For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હરવા-ફરવાનો આનંદ લેવડાવીને યુવાનને 4 મિત્રોએ વ્યાજનાં ચક્કરમાં ફસાવ્યો

Updated: Mar 23rd, 2023


મોરબીમાં લાલબત્તી સમાન કિસ્સો, પોલીસ ફરિયાદ દાખલ : સૌ પ્રથમ માત્ર રૂા.  7000 માંગીને સમયાંતરે મિત્રોએ રૂા. 2.75 લાખ વ્યાજે આપીને રૂા.8.21 લાખથી વધુ વસૂલ્યા

મોરબી, : મોરબીમાં મિત્રોની દગાખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હરવા ફરવાની મોજ કર્યા બાદ મિત્રએ યુવાન પાસે પૈસાની માંગણી કરી હતી અને નાણાની સગવડ ના હોવાથી વ્યાજનાં ચક્કરમાં ફસાવ્યા બાદ મિત્રોએ જ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના શિવમ એપાર્ટમેન્ટ કામધેનું પાર્ટી પ્લોટ ખાતે રહેતો ભવ્ય ઘોડાસરા ટાઈલ્સ કટિંગના વ્યવસાયમાં ભાગીદાર છે અને પગારદાર તરીકે નોકરી પણ કરે છે. મોરબીના ચંદ્રેશનગરમાં રહેતો સાવન રાજપરા મિત્ર હોવાથી તેની સાથે અવારનવાર હરવા ફરવા અને જમવા જતો હતો. એ સમયે તમામ ખર્ચ સાવન ચૂકવતો હતો. પાંચે'ક મહિના પૂર્વે સાવને 'આજદિન સુધી' તારી પાછળ ખર્ચ કરેલ તે પૈકીના રૂા. 7000 આપવા પડશે.' કહેતા યુવાન પાસે પૈસાની સગવડ ના હોવાથી પગાર આવશે. ત્યારે આપી દેવાનું કહ્યું હતું. પરંતુ સાવનને તાત્કાલિક રૂપિયાની જરૂરત હોવાથી બીજા મિત્ર પ્રિન્સ ઝાલરીયા જે સ્કૂલનો મિત્ર હતો. તેની પાસેથી રૂપિયા માંગ્યા હતા. જેમાં પ્રિન્સ અને તેનો મિત્ર અભિષેક દેવજી સોઢીયા (રહે. બંને વાવડી ગામ)એ રૂા. 10,000 રોકડા પાંચેક માસ પૂર્વે નવા બસ સ્ટેન્ડ ખાતે આપ્યા હતા અને રોજના રૂા. 100 વ્યાજ આપી દિવસ 15 માં પરત આપી દેવાનાં હતા. જો ના ચુકવે તો પેનલ્ટી ચૂકવવી પડશે તેવી શરતે રૂપિયા આપ્યા હતા.

બાદમાં રૂપિયાની વ્યવસ્થા નહીં થતા પ્રિન્સ ઝાલરીયા પાસેથી લીધેલ રૂપિયા ચુકવવાનાં હોવાથી મિત્ર સર્કલમાંથી હાથ ઉછીના રૂપિયા લઈને પ્રિન્સ ઝાલરીયને પેનલ્ટી સાથે રૂા. 25,000 પરત કરી દીધા હતા. હવે મિત્ર સર્કલમાંથી લીધેલા રૂપિયા પરત કરવાનાં  હતા. પરંતુ સમયસર પગાર કે ધંધામાં કોઈ નફો મળ્યો ના હતો. જેથી રૂપિયા ચુકવવા વ્યાજે રૂપિયા લેવા લાગ્યો હતો. પાંચેક મહિના પહેલા પ્રિન્સ ઝાલરીયા, અભિષેક સોઢીયા બંને પાસેથી ફરી વખત અલગ અલગ સમયે રૂા. 30,000 વ્યાજે લીધા હતા. જે રૂપિયા સમયસર વ્યાજ સાથે ચૂકવી ના શકતા, તેની પેનલ્ટી ચડાવી રૂપિયા આપવા ધમકી આપતા હતા. જેથી  કટકે કટકે ઓનલાઈન પેમેન્ટ થકી રૂા. 3,15,725 અને પિતાના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન પેમેન્ટ કરી રૂા. 1,00,000 ચૂકવ્યા હતા. પરંતુ બંને ઈસમો હજુ વધુ રૂપિયા અને વ્યાજની રકમ માંગતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

આ દરમિયાન અન્ય એક મિત્ર રાકેશ બોરીચા ફરિયાદી યુવાન સાથે અગાઉ અભ્યાસ કરતો હોવાથી તેને ઓળખતો હતો, જેથી તેની પાસેથી શનાળા રોડ પરના હેર સલૂન ખાતે રૂા. 50,000 વ્યાજે લીધા હતા. જે રૂપિયા દર 10 દિવસે 7000 વ્યાજ આપવાની શરતે આપ્યા હતા. જેમાં આજદિન સુધીમાં રોકડા 70,000 અને ઓનલાઈન રૂા.  26,800 પિતાના ખાતામાંથી ચૂકવેલા હતા. છતાં વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરાતી હતી. અન્ય મિત્ર ચેતન સામત જેઠા પાસેથી વ્યાજે રૂા. 1,85,000 લીધેલ, જેનું દર દસ દિવસે 19,000 વ્યાજ આપતો હતો. જેને ઓનલાઈન પેમેન્ટ થકી રૂા. 1,18,700 પિતાના ખાતામાંથી આપેલ અને વ્યાજના બીજા રૂપિયા કટકે કટકે રોકડ રૂા. 1,65,000 ચૂકવ્યા હતા. આમ છતાં મિત્ર હિત સવસાણીની સ્વીફ્ટ કાર હોય જે યુવાન પાસે હતી, તે લઇ લીધી હતી અને પઠાણી ઉઘરાણી કરીને સમયસર નહિં આપે તો સારાવાટ નહિ રહે તેવી ધમકી આપી હતી. આમ આરોપી પ્રિન્સ ઝાલરીયા (રહે. મૂળ લુંટાવદર, હાલ વાવડી, મોરબી), અભિષેક સોઢીયા (રહે. વાવડી ગામ મોરબી), રાકેશ બોરીચા (રહે. વાવડી ગામ) અને ચેતન સામત જેઠા (રહે. વાવડી, મોરબી)એ વ્યાજની રકમ માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. મોરબી સીટી એ. ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Gujarat