પોલીસોનું મૂંછ ભથ્થું
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
મૂંછે હો તો નથ્થુલાલ જૈસી... વર્ના ના હો... 'શરાબી' ફિલ્મમાં અમિતાભ બચ્ચન નથુલાલનું પાત્ર ભજવતા મુકરીની મૂંછોની તારીફ કરતા થાકતો નથી. મૂંછો તો મર્દાનગીની નિશાની છે. કહેવાય છે ને ઘોડા પૂંછ સે ઔર આદમી મૂંછ સે પહચાના જાતા હૈ. એમાંય જો પોલીસવાળાને મૂંછો હોય તો તેનો રૂઆબ કંઈક ઔર જ હોય છે.
પણ બેઉ બાજુ લીબું ટીંગાડી શકાય એવી વાંકડી મૂંછોને જાળવવા ઘણી મહેનત કરવી પડે છે હો? એટલે જ ઉત્તર ભારતમાં પીએસી (પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી)ના જવાનોને અત્યાર સુધી મૂંછોની જાળવણી અને જતન માટે મહિને ૫૦ રૂપિયા ભથ્થું આપવામાં આવતું હતું એ વધારીને હવે ૨૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ પ્રયાગરાજના કુંભમેળા વખતે મૂંછધારી પાંચ જવાનોનું ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ મૂંછ ભથ્થામાં વધારાની વાત સાંભળી જોડકણું કહી શકાય કે:
મૂછો જાળવા
ઉપાય કરો ઘરગથ્થુ
તો સરકાર વધારે
મૂંછોનું ભથ્થું
વર-કન્યાએ એકમેકને પહેરાવ્યા મંગળસૂત્ર
મંગળસૂત્ર સ્ત્રીના સુહાગની નિશાની છે તો પુરૂષ પરણેલો છે એની નિશાની કઈ? એવો સવાલ કરવામાં આવે તો જવાબ આપી શકાય કે પુરૂષના ચહેરા પરથી જ પારખી શકાય છે કે તે પરણેલો છે એને પોતે પરિણીત છે એ દેખાડવા માટે મંગલસૂત્ર પહેરવું નથી પડતું ખૈર આ તો અમથી રમૂજ છે પણ કર્ણાટકના વિજ્યાપુરમાં વર-કન્યાએ લગ્નવિધિ વખતે એકબીજાને મંગળસૂત્ર પહેરાવીને નવો ચીલો પાડયો હતો પહેલા વરરાજાએ કન્યાને મંગળસૂત્ર પહેરાવ્યું. અને પછી કન્યાએ વરરાજાને મંગલસૂત્ર પહેરાવ્યું. આ રીતે સ્ત્રી-પુરૂષ સમાનતાનો દાખલો બેસાડયો. આ જોઈને કહેવું પડે કે:
નર અને નારી
સમાન જોડી સારી
અસમાન હોય નર-નારી
તો ક્યારેક પડે ભારી.
૮૦૦ કિલોમીટરની ઝડપે ધસમસતી ટ્રેન
આપણે ત્યાં ટ્રેન લેટ દોડે છે પણ બુ-લેટ ટ્રેન ક્યારે દોડે છે એ તો આવનારો સમય જ કહેશે. સામાન્ય માણસ કોઈ તકલીફ વગર અને ભીડમાં ભીંસાયા વગર આરામથી મુસાફરી કેમ કરી શકે એ માટે પૂરતી જોગવાઈ કરવાને બદલે અબજો રૂપિયાનું આંધણ કરી મુઠ્ઠીભર પૈસા ખર્ચી શકે એવા પેસેન્જરો માટે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી થઈ રહી છે.
જોકે અત્યારે તો બુલેટ ટ્રેનની મોટી વાતો કરતા સત્તાધારીઓને જોઈ ભેંસ ભાગોળે ને છાશ છાગોળે એ કહેવત યાદ આવી જાય. બુલેટ ટ્રેન કેટલી 'લેટ' દોડતી થશે એ તો રામ જાણે. પણ અત્યારે બુલેટ ટ્રેનથી પણ ઝડપી ગતિએ ધસમસતી જાય એવી 'મેગ્લેવ ટ્રેન' દોડતી કરવા ઈંદોરના રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ્ડ ટેકનોલોજીના વિજ્ઞાાનીઓએ કમર કસી છે. મેગ્લેવ ટ્રેનને પૈડાં નથી હોતા, તે ટ્રેકથી થોડી
ઊંચાઈએ હવામા તરતી ચાલે છે. આને મેગ્નેટીક સિસ્ટમ (ચુંબકીય પ્રણાલી) કહેવામાં આવે છે. અત્યારે જપાન અને ચીન પાસે મેગ્લેવ ટ્રેન છે તે કલાકે ૬૦૦ કિલોમીટરની ઝડપે દોડે છે. જ્યારે આપણાં વિજ્ઞાાનીઓનું કહેવું છે કે ભારતમાં ૮૦૦ કિલોમીટરની ઝડપે દોડે એવી મેગ્લેવ-ટ્રેન વિકસીત કરવાનું શક્ય છે.
એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ બુલેટ ટ્રેન પ્રોજેકટ પાર પડે પછી મેગ્લેવ ટ્રેન મુંબઈ-નાગપુર, બેંગ્લોર-ચેન્નઈ, હૈદ્રાબાદ-ચેન્નઈ અને દિલ્હી-ચંડીગઢ રૂટ ઉપર દોડાવવાનો સરકારને વિચાર છે. કોલસાના એન્જિનવાળી ટ્રેનને જૂના વખતમાં લોકો-આગગાડી કહેતા, આજના જમાનામાં અતિશય ઝડપે ભાગતી મેગ્લેવ ટ્રેનને ભાગ-ગાડી કહી શકાય કે નહીં?
