વૃક્ષની ડબલ સેન્ચુરી અને જન્મદિનની ઉજવણી
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
આપણામાં જન્મદિનની ઉજવણીની એક પરંપરા રહી છે. પણ પશ્ચિમી દેશોનું અનુકરણ કરી કેક ઉપર મીણબત્તી બળતી હોય તેને ફૂંક મારીને બુઝાવવામાં આવે છે, પછી કેક કાપવામાં આવે છે. જોકે આપણી સંસ્કૃતિ દીપ બુઝાવવાની નહીં પ્રગટાવવાની છે, કાપવાની નહીં આપવાની છે. ખેર, માણસો તો જન્મદિન ઉજવે, પણ એક અનોખી ઉજવણીમાં આસામના સૌથી વયોવૃધ્ધ વડના ઝાડનો ૨૦૭મો જન્મદિન પર્યાવરણ પ્રેમીઓએ ધામધૂમથી ઉજવ્યો હતો.
પાંચમી જૂને પર્યાવરણ- દિન હતો એ નિમિત્તે વટવૃક્ષની વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આસામની રાજધાની ગુવાહાટીથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા બારાપેટા જિલ્લામાં ૨૦૭ વર્ષથી આ વડનું ઝાડ અડિખમ ઉભું છે. પરંતુ કાળની થપાટ સહીને ધીરે ધીરે તેની ઊંમર વર્તાવા લાગી છે. વડની વડવાઈઓ અને ડાળીઓ તૂટવા લાગી છે તો કયાંક થડને જીવાત લાગવા માંડી છે. એટલે જ સરકાર આ વડીલો જેવા વડલજાનું જતન કરવા માટે પગલાં લે એ માટે બર્થ-ડે ઉજવાયો હતો.
હજારો વૃક્ષપ્રેમીઓ વડ નીચે ભેગા થયા હતા, બેન્ડ- વાજાની સૂરાવલી રેલાવા લાગી અને એ સાથે જ ખાસ તૈયાર કરવામાં આવેલી ૬૭ કિલોની કેક કાપવામાં આવી હતી અને સહુનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. વડલાની જેમ વડીલોને પણ સંતાનો આવી હસીખુશીથી જાળવે તો? કારણ વડીલો છે એ તો કાયમ છાપો આપતો વડલો છે. એટલે જ કહેવું પડે કેઃ જ્યાં ન સચવાય વડીલો ત્યાં પછી અંદરો અંદર લડીલો.
હળમાં જોતરાતા ભાઈ- બહેન
ચૂંટણી આવે ત્યારે સત્તા પર હોય એ પક્ષવાળા ખેડૂતોના લાભાર્થે જાતજાતની યોજનાઓ જાહેર કરે છે. કારણ રાજકારણીઓ ખેતરમાં વટ-વૃક્ષ નહીં પણ વોટ-વૃક્ષ ભાળી ગયા છે. આ કિસાનલક્ષી યોજનાઓનો ખરેખર ખેડૂતોને લાભ મળે છે કે નહીં? એવો મનમાં સવાલ પેદા કરે એવી ઘટના કર્ણાટકના કારવાર જિલ્લાના ગામડામાં સામે આવી છે. ત્યાંના એક અત્યંત ગરીબ ખેડૂત પરિવાર પાસે હળમાં જોતરવા માટે બળદ ખરીદવાના પૈસા નથી.
એટલે જુવાન ભાઈ અને બહેન બળદની જગ્યાએ ખુદ હળમાં જોતરાઈને ખેતર ખેડે છે. એક હિન્દી દૈનિકે આ કરૂણ કહાણીને વાચા આપતા લખ્યું છે કે વયોવૃધ્ધ માતા અને પોતાનું પેટ ભરવા માટે ભાઈ ગિરીધર અને બહેન સુજાતા છેલ્લાં પંદર વર્ષથી આ રીતે જૈવિક ખેતી કરે છે. ખેતરમાં જે કાંઈ ઉગાડે તેને વૃધ્ધ માતા ટોપલામાં ભરી બજારમાં વેંચી આવે છે. આમ જમીનના નાના ટુકડાનું હળમાં જાતે જોતરાઈ ખેડાણ કરી આ પરિવાર જેમ તેમ જીવનનું ગાડું ગબડાવે છે.
પીડાદાયક બાબત એ છે કે ભાઈને આર્થરાઈટીસની હાડકાની બીમારી છે. એટલે હળ ખેંચી ખેંચીને પીડામાં વધારો થાય છે. આખી રાત પીડામાં કણસતો રહે છે અને સવાર પડતાની સાથે બહેનનો ટેકો લઈ ખેતર ખેડવા પહોંચી જાય છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે. એટલે આ ભાઈ- બહેનની વિતક કથા કોણ કાને ધરશે?
ક્રેનથી કાર- ચોરીની સેન્ચુરી
મુંબઈ, દિલ્હી, કલકત્તા જેવાં શહેરો અને ગામોમાં અવારનવાર કાર ચોરીના કિસ્સા બનતા હોય છે. કારની ચોરી કરી નંબર- પ્લેટ બદલી બીજા રાજ્યમાં વેંચી મારતી આંતર- રાજ્ય ચોર ટોળકીઓ સક્રિય છે. પણ તાજેતરમાં રાજધાની દિલ્હીમાં પહેલી જ વાર એક એવી કાર- ચોર ટોળીનો પર્દાફાશ થયો હતો કે જે ક્રેન લઈને ધોળે દિવસે કાર ઉપાડી જતી.
