મોરબી સિરામીક એસોસિએસનના પૂર્વ પ્રમુખ પર ઘાતકી હુમલો
- કારખાનામાં આવી 4 શખ્સોએ આચર્યું કારસ્તાન
મોરબી, તા. 19 માર્ચ 2019 મંગળવાર
મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને મારબોમેક્સ અને ઓએસીસી સિરામીક કંપનીના માલિક સુખદેવ પટેલ પર જીવલેણ હુમલો થવાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે. હાલ ઈજાગ્રસ્ત સુખદેવ પટેલને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આજે સવારે 11 વાગ્યાની આસપાસ મારબોમેક્સ સિરામીકમાં અમુક શખ્સો દ્વારા કોઇ બાબતે માથાકૂટ થઈ હતી. આ બનાવમાં મારબોમેક્સના માલિક અને મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ પટેલને મારામારીમાં ઇજાઓ પહોંચી હતી.
જેમને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મોરબી સિરામીક એસોસિએશનના આગેવાન પર હુમલાના બનાવથી સિરામીક ઉદ્યોગના આગેવાનો દવાખાને દોડી ગયા અને બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાને પણ ઉદ્યોગકાર આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે હાલ બનાવની ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે.