી સુધીનાં રિમાન્ડ મંજુર: વેપારી સારવાર અર્થે તબીબનાં ક્લીનિકે જતા હોય ઓળખાણ થઈ ગઈ હતી
મોરબી, તા.22 ઓગસ્ટ 2019, ગુરૂવાર
મોરબીમાં કરોડોના છેતરપીંડી કેંસ એસઓજી ટીમે આરોપી ડોક્ટર વસંત ભોજવીયા સહિત બેને ઝડપી લીધા છે અને આરોપી ડોક્ટરના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે આરોપી ડોકટરે અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાના અને લક્ઝુરીયસ કારમાં ફરતો હોવાના ખુલાસા થયા છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પટેલ વેપારી વિજયભાઈ નાથાભાઈ ગોપાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવિયા, પ્રદીપકુમાર કારેલીયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી અને ફાઈનાન્સ અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ તેમજ રચના સિંઘ એમ પાંચ શખ્શોએ તેની સાથે ૧૩.૬૦ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી હોય જે ફરિયાદને પગલે એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ દ્વારા આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવિયા અને જયેશકુમાર ઉર્ફે રોહિત કાનજીભાઈ સોલંકી (રહે અમદાવાદ)ને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા આરોપી ડોક્ટર વસંત ભોજવિયાના તા. ૨૯ સુધીના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે અન્ય આરોપીને જેલ હવાલે કરાયો છે.
ઝડપાયેલ આરોપી ડો. વસંત ભોજવિયા ડેન્ટલ ક્લિનીક ચલાવતો જ્યાં ફરિયાદી વેપારી ક્લિનીકે સારવાર માટે જતા હોય જ્યાંથી ઓળખ થઇ હતી અને ડોકટરે આરોપી પ્રદીપકુમાર કારેલીયા તેના સસરા હોય અને સરકારમાંથી કરોડોના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપી શીશામાં ઉતાર્યો હતો. આરોપીએ અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી હોય, ૨-૩ હોટલ ફ્રેન્ચાઈઝી લીધી હોય તેમજ લક્ઝુરીયસ કારોની ખરીદી કરી હોય તેવી માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે. જેથી આ અંગે પોલીસે તપાસ ચલાવી છે.
આરોપી ડો. વસંત ભોજવિયા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં અગાઉ મોરબીમાં ફરિયાદી લક્ષ્મણભાઈ મહાદેવભાઈ જાલરીયા (રહે પીપળી મોરબી)ને જમીન સોદાની લાલચ આપી રૂા. ૨૦ લાખની છેતરપીંડી અંગે પણ ગુન્હો નોંધાયેલો છે.