અમદાવાદનાં ચીટર પરિવાર દ્વારા વાંકાનેરમાં પાંચ લાખની છેતરપિંડી
- મોરબી જિલ્લામાં વધુ એક ફરિયાદ દાખલ
- દંપતી અને પુત્ર-પુત્રીએ ગત ઓગસ્ટ મહિનામાં ખેડૂતને ખરાબાની જમીન નામે કરાવી દેવાની લાલચ આપીને રૂપિયા ખંખેર્યા
મોરબી, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
અમદાવાદના રહેવાસી પટેલ પરિવારના ચાર સભ્યોએ ખેતીની જમીન બાજુમાં આવેલ ખરાબો નામે કરાવી દેવાનાં બહાને ખેડૂતને વિશ્વાસમાં લઈને પાંચ લાખ રૂપિયા પડાવી છેતરપીંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરના લુણસરના રહેવાસી નરભેરામભાઈ વાઘજીભાઈ વસીયાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મુકેશભાઈ જેઠાભાઈ પટેલ, તેની પત્ની હંસાબેન મુકેશભાઈ પટેલ, દીકરી પુજાબેન મુકેશભાઈ પટેલ અને દીકરો નિસર્ગ ઉર્ફે રાજા ઉર્ફે યસ મુકેશભાઈ (રહે. બધા અમદાવાદ માધવ હોમ્સ)એ તા. ૧૨-૮-૨૦૧૮ના રોજ કાવતરૂ રચી ખેતીની જમીન બાજુનો ખરાબો નામે કરાવી આપવાનું કહીને વિશ્વાસમાં લઈ પાંચ લાખ રૂપિયા લઈને ખરાબો તેના નામે નહિ કરી છેતરપીંડી આચરી હોવાનું કહીને વિશ્વાસમાં લઈ પાંચ લાખ રૂપિયા લઈને ખરાબો તેના નામે નહિ કરી છેતરપીંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપી હંસાબેન પટેલ અને પુજાબેન પટેલની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, જમીનના નામે પાંચ લાખની છેતરપીંડી કરનાર અમદાવાદના પરિવાર સામે થોડા સમય પૂર્વે જ અનેક લોકો સાથે ૧.૮૨ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી. જે મામલે પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીની પુછપરછ ચલાવી હતી તો આ પરિવારનો ભોગ બનેલ વધુ એક વ્યક્તિએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.