હળવદ માર્કેટીંગ યાર્ડમાં 27 હજાર મણથી વધુ ઘાણાની બમ્પર આવક, જણસીઓ ભરેલા વાહનોની લાંબી લાઈનો
- યાર્ડમાં ફળોની હરાજીનો પણ પ્રારંભ થતા પ્રથમ દિવસે જ 14 હજાર કિલો દાડમની જંગી આવક
હળવદ, તા.16 માર્ચ 2020, સોમવાર
હળવદ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક શરૂ થઈ છે અંદાજીત ૨૭ હજાર મણથી વધુ આવક થઈ છે. સાથે જીરાની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.માર્કેટીંગ યાર્ડમાં જણસીભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે.આ ઉપરાંત યાર્ડમાં આજથી ફળોની હરાજીનો પણ પ્રારંભ કરાતા પ્રથમ દિવસે ૧૪ હજાર કિલો દાડમની આવક થઈ છે.દાડમના સારાભાવ ઉપજતા ખેડૂતો ખુશખુશાલ બન્યા આ હળવદ માર્કેટીંગ યાર્ડ ધાણાથી છલકાઈ ગયું છે.યાર્ડમાં ૨૭ હજાર મણથી બમ્પર આવક થઈ છે.
સાથે જીરાની પણ સારી આવક થઈ છે.રાડયમાંથી ધાણા અને જીરૂ ખરીદવા વેપારીઓ ઉમટી રહ્યા છે.હાલ ધાણાના ૨૦ કિલોના ૮૦૦ થી ૧૨૦૦ સુધીના ભાવે ઉપજયા છે.જયારે ધાણીના ૧૨૦૦ થી ૧૫૦૦ સુધીનાં ભાવ મળી રહ્યા છે.યાર્ડમાં હાલ ખેડુતોનો મેળાવડો જોવા મળી રહ્યો છે.ખેડુતોનો માલ બગડે નહીં તથા તુરંત નિકાલ થાય તેની તકેદારી યાર્ડના સત્તાધીશો દ્વારા રખાઈ રહી છે.હળવદ માર્કેટ યાર્ડેમાં આજથી ફુટ માર્કેટનો પણ પ્રારંભ કરાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.પાછલા થોડા વર્ષોથી પંથકના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે.
તેમાંય ખાસ કરીને હળવદમાં ૨૫૦૦ હેકટરમાં ભગવા સિંદુરી દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. જેથી અત્યાર સુધી ખેડૂતોને ખાસ કરીને દાડમનું વેંચાણ કરવા અર્થે અમદાવાદ, ગોંડલ, મોરબી, તરફ જવું પડતું હતું. પરંતુ હવે ખેડુતોને હળવદ બેઠા જ માર્કેટ યાર્ડમાં ફુટનું વેચાણ કરી શકે તેવા હેતું સાથે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા આજથી ફુટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં વેપારીએ મુહૂર્તનો એક કિલો દાડમનો ભાવ ૬૫૧ ચુકવ્યો હતો. જયારે આજે પ્રથમ દિવસે ૧૪ હજાર કિલો દાડમની આવક નોંધાઈ છે. જે ૬૦ થી ૮૦ રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું હતું. આગામી દિવસોમાં યાર્ડમાં કેરી, જામફળ, લીંબુની પણ હરાજી કરાશે.
મોટા ભાગે ફુટ માર્કેટમાં ખેડુતો પાસેથી કમિશન લેવામાં આવતું હોય છે પરંતુ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ખેડુતોના હિતમાં એકપણ ખેડૂત પાસેથી કમિશન નહીં,વસુલવામાં આવે તેમજ વેપારીઓને પણ ૩૧ માર્ચ સુધી હળવદ માર્કેટ યાર્ડ યુઝર ચાર્જ નહીં લેવામાં આવે તેમ યાર્ડના ચેરમેન જણાવ્યું હતું.