ભારતમાં દેવદેવીઓનો કરોડો મંદિરો છે
- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
- વરિષ્ઠ નાગરિકોનો લાલ મરચાંથી અભિષેક
મહાપુરૂષોનું મંદિર
ભારતમાં દેવદેવીઓનો કરોડો મંદિરો છે. સામાન્ય દિવસોમાં આ મંદિરોમાં ભક્તજનો અને દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ હોય છે. પરંતુ દેશ-દુનિયામાં ફરીવળેલા કોરોનાના ઉપદ્રવને પગલે મોટા મોટા મંદિરોમાં પણ લોકડાઉનને લીધે તાળા મારી દેવાયા છે. એટલે ભક્તોએ તો દિલ એક મંદિર હૈ... પ્યાર કી જીસમેં હોતી હૈ પૂજા... એ પોતપોતાના મનમંતરમાં જ દેવ-દેવીઓના દર્શન કરવાના હોય છે.
દેશમાં અઘણિત મંદિરો છે એમાં પણ આર્થિક રીતે સધ્ધર મંદિરોમાં તો ભક્તો તરફથી રીતસર દાનનો વરસાદ વરસાવવામાં આવે છે. જો કે કોરોના મહામારીનોસામનો કરવા ઝઝૂમતી સરકારને સહાય કરવા મોટા મોટા મંદિરોએ લાખો અને કરોડો રૂપિયા આપ્યા છે.
જુદાં જુદાં દેવદેવીઓનાં મંદિરો તો છે જ, પણ દક્ષિણ ભારતમાં ફિલ્મ સ્ટારોના પણ મંદિરો બંધાય છે. આ દેશમાં ક્યાંક રાવણ પણ પૂજાય છે ને ઉત્તરાખંડમાં દુર્યોધનનું પણ મંદિર છે આમાં મંદિરોથી જરા હટકે એવું મહાપુરૂષોનું મંદિર મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં છે. આઝાદી પહેલાં બંધાયેલા ઈટારસીના આ જય ભોલે મંદિરમાં ભગવાનની મૂર્તિઓની સાથે જ દેશના મહાપુરૂષોની પ્રતિમાઓના પણ દર્શન છે. આ મંદિરમાં અહિંસાના પૂજારી રાષ્ટ્રિપતા મહાત્મા ગાંધીજી ક્રાંતિકારી શહીદ ભગતસિંહ અને લોકમાન્ય ટિળકની પ્રતિમા પણ પૂજાય છે. આપણી પરંપરા જ રહી છે કે મહાન વ્યક્તિ જાય પછી જ પૂજાય છે.
વરિષ્ઠ નાગરિકોનો લાલ મરચાંથી અભિષેક
આ દેશમાં ગણ્યા ગણાય નહિં એટલાં મંદિરો છે અને આમાંથી ઘણાં મંદિરો છે જ્યાં અચરજ પમાડે એવી પૂજા-અર્ચનાની પરંપરા છે દક્ષિણ ભારતમાં આવું જ એક મંદિર છે જ્યાં ગામના સૌથી વરિષ્ઠ નાગરિકોનું વિધિવત પૂજન કરવામાં આવ્યા પછી લાલચોળ મરચાંનો અભિષેક કરવામાં આવે છે. તામિલનાડુના વેલુપુરમ જિલ્લામાં આવેલા મુથુ મરીયમ્મા મંદિરમાં દર વર્ષે આઠ દિવસનો ધાર્મિક મહોત્સવ યોજાય છે. આ આઠ દિવસ દરમિયાન સ્વસ્થ આરોગ્યપ્રદ જીવનની કામના સાથે મરચાંનો અભિષેક કરવામાં આવે છે. મંદિરની પરંપરા અનુસાર પહેલાં તો ગામના સૌથી વયોવૃદ્ધ ત્રણ વડિલોને મંદિરમાં માનભેર લાવવામાં આવે છે. આ વડીલો હાથમાં કંગન પહેરી એક દિવસનો ઉપવાસ કરે છે. પૂજારી તેમનેપૂજાસ્થાન પર ભગવાનની જેમ બિરાજમાન કરે છે. ત્યાર પછી મુંડન સંસ્કાર કરવામાં આવે છે. પહેલાં ચંદન અને ફૂલથી અભિષેક કરવામાં આવે છે ત્યાર પછી મરચાનું લેપન કર્યા બાદ મરચાની ભૂકીથી અભિષેક કરવામાં આવે છે. અને છેલ્લે લીમડાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી ધમધમતા કોલસમાંથી ચલાવવામાં આવે છે. આ રીતે મરચાથી અભિષેકની વિધિ પૂરી થાય છે. કેવી અનોખી પરંપરા છે?
