મોરબી રોડ પરના વેલનાથપરાની ઘટના પ્રેમી અને તેના ત્રણ ભાઈઓ સામા પક્ષે એક ઘાયલ, બી-ડિવિઝન પોલીસમાં સામસામી ફરિયાદ
રાજકોટ, : મોરબી રોડ પરના વેલનાથપરામાં ગઈકાલે રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા યુવકનો ભાંડો ફૂટી જતા પ્રેમિકાના પરિવારજનો અને યુવકના પક્ષ વચ્ચે ધોકા અને ધારિયા વગેરેથી મારામારી થતાં કુલ પાંચ ઘવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા હતા. બી-ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદો નોંધી તપાસ આગળ ધપાવી છે.
વેલનાથપરા શેરી નં. 11માં રહેતા કમલેશ મેપાભાઈ વરૂ (ઉ.વ.22)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે તેની પ્રેમિકાએ મેસેજ કરી વેલનાથપરામાં મામા સાહેબના મંદિર પાસે મળવા બોલાવ્યો હતો. થોડી વાર બાદ ફરી કોલ કરી તત્કાળ આવવાનું કહેતા રાત્રે ૧૧.૩૦ વાગે તે ત્યાં પહોંચ્યો હતો. જયાં બંને વાતચીત કરતા હતા ત્યાં પ્રેમિકાના પરિવારજનો જોઈ જતા તેની પાછળ ધોકા લઈ દોડયા હતા. રસ્તામાં તેને આંતરી લઈ ધોકા વડે તૂટી પડયા હતા.
જેથી તેણે બૂમાબૂમ કરતા તેના ભાઈઓ દોડી આવ્યા હતા. જેમણે વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. મારામારીમાં તેને અને તેના ભાઈઓને ઈજા થઈ હતી. એટલું જ નહીં મારામારી પછી એક આરોપી લક્ષ્મણે ધારિયાથી તેના ભાઈ સતિષ ઉપર હૂમલો કરતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ તેને ઉપરાંત ઈજાગ્રસ્ત તેના ભાઈઓ વિરમ, સતિષ, સિંધાભાઈને 108માં સિવિલમાં ખસેડાયા હતા.
પોલીસે કમલેશની ફરિયાદ પરથી આરોપીઓ રાજા ભીમાભાઈ ટોયટા, તેના ભાઈ આલા, છગન, ઘેલાભાઈ દેવાભાઈ ટોયટા અને લક્ષ્મણ કરશન ટોયટા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સામા પક્ષે ઘેલાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે પરિવારની પુત્રીને કમલેશ આવીને મળતો હતો ત્યારે જોઈ જતાં તેને ઠપકો આપતા કમલેશે ઉશ્કેરાઈ જઈને રાજાભાઈને ગાળો ભાંડી હતી. તેવામાં રાજાભાઈના ભાઈ આલાભાઈ, ભીમાભાઈ, છગનભાઈ વગેરે ભેગા થતાં કમલેશે પણ પોતાના ભાઈઓને બોલાવી લેતા તેમણે તેના પક્ષને ગાળો ભાંડી તેની ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગડદાપાટુનો માર મારતાં તેને તેના ભાઈઓએ વચ્ચે પડી છોડાવ્યો હતો. તેને ઈજા થતા સિવિલમાં સારવાર લીધી હતી. પોલીસે તેની ફરિયાદ પરથી કમલેશ મેપાભાઈ વરૂ, તેના ભાઈ વીરમ, સતિષ અને સિંધા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.


