Get The App

મુંબઈમાં પહેલી ટેસ્ટઃ બેદી બેસ્ટ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Jan 3rd, 2019

GS TEAM

Google News
Google News
મુંબઈમાં પહેલી ટેસ્ટઃ બેદી બેસ્ટ 1 - image


ક્રિકેટનો ખેલ આજે પૈસાનો ખેલ બની ગયો છે. ખેલદિલી જોવા મળતી એ ક્રિકેટના ખેલાડીઓ બિકાઉ બની ગયા છે. એક જમાનો  હતો જ્યારે ક્રિકેટની રમત જોઈ હર શખ્સ રાજી થતો અને આજે રમતવીરોની હર-રાજી થાય છે.

ક્રિકેટના ખેલના લેખાજોખા કરવા માટે નિમિત્ત બની ભારતની ધરતી પર રમાયેલી પહેલ વહેલી ટેસ્ટ-મેચની ડિસેમ્બરમાં ઉજવાયેલી ૮૫મી જયંતી બોમ્બે જિમખાનામાં જ્યારે પેવેલિયનમાં જવાની કોઈ ભારતીયને છૂટ નહોતી ફક્ત ગોરા સાહેબો ચીરૂટ ફૂંકતા ક્રિકેટ જોતા એ જમાનામાં ૧૫મી ડિસેમ્બર ૧૯૩૩માં પહેલવહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી.

સી.કે.નાયડુના સુકાનીપદ નીચેની ભારતીય ટીમનો મુકાબલો ડગ્લસ જાર્ડીન ઈલેવન ટીમ સાથે થયો હતો. ૮૫મી જયંતીના ઉજવણી સમારોહમાં અતિથિવિશેષ બનાવવામાં આવેલા મહાન બેદીએ જ્યારે ક્રિકેટર બનવાનો સંકલ્પ કર્યો ત્યારે પંજાબમાં કોચની કે યોગ્ય સાધનો સુવિધા નહોતી એટલે નેટ પ્રેક્ટિસ કરતી વખતે  રોજ છથી આઠ કલાક બોલીંગ કરતા. 

મનોરંજન માટે ફક્ત રેડિયોમાં આવતા બીનાકા ગીતમાલા   કાર્યક્રમ પર આધાર રાખવો પડતો. બેદીએ પહેલી ફિલ્મ ૨૧મે વર્ષે  જોઈ અને મજાની વાત  એ છે કે બેદીએ પહેલવહેલી ટેસ્ટ મેચ ક્યારે જોઈ ખબર છે? ૧૯૬૬માં જ્યારે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં  આવ્યો ત્યારે એમણે પહેલી વાર ટેસ્ટ  રમાતી જોઈ અને પોતે પણ રમ્યા.

આજે તો ક્રિકેટરોની કરોડોમાં બોલી બોલાય છે, ફિલ્મ -વિજ્ઞાાપનોમાંથી લખલૂટ દૌલત કમાય છે અને ક્રિકેટના ખેલ પાછળ અબજોનો જુગાર રમાય છે. ક્રિકેટમાંથી જાણે સાચી રમતનું તત્ત્વ ઊડી ગયું છે અને પૈસો જ જાણે સર્વોપરી બની ગયો છે. આ જોઈને કહેવું પડે કે ખેલ ખતમ-પૈસા હજમ.

સાંતા-કલોઝ આવશે
નાતાલનો તહેવાર આવે એટલે બાળકો ધોળી દાઢી અને લાલ ડ્રેસવાળા સાંતાક્લોઝ દાદાની રાહ જોવા માંડે છે. બજારોમાં સાંતાક્લોઝના ઢીંગલા, લાલરંગી ફૂમતાંવાળી ટોપીઓનું ધૂમ વેંચાણ  થાય છે. નાતાલની રાત્રે સાંતાક્લોઝ દાદા બાળકો સૂતા હોય ત્યારે મોજામાં અવનવી ભેટો મૂકી જાય છે.

બસ આ ખ્યાલમાં  બાળકો મીઠી નિંદરમાં સરી પડે છે અનેે સવારે ભેટ માટે મોજા ફંફોસે છે. પરંતુ બ્રિટનમાં મનોવિજ્ઞાાનના એક પ્રોફેસર ક્રિસ બોયલે તાજેતરમાં જ કરેલા એક અભ્યાસમાં  એવું જાણવા મળ્યું હતું કે મોટાભાગના બાળકો ૮ વર્ષના થાય એ પછી સાંતાક્લોઝ દાદા આવશે એવી રંગીન કલ્પનામાં રાચવાનું છોડી દે છે. 