રોંગ- પાર્કિંગમાં કે નો- પાર્કિંગમાં ઉભી રાખવામાં આવેલી મોટરોને જેમ મોબાઈલ ક્રેનથી ટ્રાફિકવાળા ઉપાડી જાય છે એવી જ રીતે કાર-ચોર ટોળકી ક્રેનથી કાર ઉપાડી જવા માંડી. સવાર પડતા આ મોબાઈલ ક્રેન સાથે ત્રણ શાતીર ચોર કાર ઉપાડવા નીકળી પડતા. આમ લગભગ ૧૦૦ કાર ચોરીની સેન્ચુરી કર્યા પછી આ ચોરોનો પાપનો ઘડો ભરાઈ ગયો.
દિલ્હીના ડીબીજી રોડના જંકશન પાસેથી આ ચોર ત્રિપુટી કારને ક્રેનથી ઉપાડીને લઈ જતી હતી ત્યારે ત્યાં ઉભેલા પોલીસને શંકા ગઈ કે કારના પૈડા આમ નીચે રસ્તા પર કેમ ઘસડાય છે? વાહનને નુકસાન ન થાય એ રીતે 'ટો' કરી જવાનું હોય, આમ ઘસડવાનું ન હોય. એટલે એ ચકોર પોલીસે ક્રેન- વેન ઉભી રખાવી અને ત્રણેયનો આકરી પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો. ક્રેનથી કાર- ચોરીની સેન્ચુરી નોંધાવી ત્રણેય જેલભેગા થયા.
પ્લાસ્ટિક બેબીનો જન્મ
કહે છે ને કે સાચો પ્રેમ અને ખોટું પ્લાસ્ટિક શાશ્વત છે. પ્લાસ્ટિક પર્યાવરણને પારાવાર નુકસાન કરે છે. એટલે જ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પણ થોડા સમય પહેલાં સમાચાર જાણવા મળ્યા હતા કે રાજસ્થાનમાં એક માતાએ 'પ્લાસ્ટિક- બેબી'ને જન્મ આપ્યો હતો.
કોલોડિયન- બેબીની જવલ્લે જ જોવા મળતી બીમારીથી ગ્રસ્ત આ બાળકના આખા શરીર ઉપર પ્લાસ્ટિક જેવું પારદર્શક આવરણ હતું. ડોક્ટરોનું કહેવું છે કે જેનેટીક ડિસોર્ડરને કારણે આ બીમારી થાય છે. આમાં ટરમીટોસીસને કારણે બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. દર છ લાખમાં એક બાળક આ જટીલ બીમારી સાથે જન્મે છે. બાળકની પીડા જોઈને વિચાર આવે કે હે પ્રભુ તો મા-બાપને સંતાન- સુખ ભલે આપ, પણ પીડા વેઠવી પડે એવું 'સંતાન- દુઃખ' કોઈને ન આપ.
ફૂલોની ખુશ્બુથી શિક્ષકોનો પગાર ચૂકવાય
શિક્ષકો બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું જે સિંચન કરી ફૂલ ખીલાવે છે તેની ખુશ્બુ ચારે તરફ ફેલાય છે. પરંતુ કર્ણાટકના મેંગ્લોર પાસેના ઓજાલા ગામની એક સરકારી પ્રાથમિક શાળામાં ફૂલોની ખુશ્બુથી જ બે શિક્ષકોનો પગાર ચૂકવાય છે. સાંભળીને નવાઈ લાગે પણ આ હકિકત છે. લીલાછમ્મ વૃક્ષો અને હરિયાળી વચ્ચે આ પ્રાથમિક શાળાનું નળિયાવાળુ સુંદર બેઠાઘાટનું મકાન છે. સ્કૂલની આસપાસ જૂઈ (જેસ્મિન)ના ફૂલો ઉગાડવામાં આવે છે.
આ ફૂલોને બજારમાં વેંચીને જે પૈસા આવે એમાંથી બે શિક્ષકોનો પગાર ચૂકવાય છે. આઠ વર્ષ પહેલાં સ્કૂલના સંચાલકોની સામે પ્રશ્ન ઉભો થયો કે બે શિક્ષકોનો પગાર ક્યાંથી ચૂકવવો? જો પગાર ન ચૂકવાય તો સ્કૂલ બંધ કરવી પડે. ગ્રામજનો- પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય એવું નહોતા ઈચ્છતા.
એટલે સૂચન કર્યું કે સ્કૂલ તરફથી જૂઈના સુગંધી ફૂલો ઉગાડવામાં આવે તો તેના વેચાણમાંથી જે આવક થાય એમાંથી પગાર ચૂકવી શકાય. કારણ વારતહેવારમાં, મંદિરોમાં તેમજ લગ્ન સમારંભોમાં જૂઈના ફૂલોની ખૂબ જ ડિમાન્ડ હોય છે. આ સૂચન સ્વીકારી ફૂલો ઉગાડવાની શરૂઆત થઈ. આજે ફૂલોના વેચાણમાંથી વર્ષે લગભગ ૭૦થી ૮૦ હજાર રૂપિયાની આવક થાય છે. આમાંથી બે માનદ શિક્ષકોનો પગાર ચૂકવાય છે. એટલે જ કહેવું પડે કેઃ
ફૂલોની સુવાસ તરબતર
કરે તન મન
અને ખુશ્બૂના કારોબારમાંથી
ચૂકવાય વેતન.
પંચ- વાણી
ગામમાં તો ઊંદર હોય, પણ મહારાષ્ટ્રમાં એક ગામનું જ નામ છે ઊંદરગાંવ.