મોરબીના માળિયા ફાટક પાસેથી કારમાં દારૂની 120 બોટલ ઝડપાઇ
- ત્રણ શખ્સોની કરાઇ અટક
- સુલતાનપર ગામે ખેતરના શેઢેથી દારૂ બરામત
મોરબી: મોરબીની માળિયા ફાટક પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે દારૂની ૧૨૦ બોટલ, કાર સહિત ૨.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને અન્ય આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે. માળિયાના સુલ્તાનપુર ગામમાં ખેતરના શેઢેથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ ઝડપી લઈને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક ઓવરબ્રિજ નીચેથી કાર પસાર થતા કારને રોકીને તલાશી લીધી હતી જે કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨૦ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ 120 બોટલ કીમત રૂ ૪૫,૦૦૦ અને કાર મળીને કુલ ૨.૪૫ લાખનો મુદમાલ જપ્ત કર્યો છે. તેમજ કારમાં સવાર આરોપી રવિ તુલશીભાઈ મુંજારીયા, અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા (રહે. ત્રણેય મોરબી ૨ વિદ્યુતનગર સોસાયટી શેરી નં.૩)ને ઝડપી લીધા છે.
ઝડાયેલા આરોપીઓએ ઈંગ્લીશ દારૂનો જથ્થો આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે ઘોઘુભા બાપાલાલ ઝાલા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી. જેથી આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન સુલ્તાનપુર ગમે આરોપી છગન પંકજ સનુરા નામનો ઇસમ પોતાના ખેતરના શેઢે ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં ખેતરના શેઢેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨ મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ કબજે લીધો છે. તેમજ આરોપી છગન સનુરા રેડ દરમિયાન હાજર નહિં મળી આવતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.