વાંકાનેર, તા. 17 માર્ચ 2019, રવિવાર
વાંકાનેરના આરોગ્યનગર શેરી નં. ૫માં આજે સાંજે એક જ રૂમમાં એક પુરૂષ અને સ્ત્રીએ કોઈ કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી કાંડી ચાપી દેતા બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્થે પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
આરોગ્યનગર શેરી નં. ૫માં રહેતો આફતાબ રસુલભાઈ ખોખર (ઉ.વ. ૩૨) તથા તેના રૂમમાં સાથે જ આત્મહત્યાનો પ્રયાસ કરનાર મુળ ધોરાજીના બહારપુરા વિસ્તારની હેતલબેન નરેશભાઈ વાઘેલા (ઉ.વ. ૨૮)એ આજે સાંજે પોણા આઠેક વાગ્યે આફતાબના રૂમમાં શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાપીહતી.
આ બનાવ બનતા જ આસપાસના લોકો દોડી આવી રૂમનો દરવાજો તોડી બન્નેને સારવાર માટે હોસ્પીટલે ખસેડયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આફતાબ ખોખર પરણીત છે અને તેને ત્રણ સંતાનો પણ છે.
જ્યારે હેતલબેન વાઘેલાની વિગતો મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. આફતાબના પિતા રસુલભાઈ ખોખરની પોલીસે પુછપરછ કરતા બન્ને અવારનવાર મળતા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી બન્ને વચ્ચે શું સંબંધ હતા તેની પોલીસે તપાસ હાથ ધરી છે.


