મોરબી જિલ્લામાં જીવન જરૂરી વસ્તુ સાથે જોડાયેલા 116 યુનિટો ચાલુ રાખવા મંજૂરી
- કલેકટરે જાહેરનામાની તમામ શરતોનો ચુસ્તપણે પાલન સાથે કૃષિ, મેડિકલ, ફાર્મા, પેકેજીગના એકમોને ચાલુ રાખવાની મંજૂરી આપી
મોરબી, તા. 15 એપ્રિલ 2020 બુધવાર
લોકડાઉન વધતાની સાથે મોરબી જિલ્લામાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવાનો જિલ્લા કલેકટરે આદેશ આપ્યો છે. જ્યારે લોકડાઉન અંગેના ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ જીવન જરૂરી ઉત્પાદો સાથે જોડાયેલા એકમો કે જેમની પાસે લોક-ઇનની સુવિધાઓ તેમજ કામદારો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવા એકમો ચાલુ રહી શકે છે.
આ જાહેરનામા મુજબ જિલ્લા કલેકટર લોકડાઉનની તમામ શરતોનું પાલન કરવાની શરતે મોરબી જિલ્લાના મેડિકલ, ફાર્મા, કૃષિ, પેકેજીગ પ્લાન્ટ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. જેમાં કુલ 116 યુનિટોને તેમના પાલન્ટ ચાલુ રાખવાની મજૂરી આપી છે.
મોરબીના સતત ઉત્પાદન વાળા પેકેજીગ પ્લાન્ટે ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામાની તમામ શરતોનું પાલન કરવાની તૈયારી સાથે આ પ્લાન્ટને ચાલુ રાખવા માટે મોરબી જિલ્લા કલેકટર પાસે પરવાનગી માંગી હતી.
આથી જિલ્લા કલેકટરે જાહેરનામાના ચુસ્તપણે અમલ કરવાની શરતે મેડિકલ, કૃષિ, ફાર્મા અને પેકેજીંગ પ્લાન્ટને આવરી લઈને કુલ 116 યુનિટોને લોકડાઉન ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જ્યારે પેકેજીગ ઉદ્યોગના 43 યુનિટો સહિત 116 યુનિટોને લોકડાઉનના જાહેરનામા ચુસ્તપણે પાલન કરવાની શરતે અને કોઈપણ મજૂર કારખાનની બહાર ન જાય તે માટે તકેદારી રાખવી અને યોગ્ય વ્યવસ્થા કરવી અને માલિકને યુનિટમાં ન જવાની શરતો સાથે ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે.