મોરબીના આરોગ્ય કેન્દ્રો પર તબીબી પ્રમાણપત્ર મેળવવા ભીડ
- સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા
- સીરામિક સહિતના ઉદ્યોગોના શ્રમિકોનો મેળાવડો જામ્યો
મોરબી, તા.02 મે 2020, શનિવાર
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતનમાં જવા દેવા માટેની પરવાનગી આપવામાં આવી રહી હોવાથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેડીકલ પ્રમાણપત્ર મેળવી બાદમાં ઓનલાઈન અરજી મારફત મંજુરીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે મેડીકલ પ્રમાણપત્ર મેળવવા માટે આરોગ્ય કેન્દ્રો પર ભીડ એકત્ર થતાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા.
સિરામિક સહિતના ઉદ્યોગમાં કામ કરવા મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો આવ્યા હોવાથી અને વહીવટી તંત્રની મંજુરી બાદ તેઓ પોતાના વતનમાં પરત જવા માટેની પ્રક્રિયામાં લાગ્યા છે જેમાં મેડીકલ પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય હોય જેના માટે નિયત કરેલા પીએચસી અને સીએચસી પર શ્રમિકોની ભારે ભીડ ઉમટી રહી છે. જેમાં આજે મોરબીના ઘૂટું ખાતેના પીએચસી સેન્ટર પર માનવ મહેરામણ ઉમટી પડયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.આ વિસ્તાર સિરામિક ઝોનમાં આવતો હોવાથી અહી શ્રમિકોનો મેળાવડો જામ્યો હતો.