ભલગામ ગામે 222 કિલો પોસડોડાનો જથ્થો ઝડપાયો
- માદક પદાર્થ સાથે બે શખ્સોની અટક
- રહેણાકમાં દરોડો પાડી 6.68 લાખનો જથ્થો કબજે : રાજસ્થાનનો શખ્સ આપી ગયાનું ખુલ્યું
મોરબી : વાંકાનેર તાલુકાના ભલગામના રહેણાંક મકાનમાંથી એસઓજી ટીમે બે આરોપીને માદક દ્રવ્ય પોસડોડાના ૨૨૨ કિલોના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈને ૬.૬૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનનો શખ્સ આપી ગયાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
વાંકાનેર પંથકમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી ગઈ છે. અગાઉ પણ ગાંજાના જથ્થા ઝડપાયા હોય ત્યારે પંથકને નશામુક્ત બનાવવા અને માદક દ્રવ્યોની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લેવા મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ભલગામના મકાનમાં દરોડો કર્યો હતો. જેમાં આરોપી પ્રવીણ નાજાભાઈ ભાલીયા (ઉ.વ.૪૦, રહે. ભલગામ) અને દેવરાજ ઉર્ફે રાણા રામજીભાઈ ધોરીયા (ઉ.વ.૫૨, રહે. ઠીકરીયાળા) ભલગામના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધા હતા.
આરોપી પાસે રહેલ માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો વજન ૨૨૨ કિલો અને ૮૧૦ ગ્રામ કીમત રૂા.૬,૬૮,૪૩૦ અને બે મોબાઈલ કીમત રૂા.૧૦૦૦ મળીને કુલ રૂા.૬,૬૯,૪૩૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. માદક દ્રવ્યોનો જથ્થો આરોપી શંકરલાલ ગોપીલાલ ગુર્જર (રહે. રાજસ્થાન) ટ્રક દ્વારા આપી ગયાની કબૂલાત આપતા તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.