એક ગામ રાફેલ નામ .
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ફ્રાન્સના રાફેલ ફાઈટર પ્લેનને મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરવામાં પાછું વળીને નથી જોયું. જાણે રાફેલ પ્લેનની વિધ્વંશક તાકાત વિપક્ષી નેતાઓના પંડમાં આવી ગઈ હોય એમ જોરશોરથી રાફેલના નામે રાડારાડ કરે છે. પણ ફ્રાન્સના આ રાફેલ પ્લેનના નામ જેવું ગામ ભારતમાં છે એ જાણીને આશ્ચર્ય થયા વિના રહે જ નહીને? તો આ રાફેલ નામનું ગામ નહીં પણ બે હજારની વસતીવાળું ગામડું છત્તીસગઢના મહાસમુંદ ક્ષેત્રમાં આવેલું છે. અત્યાર સુધી લોકોથી સાવ અજાણ્યું રહેલું આ ગામડું રાફેલના વિવાદને વંટોળ ફૂંકાયો ત્યાર પછી અચાનક સહુના ધ્યાનમાં આવી ગયું છે.
છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું એ પહેલાંથી રાફેલ ગામ અસ્તિત્ત્વ ધરાવે છે. આ નામ કોણે પાડયું? અથવા તેનો શું અર્થ થાય એ કોઈ ગ્રામજન નથી જાણતું. પરંતું ગ્રામજનો કહે છે કે રાફેલનો વિવાદ ચગ્યો ત્યારથી અમારા ગામના લોકોની ઘણાં મજાક પણ કરે છે કે રાફેલ નામ કેમ પડયું તેની તપાસ થશે. ગામવાસીઓ રાફેલ નામ બદલવાની માગણી સાથે પ્રતિનિધિમંડળ લઈને મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં પણ ગયા હતા. પરંતુ હજી સુધી નામ બદલવાની માગણી ઊભી જ રહી છે.
રફાલ નામ બદલાશે ત્યારે સહુને ટાઢક થશે. રામ બોલો ભાઈ રામની જેમ નામ બદલો ભાઈ નામનું સહુ મનોમન રટણ કરતા હશે.
સદ્દામના હૈયામાં રામ રામ
હોઠોં પેસચ્ચાઈ રહતી હૈ ઔર દિલ મેં સફાઈ રહતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશ મેં ગંગા બહતીહૈ... જેનું દિલસાફ હોય એનું હૃદય જ એક મંદિર બની જાય છે. કોમવાદ, ધર્મઝનૂન, વેર-ઝેરના હૃદય ઉપર બાઝેલા જાળા સાફ કરી શકાય તો એ હૃદયમાંથી વહેતું લોહી વહેતી ગંગા જેવું પવિત્ર થઈ જાય છે. આ વખતે રામનવમીના તહેવારમાં બેંગલોરના રાજાજી નગરના રામમંદિરમાં આવાં જ એક સાફ દિલ સેવક સદ્દામ હુસેનના દર્શન થયા.
છેલ્લા ત્રણ વર્ષથી તે આ મંદિરની સ્વેચ્છાએ સાફસફાઈ અને સજાવટ કરે છે. રામનવમીના તહેવાર વખતે તેણે બમણા ઉત્સાહ સાથે સાફસફાઈ અને સાજસજાવટની કામગીરી બજાવી હતી. સહુના હૈયામાં આવો સમભાવ જાગે ત્યારે જ સર્વધર્મ સમભાવનુંસપનું સાકાર બને. આ સેવકની ભાવના જોઈ હિન્દી ફિલ્મના ગીતના શબ્દો યાદ આવી જાયઃ
તું હિન્દુ બનેગા
ન મુસલમાન બનેગા
ઈન્સાન કી ઔલાદ હૈ
ઈન્સાન બનેગા...
ઘરમાં શૌચાલય છતાં બહાર જવાની મજબૂરી
કોઈ 'લોટા' દે મેરે બીતે હુએ દિન.... મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ઘર ઘરમાં શૌચાલય યોજના હેઠળ મોટા ભાગના ઘરોમાં શૌચાલય હોવા છતાં ગ્રામજનો લોટા લઈને શંકા નિવારણ માટે સીમમાં જાય છે. આનુંકારણ એક જ છે કે જો ઘરના શૌચાલયમાં જાય તો ઓછામાં ઓછું બે ડોલ પાણી વપરાય આટલું પાણી લાવે ક્યાંથી?
