હળવદના બ્રાહ્મણી ડેમ નજીક કોથળામાંથી મૃતદેહ મળ્યો, હત્યા કરી લાશ ફેંક્યાની આશંકા
- મૃતકના ખીસ્સામાંથી પ્લેનની ટીકીટ અને રોકડ રકમ મળી આવી
હળવદ, તા. 21 નવેમ્બર 2019, ગુરૂવાર
હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી-2 ડેમ પાસેથી એક કોથળામાં ગોદળા વીટેલી અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ અને એલસીબી ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ, હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાંઠે કોથળામાં મૃતદેહ બાંધી ફેંકી દેવામાં આવ્યો હોય તેવી ગામના સરપંચે ખાંભડીયા વજુભાઇએ હળવદ પોલીસને જાણ કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે. કોથળામાં અને ગોદળા વીટેલી હાલતમાં મૃતદેહ મળ્યાની જાણ થતા મોરબી એલસીબી ટીમ પણ દોડી ગઈ હતી અને હળવદ પોલીસ સાથે મળીને બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતકના ખીસ્સામાંથી જામનગર-મુંબઈની એર ટીકીટ મળી આવી છે. તે ઉપરાંત 5 હજાર રોકડા અને ઘડિયાળ, ચશ્માં સહિતની ચીજવસ્તુઓ મૃતક પાસેથી મળી આવી છે. મૃતદેહ કોથળામાં વીંટાયેલ હોવાથી હત્યાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે અને હાલ પોલીસ હત્યાની આશંકા સાથે તપાસ ચલાવી રહી છે.