Updated: Jan 5th, 2023
મોરબી પંથકમાં 4 સ્થળેથી 22 જુગારીઓની ધરપકડ : વાવડી રોડ અને રોહીદાસપરામાં પણ 10 જુગારી ઝપટે ચડયા: રૂા. 4.95 લાખનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી
મોરબી, : મોરબીના વનાળીયા ગામમાં વાડીની ઓરડીમાં જુગાર ધામ ધમધમતું હોવાની બાતમી મળતા એલસીબી ટીમ ત્રાટકી હતી. જેમાં જુગાર રમતા 12 ઇસમોને ઝડપી લઈને 4.63 લાખની રોકડ કબજે લીધી હતી. તો વાડીનો માલિક હાજર નહીં મળતા. આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. અન્ય ત્રણ સ્થળે પણ 10 જુગારી પકડાયા હતા.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આરોપી મનોજભાઈ રતિલાલભાઈ સદાતીયાની વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળી હતી. જેથી એલસીબી ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો. જેમાં વાડીની ઓરડીમાં બેસી જુગાર રમતા ભાવેશ કાનજીભાઈ ભેંસદળિયા, પ્રકાશ નરભેરામભાઈ ભૂત, મિલન રમેશભાઈ ગોપાણી, મનીષ કેશવજીભાઇ મોરડિયા, જયદીપ ઘનશ્યામભાઈ ભડાણીયા, ભાવેશ ભગવાનજીભાઈ મેરજા, રવિરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઉર્ફે ઈનુંભાઈ ગંભીરસિંહ ઝાલા, લીલાધર બેચર સંતોકી, વિશાલ હસમુખભાઈ ગાંભવા, નંદલાલ લખમણભાઈ રૈયાણી અને હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એમ 12 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂા. 4,63,800 જપ્ત કરી હતી. તો રેડ દરમિયાન આરોપી મનોજ રતિલાલ સદાતીયા (રહે. દલવાડી સર્કલ વૃંદાવન પાર્ક મોરબી) હાજર નહિં મળતા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
અન્ય દરોડામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વાવડી રોડ પર બાપા સીતારામ મઢુલી પાસે આરોપી નીલેશ ભવાનભાઈ પાડલીયા અને કિરીટ મનજીભાઈ દેત્રોજા (રહે. બંને ગાયત્રીનગર સોસાયટી, વાવડી રોડ, મોરબી)ને ઝડપી લઈને રોકડ રકમ 10,500 જપ્ત કરવામાં આવી છે. જયારે ત્રીજી રેડમાં વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીના નાકેથી પોલીસે જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા પ્રતિક મહાદેવ પરમાર (રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી)ને ઝડપી લીધો હતો. જે રેડમાં પણ અન્ય રેડમાં ઝડપાયેલા કીર્તિ મનજી દેત્રોજાનું નામ ખુલ્યું હોય જેથી પોલીસે રોકડ રકમ રૂા. 10,120 જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોથા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન વિસીપરા રોહીદાસપરામાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં ગંજી પાનાં જુગાર રમતા ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવિંદ ચૌહાણ, મનીષ લક્ષ્મણ વાઘેલા, જીજ્ઞોશ મનસુખ મકવાણા, આસિફ યુનુસ સુમરા, ગૌતમ ઉર્ફે ગવો દલપત ચૌહાણ, હાસમ ઉર્ફે રાજા જુમા સુમરા અને શબીર કાસમ સુમરા (રહે. બધા મોરબી)ને ઝડપી લઈને રોકડ રકમ રૂા. 13,230 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.