ગુલાબી મતદાન કેન્દ્ર
ગુલાબી રંગ જોઈને માણસનું મન ગુલાબી થઈ જાય. શિયાળામાં ગુલાબી ઠંડી માણવાની કેવી મજા આવે? ફિલ્મી ગીતકારો પણ ગીતોમાં ગુલાબી રંગ પૂરીને લખે છે. ગુલાબી આંખે જો તેરી દેખી, શરાબી યે દિલ હો ગયા... ગુલાબી રાત ગુલાબી... જૂની ફિલ્મનું શાસ્ત્રીય રાગ પર આધારિત કેતકી ગુલાબ જુહી ચંપક બન ભૂલે... આમ ગુલાબ અને ગુલાબી રંગના કેટલાય ગીતો યાદ આવે પણ
આગામી ચૂંટણી વખતે ગુલાબી મતદાન કેન્દ્ર હશે એવું સાંભળી ખરેખર આશ્ચર્ય થાય. શું ગુલાબી રંગે મતદાન કેન્દ્રને રંગવામાં આવશે? એમાંય મનમાં સવાલ થાય. પણ એવું નથી.
ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી વખતે ગંજમ જિલ્લામાં અમુક મતદાન કેન્દ્ર એવાં હશે જ્યાંની વ્યવસ્થાની તમામ જવાબદારી મહિલાઓ જ સંભાળશે. આ કેન્દ્રમાં મતદાન અધિકારીથી માંડીને તમામ કર્મચારીઓ મહિલાઓ જ હશે. આ મતદાન કેન્દ્રને ગુલાબી મતદાન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. ચૂંટણીના જંગમાં એવું છે કે જે જીતે એનો ચહેરો ગુલાબી અને હારે એનો મિજાજ જુલાબી.
રોતલ રાજકારણીઓ
યે આસું મેરે દિલ કી ઝુબાન હૈ.... આશિક કે જબ આંસુ નીકલે ઔર અગન લગ જાય... પ્રેમીઓ પ્રેમભંગ થાય ત્યારે આંસુ સારે છે અને આવા પ્રેમભંગના ફિલ્મી પ્રસંગોને ફિટમફિટ બેસે એવાં આંસુ નીતરતા ગીતો ગીતકારો ઘસડી નાખતા હોય છે પણ આ રોતા ફિલ્મી પ્રેમીઓની વાત નથી, આ તો રોતલ રાજકારણીઓની નાટકની વાત છે.
ચૂંટણીમાં ટિકિટ કપાય ત્યારે કેટલાય રાજકારણીઓ ઈલેક્ટ્રોનિક મિડિયાના કેમેરા સામે ધુ્રસકે ધુ્રસકે રોતા જોવા મળે છે. પ્રેમભંગ થતા પ્રેમીઓ કરતાં પણ આ ગાદીપ્રેમીઓને જ્યારે ટિકિટ કપાય ત્યારે વધુ વસમું લાગે છે. સામાન્ય રીતે મરદ દિલ પર પથ્થર રાખી આઘાત સહી લે છે, જ્યારે સ્ત્રીઓ રડીને હૈયું હળવું કરી લે છે.
પણ રાજકારણની નૌવટંકીમાં તો પુરૂષો આંસુ સારવામાં નારીઓની બરાબરી કરવા માંડયા છે. આપણાં જ ભૂતપૂર્વ વડા પ્રધાન દેવેગૌડાનો એક રોવામાં અને જાહેરમાં સૂવામાં જોટો જડે એમ નથી. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી માટે દેવેગૌડાના બે પૌત્રોને ટિકિટ આપવાનો ફેંસલો કરતા દેવેગૌડા પર વંશવાદનો આરોપ લાગ્યો. દેવેગૌડાને હાડોહાડ લાગી આવ્યું અને એ સભામંચ પર ઠૂંઠવો મૂકી ધુ્રસકે ધુ્રસકે રોવા માંડયા. બાપાને રડતા જોઈ એમનો પુત્ર પણ ગળગળો થઈ આંસુ સારવા માંડયો.
ત્રણ પેઢીને એકસાથે જાહેરમાં રડતી જોઈને જેડીએસેના સમર્થકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. બસ આમ રોવા-ધોવામાં જ સભાનું સમાપન થઈ ગયું. દેવેગૌડાને વંશવાદનો આક્ષેપ થતા કેમ આટલું આકરૂ લાગ્યું હશે? આ દેશની રાજનીતિમાં ક્યા પક્ષમાં વંશવાદની પરંપરા નથી? રાજાશાહીની જેમ લોકશાહીમાં પણ વંશવાદ જોવા મળે છેને? એમાં રોવાનું શું? રોવાનું તો આ
દેશની જનતાના ભાગ્યમાં લખેલું છે. આ રોવા-ધોવાનો ખેલ જોઈ કહેવું પડે કે:
રાજનીતિમે પહેલે
અપને અપને દાગ ધોના હૈ
સમસ્યાઓસે ધીરે લોગોં કે
દુ:ખ દર્દ મીટાના હૈ
વોટ કે લિયે આંસુ બહાને કા
યે સિર્ફ નાટક રોના-ધોના હૈ