Get The App

મોરબીમાં ૩૦૦ પ્રાથમિક શિક્ષકોના ધરણા, વિરોધ પ્રદર્શન

- પડતર પ્રશ્ને અંગે યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે શિક્ષકોએ ધારાસભ્ય અને સાંસદને આપ્યુ આવેદન

- 11 થી 16 ફ્રેબ્રુઆરી સુધી કાળી પટ્ટી સાથે ફરજ બજાવશે

Updated: Feb 11th, 2019

GS TEAM

Google News
Google News
મોરબીમાં ૩૦૦ પ્રાથમિક શિક્ષકોના ધરણા, વિરોધ પ્રદર્શન 1 - image



મોરબી, તા. 11 ફેબ્રુઆરી 2019, સોમવાર

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો છે અને આજે 300 જેટલા પ્રાથમિક શિક્ષકોએ તાલુકા સેવાસદન ખાતે પ્રતીક ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ ધારાસભ્ય અને સાસંદને આવેદનપત્ર આપી તેમના પડતર પ્રશ્નો ઉકેલવાની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાનો માંગ કરી હતી.

મોરબી જિલ્લાના પ્રાથમીક શિક્ષકો ઘણા સમયથી તેમના પડતર પ્રશ્ને સરકાર સામે તબક્કાવાર આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં સરકારે તેમના પડતર પ્રશ્ને ઉદાસીન વલણ યથાવત રાખતા પ્રાથમિક શિક્ષકોએ ફરી સરકાર સામે બાયો ચડાવી લડતના મંડાણ કર્યા છે. 

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્ને અનેક રજૂઆતો સરકારને કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના આદેશ મુજબ મોરબી જિલ્લાના આશરે 300 જેટલા પ્રાથમિક શિક્ષકોએ મોરબી જિલ્લા પ્રથીમક શિક્ષક સંઘના નેતૃત્વ હેઠળ મામલતદાર કચેરી-મોરબીની બહાર તાલુકા સેવા સદન લાલબાગ પાસે આજે પ્રતીક ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ ઉપરાંત શિક્ષકોએ પડતર માંગણી અંગે ધારાસભ્ય અને સાંસદને આવેદન પત્ર આપી સરકારને ઉદાસીન વલણ દૂર કરીને તેમના પડતર પ્રશ્ને યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે.

સરકારને ઢંઢોળવા માટે શિક્ષકોએ આંદોલનને વધુ વેગવંતુ બનાવશે. જેમાં આગામી 11 થી 16 ફ્રેબ્રુઆરી સુધી શિક્ષકો શાળામાં કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને વિરોધ પ્રદર્શન કરશે તેમજ આગામી 15 અને 16 ફ્રેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનાર રાજયકક્ષાના પ્રતીક ધરણા પ્રદર્શનમાં મોરબી જિલ્લાના શિક્ષકો હાજરી આપશે.

Tags :