માળિયા પાસે પોશ ડોડાની હેરાફેરી કરતો શખ્સ પકડાયો
- મોરબીમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
- જામનગર શહેર-પંથકમાં બે રહેણાંકમાંથી દારૂનો જથ્થો કબજે, જુગાર રમતા 9 શખ્સો પકડાયા
મોરબી, જામનગર, તા.25 જાન્યુઆરી 2020, શનિવાર
માળિયા પાસે પોલીસે પોશ ડોડાની હેરાફેરી કરતા ગોપાલ ગેલાભાઈ ભરવાડ (રહે.જેતપર મચ્છુ) નામના શખ્સને ઝડપી લઈને તેની પાસેથી ત્રણ કિલોનો નશીલા પદાર્થનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. માળિયા જામનગર હાઈવે પરથી નશીલાપદાર્થની હેરાફેરી થવાની હોવા અંગે પોલીસને બાતમી કળતા પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને બાઈક હંકારીને નીકળતા ગોપાલ ભરવાડને ઝડપી લઈને તેની પાસે રહેલા પાન મસાલાના કાપડના થેલાની તપાસ કરતા પોશ ડોડા મળી આવ્યા હતા. જે રાખવા અંગે કોઈ આધાર પુરાવો ના હોવાથી એફએસએલ અધિકારીને બોલાવી વજન કરાવતા ત્રણ ઝબલામાં રહેલા માદક પદાથ પોશ ડોડાનું વજન ૨૯૬૦ ગ્રામ થયું હતું. રૂ. ૮૮૮૦ના આ મુદામાલ ઉપરાંત બાઈક અને મોબાઈલ સહીત કુલ રૂ ૨૪,૩૮૦ નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોશ ડોડાના જુના દેવળિયા રહેતા દિલીપ મહારાજ લાભશંકર જોષીએ પીપળિયા ચાર રસ્તા બાજુ જાય ત્યારે ફોન કરી આપવાનું કહે તેને આપવાના હતા તેવી કબુલાત આપતા દિલીપ મહારાજ નામના શખ્સ સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે લીલાપર રોડ પરના ખડિયાવાસમાં રહેતા મુનાભાઈ વાલાભાઈ ભરવાડના મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૫ કબજે કરી હતી. જોકે આરોપી હાથમાં આવ્યો નહોતો.
બીજી બાજુ જામનગરમાં સાધના કોલોનીમાં રાકેશ ઉર્ફે કારો જમનભાઈ નડિયાધારાને તેના ઘરમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલના જથ્થા સાથે પકડી લીધો હતો. જ્યારે ધ્રોલ તાલુકાના હમાપરમાં વાડી વિસ્તારમાં એક ઓરડીમાંથી પોલીસે ૨૯ બોટલ વિદેશી દારૂ અને બિયરના ૧૪ ટીનનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી ઠાકરશી નરસિંહભાઈ આદિવાસી ફરાર થઈ ગયો હતો. જામનગરમાં સાત રસ્તા ઇન્દિરા માર્ગ પાસે ઘોડીપાસાનો જુગાર રમતા હુસેન કાસમ પિંજારા, હનીફ હુસેન ઈબ્રાહીમ ખફી અને આમીન અબ્બાસ સેતાને પોલીસે ૩૫૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા, જ્યારે લાલપુર તાલુકાના રક્કા ગામાં જાહેરમા જુગાર રમતા વિઠ્ઠલ જગાભાઈ દોમડિયા, મહેશ વશરામ ખરા, સત્તાર આમદભાઈ ગામેતી, ગુલમામદ મોગરાભાઈ શેખ, તેજા બબાભાઈ આંબલિયા અને હનીફ મામદ નાઈને ૩૦૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.