Gujarat

મોરબીમાં 1.82 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદથી સુત્રધાર પકડાયો

By GS Team
15 Mar 20192 mins read
This article was originally published on 15 Mar 2019
મોરબીમાં 1.82 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદથી સુત્રધાર પકડાયો



મોરબી, તા.15 માર્ચ, 2019 શુક્રવાર

મોરબીમાં નોકરી અપાવવા, વિદેશમાં ધંધો કરવા તેમજ જમીન સોદા સહિતની લાલચ આપીને પાંચ વ્યક્તિઓ સાથે ૧.૮૨ કરોડની છેતરપીંડી કરવામાં આવી હોય, જેના મુખ્ય સુત્રધારને આજે અમદાવાદથી પોલીસે ઝડપી લીધો હતો.

મોરબીના લીલાપરના રહેવાસી જીગરભાઈ ધાનજાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મુકેશ જેઠાભાઈ પટેલ અને ત્રણ પરિવારજનોએ તેને ઓએનજીસીમાં નોકરીના બહાને ૧૫.૭૫ લાખ રોકડા તેમજ ૬.૨૫ લાખના દાગીના તેમજ અન્યને વિદેશમાં ધંધાના બહાને ૪૦ લાખ અને જમીન નામે કરાવવાના બહાને ૧.૨૦ કરોડ સહીત કુલ ૧.૮૨ કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. 

જે મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી ટીમને સોંપવામાં આવી હોય જેમાં જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી. જાડેજા સહિતની ટીમે ચલાવેલી તપાસમાં છેતરપીંડીના મુખ્ય આરોપી મુકેશ જેઠાભાઈ પટેલ (રહે. અમદાવાદ, વસ્ત્રાલ, મૂળ હાજીપુર, તા. ઊંજા)ને આજે ઝડપી લેવાયો હતો. જ્યારે અન્ય આરોપી હંસાબેન મુકેશભાઈ પટેલ, યશ ઉર્ફે નિસર્ગ ઉર્ફે રાજા મુકેશ પટેલ અને પૂજા મુકેશ પટેલ (રહે. બધા અમદાવાદ)ની શોધખોળ હાથ ધરાઈ છે.

આ ઝડપાયેલો આરોપી અગાઉ અનેક લોકોને શીશામાં ઉતારી ચુક્યો છે, જેની મોડમ ઓપરેન્ડીની એવી હતી કે, તે નકલી પોલીસ અધિકારી, વકીલ, મહેસુલ ખાતાના સલાહકાર તેમજ ફાયનાન્સર બની લોકોને વિદેશ મોકલવા, નોકરી અપાવવાની લાલચ તેમજ સરકાર જમીન પોતાના નામે કરાવી આપવાની ખાતરી આપી પૈસા કઢાવી ઓળવી જતો હતો.

ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ મહેસાણા, કલોલ, વીસનગર, માણસા અને અમદાવાદ વસ્ત્રાપુર, અમરાઈવાડી તેમજ ઈસનપુર સહીતના પોલીસ મથકમાં ૧૫ ગુન્હા અને નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ (ચેક રીટર્ન) અંગેના ૩૦ જેટલા કેસો થયેલા છે.