કોરોનાથી બચવા સેલ્ફ સર્વિસ
કોરોના મહામારીએ લોકોમાં એટલી હદે દહેશત ફેલાવી છે કે વાઈરસથી બચવા માટે જાતજાતના નુસ્ખા અપનાવે છે. ચલણી નોટની લેવડદેવડ કરવાથી પણ વિષાણુ લાગવાનો ભય છે એવું લાગતા કોઈમ્બતુરના એક બ્રેડ વિક્રેતાએ નવો ઉપાય શોધી કાઢયો છે. બ્રેડના પેકેટ હારબંધ ગોઠવી રાખે છે અને બ્રેડની કેટલી કિંમત છે એ બોર્ડ પર લખી રાખ્યું છે. બાજુમાં પૈસા નાખવા માટેનો એક ડબ્બો રાખ્યો છે. દુકાનદાર પોતે દૂર બેસીને નજર રાખે છે. બ્રેડ ખરીદવા ગ્રાહક આવે તે પોતાની મેળે બ્રેડનું પેકેડ ઉપાડે છે અનેપૈસા ડબ્બામાં નાખી દે છે. આ સેલ્ફ-સર્વિસ સિસ્ટમ જોઈને વર્ષો પહેલાં રાજકોટ પાસે પડધરીબાજુના એક ગામડાની દુકાનદાર વગરની દુકાન યાદ આવી ગઈ. દુકાનમાં પરચૂરણ સામાન વેંચાતો. દરેક ચીજના ભાવ પાટિયા પર લખેલા હોય. ગ્રામજન કોઈ ચીજ ખરીદે ત્યારે પોતાની મેળે પૈસા મૂકી દે. વધુપૈસા આપ્યા હોય તો ગલ્લામાંથી હિસાબથી પૈસા પાછા લઈને જતો રહે. જરા વિચાર કરો કે દુકાનદારોને ભોળા ગામડાવાળાની પ્રામાણિકતા પર કેટલો ભરોસો હશે? એ વખતે વૃદ્ધ દુકાનદારે કહેલું કે આટલા વર્ષોથી આ દુકાન ચલાવું છું છતાં કોઈ વાર ખોટ નથી ખાધી. રાત પડે અને દુકાન બંધ કરવા જઉં છું અને ઘરે આવી વેચાણ અને ગલ્લામાં આવેલા પૈસાનો હિસાબ કરૂં છું ત્યારે બરાબર તાળો મળી જાય છે.
સાક્ષી ક્યારેક ફરી જાય પણ સાક્ષીની જાતિ ફરે?
ભારતની નાની-મોટી અદાલતોમાં રોજબરોજ કેસના ખડકલા થતા જાય છે. અને નિકાલ થયા વિનાના કોર્ટ કેસોની સંખ્યા લોખોનો આંકડો વટાવી ગઈ છે. ન્યાય મેળવવા માટે લોકોને મહિનાઓ... વર્ષો... દાયકાઓ સુધી પણ રાહ જોવી પડે છે. દેર હૈ અંધેર નહીં ... એવી આશામાં ને આશામાં લોકો રાહ જોતા રહે છે. આ વાસ્તવિક્તા વચ્ચે તામિલનાડુના એક ગામની અદાલતનો કિસ્સો યાદ આવે છે. એક કેસના મહત્વના સાક્ષીદારને બોલાવવા માટે હવાલદારે બૂમ પાડી 'રાજા (નામ બદલ્યું છે) હાજીર હૌ...' મહત્ત્વના સાક્ષીને જોવા સહુની નજર દરવાજા તરફ મંડાઈ પરંતુ રાજાને બદલે સાડી પહેરી લટકમટક ચાલતી 'રાણી' સાક્ષીદાર તરીકે હાજર થઈ. મેજિસ્ટ્રેટ અને વકીલો પણ ઘડીભર મુંઝાયા કે આ શું? પુરૂષ સાક્ષીદારને બદલે મહિલા કેમ આવી? ત્યારે મીઠા અવાજે 'રાણી'એ જ ખુલાસો કર્યો કે 'નામદાર જજ સાહેબ જ્યારે બે ગુ્રપ વચ્ચે મારામારીની ઘટના બની ત્યારે હું મરદ હતો, અને મારૂં નામ રાજા હતું. પણ આ કેસ લાંબો ચાલ્યો એ દરમિયાન હું મુંબઈ જઈ સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવી આવી અને રાજામાંથી બની ગઈ રાણી. આ મારી ઓળખના કાગળો હાજર છે. ત્યારબાદ રેકોર્ડ તપાસીને સાક્ષી તરીકે જુબાની આપવાની પરવાનગી આપવામાં આવી. આપણે સાંભળીએ છીએ કે ક્યારેક કોઈ કેસમાં સાક્ષી ફરી જાય છે, પણ સાક્ષીની જાતિ ફરી જાય ત્યારે કેવી નવાઈ લાગે?