એનાં કરતાં બહાર જાય તો એક લોટામાં પતી જાય. પાણીની એટલી ખેંચ છે કે નાના ટાબરિયાઓ ખુલ્લામાં ખુલાસો કર્યા પછી ધૂળથી કે પથરાથી ડ્રાય ક્લિનીંગ કરી લે છે.
સવાર પડતાની સાથે જ ગામવાસીઓ લોટા લઈ લઈને સીમ ભણી પ્રયાણ કરે છે. મોબાઈલ ફોનની જેમ માણસોએ પણ 'મોબાઈલ' બની સીમમાં જવું પડે છે, આ કેવું 'સીમ-કાર્ડ' કહેવાય?
પત્નીએ પતિને ખભે બેસાડી આખા ગામમાં ફેરવવો પડયો
પરણ્યા પછી પતિને છોડી પરપુરૂષ સાથે પ્રેમ કરવાની આકરી સજા મધ્ય પ્રદેશ ઝાબુવાની એક મહિલાને ભોગવવી પડી હતી. માનવતાને શર્મસાર કરે એવી આ ઘટનામાં ગામની મહિલા પતિને છોડી બાજુના ગામે રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ. ગામમાં હોહા મચી ગઈ. નૈતિકતાના ઠેકેદારો બની બેઠેલા કેટલાક લોકો આ મહિલાની પાછળ પડીને પરગામથી ગામમાં લઈ આવ્યા.
ત્યાર પછી શું સજા કરી જાણો છો? મહિલાને કહ્યું કે તારા પતિને ખભા ઉપર બેસાડ અને પછી આખા ગામમાં ચક્કર માર. આ તઘલકી ફરમાન માથે ચડાવી અને પતિને ખભે ચડાવી આ લાચાર મહિલાએ ગામનું ચક્કર લગાવવાનું શરૂ કર્યું. જાણે ફુલેકું નીકળ્યું હોય એમ જુવાનિયાઓ નાચતા-કૂદતા અને મહિલાની ઠેકડી ઉડાડતા ચાલવા લાગ્યા.
કેટલાય મોબાઈલમાં આ શરમજનક ઘટનાની વિડીયો પણ ઊતારવા માંડયા. પતિને ખભે બેસાડી સ્ત્રી આખા ગામમાં ફેરવે અને મરદો આ સીનની મજા લે એ કેવી શરમજનક ઘટના કહેવાય? જ્યારે આ દ્રશ્યની વિડીયો વાઈરલ થઈ ત્યારે પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને પોલીસ ટીમ તત્કાળ ગામમાં ધસી ગઈ અને કેટલાક જણને અટકાયતમાં લીધા. પોલીસે ભલે આરોપીઓને પક્ડયા, પણ આવી સજા ભોગવનારી મહિલાએ જે માનસિક આઘાત ખમવો પડયો એમાંથી ક્યારે એ બહાર આવશે?
એક દેશમાં જમવાનું બીજા દેશમાં સૂવાનું
એક દેશમાં જમવાનું અને બીજા દેશમાં સૂવા જવાનું કેવી રીતે શક્ય બને? બાજુના દેશમાં ગાય-ભેંસ ચરાવવા લઈ જવાની અને સાંજે પોતાના દેશમાં ધણને પાછું વાળી દૂધ દોહવાનું હોય એ માન્યામાં આવે? પણ આ માની લેવાની વાત નથી હકિકત છે. ભારત અને મ્યાંમાર (બર્મા)ની સરહદ ઉપર આવેલા લોંગવા ગામનો અડધો હિસ્સો ભારતમાં અને અડધો હિસ્સો મ્યાંમારમાં છે. લોંગવા ટ્રાઈબના વડા જે રાજા તરીકે ઓળખાય છે તેનુંનામ છે અંગ-નગોવાંગ.
આ રાજાની હકૂમત હેઠળ ૭૫ ગામડા છે.મજાની વાત એ છે કે રાજાનો મહેલ જેવો વિશાળ આવાસ છે તેની વચ્ચેથી ભારત અને મ્યાંમારની સરહદ પસાર થાય છે. એટલે રાજા અને તેનો પરિવાર ભારત તરફ આવેલા ભોજન ખંડમાં જમે છે અને પછી મ્યાંમારની હદમાં આવતા શયનખંડમાં સૂવા જાય છે. આ સરહદી ગામોના બન્ને દેશના લોકો મુક્ત રીતે અવરજવર કરે છે. આ જોઈને 'બોર્ડર' ફિલ્મના ગીતની પંકિત યાદ આવે છેઃ કોઈ સરહદ ના ઈન્હે રોકે....
પંચ-વાણી
આ ત્રણ માગ્યા
વિના મળે નહીં
લોટ-નોટ-વોટ