પૈસાની લેતીદેતી બાબતે છરીનો ઘા ઝીંકી શ્રમિકની કરપીણ હત્યા
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : રંગપર નજીક કારખાનામાં કલરકામ સમયે થયેલી માથાકૂટ બાદ હત્યા કરીને નાસી છૂટેલા સાથી શ્રમિકની શોધખોળ
મોરબી, : વાંકાનેર બાઉન્ડ્રી નજીક અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે બનાવની વધુ તપાસ ચલાવી હતી. જેમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે અને પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના મેસરિયા રોડ પર રહેતા હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયાએ સાથી શ્રમિક જીતેન્દ્રસીંહ ઉર્ફે જેકીભાઇ મંગલસીંહ રાજપુત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના વતની છે અને છેલ્લા ૧૭ વર્ષથી ગુજરાતમાં રહે છે. તેઓ છેલ્લા વિસેક દિવસથી મેસરીયા રોડ રંગપર ખાતે આવેલ સેંડબેરી ફાયબર નામના નવા બનતા કારખાનામાં રહે છે. અને તે જ કારખાનામાં કલરકામનો કોન્ટ્રાક્ટ રાખેલ છે. તેમની નીચે ચાર મજુર જીતેન્દ્રસીંહ ઉર્ફે જેકીભાઇ મંગલસિંહ રાજાવત, માનસીંહ ગોવીંદસીંહ રાજાવત, જીવન ઉર્ફે લલ્લુ બીજેન્દ્રસીંહ રાજાવત અને રાજુકુમાર પ્રજાપતી કલરકામનું મજુરીકામ કરે છે.
ત્રણ દિવસ પહેલા તા. 20મીએ બધા કારખાનામાં સુતા હતા ત્યારે મોડીરાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામાં જેકીભાઇ તથા રાજુભાઇ પ્રજાપતી પૈસાની લેવડ દેવડ બાબતે ઝગડો કરતા હતા. જેથી હરપાલસિંહે તેઓને ઝગડો કરવાનીના પાડી બન્નેને અલગ અલગ સુવડાવી દીધેલ હતા. બીજા દિવસે તા.૨૧ના રોજ સવારે આઠેક વાગ્યે તેઓ કામ ઉપર જતા હતા ત્યારે જેકીભાઇએ આજે મારે રજા રાખવાની છે' તેમ વાત કરી હતી, અને રાજુભાઇએ આગલા દિવસે કહેલું કે 'મારે મારા બાળકોને ખબર અંતર પૂછવા રાજકોટ જવુ છે' જેથી હરપાલસિંહે તેના હિસાબના રૂપીયા પણ આપી દીધા હતા.
જે બાદ રાજુભાઇ તથા જેકીભાઇ બન્ને વાતચીત કરી ચોટીલા જવાનું કહી એકસાથે ત્યાંથી નિકળી ગયેલ હતા અને હરપાલસિંહ તથા માનસીંહ તથા લલ્લુ એમ ત્રણેય તેમના કામ ઉપર જતાં રહ્યા હતા. જે બાદ બપોરે ત્રણેય જણા આરામ કરવા માટે રૂમે આવ્યા તે વખતે જેકી પરત આવી ગયો હતો.
બાદમાં તા. 22ના રોજ બીજા દિવસે સવારે જેકીએ વતન જવાનું કહીને હરપાલસિંહને હીસાબના પૈસા આપી દેવાનું કહ્યું હતું. પરંતુ 'શેઠ આવે એટલે આપીશ' તેમ કહેતા ગાળો આપવા લાગ્યો હતો. જેથી પોલીસને બોલાવવાની વાત કરતા જેકી રૂમ પરથી તેનો સામાન લઇ જતો રહ્યો હતો. જે બાદ હરપાલસિંહ તેમના સાથી શ્રમિકો સાથે ફેક્ટરીએ કલરકામ કરતા હતા તે વખતે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ત્યાં આવતા તેમણે મૃતદેહના ફોટા બતાવતા તે રાજકુમાર જીવલાલ પ્રજાપતી હોવાનું હરપાલસિંહે ઓળખી બતાવ્યું હતું.
બીજી તરફ આગલા દિવસે રાત્રે જેકીએ સાથી શ્રમિક માનસીંહને વાત કરેલ હતી કે તા. 21ના રોજ તે તથા રાજએમ બન્ને જણા ચોટીલા ગયા હતા અને ત્યાં બંને વચ્ચે ઝગડો થયેલ હતો. ત્યારબાદ બન્ને જણા ચોટીલાથી શટલમાં બેસી વાંકાનેર બાઉન્ડ્રીની ગોલાઇએ પહોંચેલ ત્યારે સવારના આશરે સાડા દસથી અગીયારેક વાગ્યા હતા. એ વખતે ફેક્ટરીએ પાછા આવવા માટે વાહનની રાહ જોતા હતા, ત્યારે રાજુ ગોલાઇની ઝાડીમાં કુદરતી ક્રીયા કરવા જતા જેકી પણ તેની પાછળ ગયેલ અને ત્યાં ઝાડીમાં રાજુએ જેકીને પૈસા આપી દેવા બાબતે ગાળો આપી ઝગડો કરતા જેકીએ તેની પાસેની છરીથી રાજુની હત્યા કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.