બાર ગાવે બોલી બદલાય ચાર ગાવે ચટણી બદલાય
આપણામાં કહેવત છે કે બાર ગામે બોલી બદલાય. એમાં ઉમેરો કરી ચટણીની વિવિધતા આખી કહી શકાય કે ચાર ગાવે ચટણી બદલાય. કોથમીર, મરચા, ફૂદીનાની લાલ ચટણી, લસણ લાલ મરચાની તીખ્ખી તમતમતી ચટણી, ઢોસા-ઈડલી સાથે ખવાતી કોપરાની ચટણી, આમલીની ચટણી આ બધી તો સામાન્ય રીતેબધા જ ઘરોમાં બનતી હોય છે. પરંતુ પ્રાંત પ્રમાણે પણ ચટણીની જાતજાતની વેરાઈટી ચાખવા મળે છે. મહારાષ્ટ્રમાં ઠેચા તરીકે ઓળખાતી ચટણી, ગુજરાતમાં કોઠીમડાની ચટણી, કેરળમાં કોકોનટની ચટણી, આંધ્રમાં લસણ-કાકડી-કાચી કેરીની ચટણી ટેસ્ટ કરી શકાય છે.
તમતમતા રહેતા મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં તીખ્ખી તમતમતી ચટણીની સાથે પપૈયાની, અનાનસની, ખજૂર-આમલીની અને સૂકામેવાની સુદ્ધાં ચટણીનો ચટકો માણી શકાય. સૌથી 'નશીલી' ચટણી ઉત્તરાખંડમાં પીરસાય છે. આ ચટણી ભાંગમાંથી બનાવવામાં આવે છે. સૌથી તીખ્ખી ચટણી આસામમાં બનાવવામાં આવે છે. સૌથી તીખ્ખા મરચમાં ગણતરી થાય છે એ ભૂતજોલકિયા મરચા અને ગાજરનું મિશ્રણ કરી ચીલી-ગાજર ચટણી બનાવવામાં આવે છે. ચટણી શબ્દ ઉર્દૂના ચાટની (ચાટવું) ઉપરથી આવ્યો છે. આ બધી ચટણીઓની અનોખી ચટણી છત્તીસગઢના આદિવાસીઓ તેમ જ કર્ણાટકના જંગલોમાં રહેતા વનવાસીઓ બનાવે છે. ચાપડા ચિંટી ચટની તરીકે ઓળખાતી આ ચટણી લાલકીડી વાટીને બનાવવામાં આવે છે. આ ચટણી વનવાસીઓ પ્રોટીન મેળવવા ખાય છે એવું કહેવાય છે. ચટણીની આ ચાટાયણમાં એટલું ઉમેરી શકાય છે આપણાં દેશમાં મોંઘી ચટણી એટલે ચૂંટણી છે, કારણ કરદાતાના પૈસાની ચટણી થઈ જાય છે.
પંચ-વાણી
વતન પરસ્તની દેશભક્તિ
વેતન પરસ્તની આ-દેશભક્તિ
ફેશન પરસ્તની ડ્રેસ ભક્તિ.