રેસિંગ સ્પર્ધામાં મોટી સિદ્ધિ મેળવતો મોરબીનો કિશોર
- યુવાનો માટે પણ પડકારરૂપ એવી
- ગો કાર્ટમાં કાઠું કાઢયા બાદ 8 વર્ષનો ટેણિયો ફોર્મ્યુલા રેસિંગની તૈયારી માટે સ્પેન રવાના
મોરબી, તા. 02 જાન્યુઆરી 2020,ગુરૂવાર
કોઈ પણ સિદ્ધિ મેળવવા માટે ઉમરની કોઈ બાધ હોતી નથી ક્યારેક વડીલો પણ અનેરી સિદ્ધિ મેળવીને અચંબિત કરી દેતા હોય છે તો ક્યારેક નાની ઉમરના ભૂલકાઓ એવું કરી બતાવે છે, જે યુવાનો માટે પણ મશ્કેલ હોય છે. આવો જ એક કિસ્સો મોરબીના જાગરત દેત્રોજાનો જોવા મળ્યો છે. માત્ર આઠ વર્ષનો બાળક ગો કાર્ટ રેસિંગમાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે તેના શોખે તેને નેશનલ લેવલની સ્પર્ધાઓ સુધી પહોંચાડી દીધો છે.
તે ત્રણ વર્ષની ઉમરથી ગો કાર્ટ રેસ કરે છે. પિતાને ટીવી પર ફોર્મ્યુલા વન રેસિંગ જોવાનો શોખ હોવાથી તેને પણ રેસિંગનો શોખ જાગ્યો હતો. પિતાએ પણ પુત્રના શોખને પાંખો આપી. બરોડામાં ગો કાર્ટથી શરુ કરીને બેંગ્લોર, પુણે અને હૈદરાબાદ સહિતના સ્થળે યોજાતી ગો કાર્ટ રેસમાં ભાગ લઇ ચુક્યો છે. એ પ્રોફેશનલ ટ્રેનીંગ માટે હવે સ્પેન જવાની તૈયારી કરી રહ્યો છે.
આગામી દિવસોમાં તે ફોર્મ્યુલા વન રેસમાં ભાગ લઈને તેમાં સફળ થવાના સ્વપ્ન સેવી રહ્યો છે. પિતા મયુર દેત્રોજા જણાવે છે કે વર્ષ ૨૦૧૭ માં તણેે રેસિંગની શરૂઆત કરીને વર્ષ ૨૦૧૮માં નેશનલ લેવલે શરૂ કર્યું હતું. જેમાં ૫ રેસની સિઝનમાં પણ ભાગ લીધો છે અને ન્યુ કમર ઓફ યરની ટ્રોફી પણ મેળવી છે ઉપરાંત નેશનલ લેવલની ૫ રેસની સીઝન પણ પાર કરી સારો દેખાવ કર્યો છેે.