Gujarat

મોરબી: જેતપર ગામમાં પક્ષપલટૂ બ્રિજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધ

By GS Team
10 Jun 20201 min read
This article was originally published on 10 Jun 2020
મોરબી: જેતપર ગામમાં પક્ષપલટૂ બ્રિજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધ

મોરબી, તા. 10 જુન 2020, બુધવાર

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. જોકે હજુ સુધી વિધિવત રીતે ભાજપ પ્રવેશ કર્યો નથી પણ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્યના વતન જેતપરમાં બ્રિજેશ મેરજાએ પ્રવેશ કરવો નહિ તેવા બેનર લગાવી દેવામાં આવ્યા છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાંને પગલે માત્ર રાજ્યસભા ચુંટણી જ નહીં પરંતુ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ અને અટકળો વચ્ચે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના સમર્થકો મેદાને પડ્યા હતા અને સમર્થકોએ સોશ્યલ મીડિયામાં કહો દિલ સે કાંતિલાલ ફિર સેનું સોશ્યલ મીડિયા વોર શરુ કરી દીધું હતું.

 તો હવે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના વતન જેતપર ગામમાં પણ બ્રિજેશ મેરજાનો વિરોધ જોવા મળી રહ્યો છે જેતપર ગામે લગાવેલ બેનરમાં જણાવ્યું છે કે જનાદેશનું અપમાન કરનાર, પક્ષપલટુ, સમાજદ્રોહી બ્રિજેશ મેરજાએ જેતપર ગામમાં પ્રવેશ કરવો નહિ અને નીચે જેતપર ગામ સમસ્ત પણ લખેલું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના વતનમાં બ્રીજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવી દેવાયા છે અને તેનાના સમર્થકો અત્યારથી જ બ્રિજેશ મેરજા સામે લડત શરુ કરી દીધી છે.