આ આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં પ્રોફેસરને મળેલા  જવાબોમાં ૩૪ ટકા લોકોએ કહ્યું હતું કે  તેઓ હજી  સાંતાક્લોઝમાં વિશ્વાસ કરે છે. જ્યારે ૫૦ ટકાએ   જવાબ આપ્યો હતો કે હવે તેઓ સાંતાક્લોઝમાં  માનતા નથી. હમણાં જ સોશિયલ મિડિયામાં  વહેતા થયેલા એક દેશી ટુચકા મુજાર કાકા રાહ જોઈને બેઠા હતા કે સાંતા-કલોઝ આવશે... સાંતા-ક્લોઝ આવ્યા જ નહીં.

બે હજાર વર્ષથી ખીચડી રંધાય છે
દેશમાં છેલ્લાં બે હજાર વર્ષથી ખીચડી રંધાય છે  એવું સાંભળીને થાય કે એવાં તે ક્યા ચૂલા ઉપર  ખીચડીનું  આંધણ મૂકાયું હશે કે બે-બે હજાર વર્ષથી હજી રંધાઈ નથી? જોકે હકીકત એ છે કે ભારતમાં બે હજાર વર્ષથી ખીચડી ખવાય છે એ સાબીત કરતા અવશેષો મહારાષ્ટ્રના  ઉસ્માનાબાદ  જિલ્લાના તેર ગામે મળ્યા છે.

તેરની આર્કિયોલોજીકલ સાઈટ પર માટીના બે મોટા વાસણો મળી આવ્યા હતા. આ વાસણમાં  ચોખા અને મગની દાળની ખીચડી રાંધવામાં આવતી હોય એ સૂચવતા અનાજના બળી ગયેલા દાણા જોવા મળ્યા હતા. બળેલા દાણાનું  રૂપાંતર કાર્બનમાં થઈ ગયું હતું. આ પુરાવા એવું સૂચવે છે કે પહેલી સદીમાં પણ લોકો ટેસથી ખીચડી ખાતા હશે.

અત્યારે તો રાજકારણના રસોડે ગઠબંધનના માહોલમાં  ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય ખીચડી રંધાવાની શરૂઆત  થઈ જતી હોય છે. ફાસ્ટ-ફૂડના નાદે ચડી બર્ગર, પિત્ઝા કે સેન્ડવિચ ખાતા લોકોને કોણ સમજાવે  ખીચડી જેવો પૌષ્ટિક આહાર બીજો કોઈ નથી. બે-બે હજાર  વર્ષથી  લોકો જે તે ખાતા આવ્યા છે એ ખીચડી તરફ દુર્લક્ષ કેમ કરી શકાય? દિકરી તો પારકી થાપણ કહેવાય... એ ગીતની પેરડી રૂપે ગાઈ શકાય કે ખીચડી તો પેટની થાપણ કહેવાય... ખાના રે...

બેગર્સ ટાઉન
આદર્શ ગામ કોને કહેવાય? જ્યાં રસ્તા કે ફૂટપાથ ઉપર એક પણ ભીખારી બેઠેલા જોવા ન  મળે. સહુ મહેનતની રોટી કમાઈને  ખાય. પરંતુ ઉત્તર પ્રદેશમાં પનકી ક્ષેત્રમાં આવેલું કપડિયા ગામ આખું ભીખ ઉપર જ નભે છે. પડવાને વાંકે ઊભેલા થોડા-ઘણાં પાક્કા મકાનો, ઝૂંપડાં અને કાચી સડકો વાળા આ ગામને લોકો બેગર્સ ટાઉન તરીકે ઓળખે છે.

ગામના મોટા  ભાગના પુરૂષો દાઢી રાખે છે. સવાર પડતા આ બધા ભગવા કે ગેરૂઆ વસ્ત્રો પહેરીને કાનપુર  સહિત આસપાસના શહેરો કે ગામોમાં  ભીક્ષા  કે ભીખ માટે પહોંચી જાય છે. નવરાત્રિ આવે એટલે પુરૂષો બંગાળ પહોંચી જાય છે. કુંભમેળામાં અલાહાબાદ કે નાશિક પહોંચી જાય છે. ગણેશોત્સવ વખતે મહારાષ્ટ્રમાં આંટો મારી જાય છે અને કમાણી કરી જાય છે. દેશમાં ગણતંત્ર છે, પણ આ ગામમાં મા-ગણતંત્ર  જોવા મળે છે.

૨૦મે માળેથી ઝંપલાવનારને બચાવતું ગાદલું
ઘરમાં પથારી થઈ ગયા પછી બાળકોને  ગાદલા ઉપર કૂદાકૂદ અને ધીંંગા-મસ્તી કરવાની  મજા આવતી હોય છે.  પણ જે ગાદલા બાળકોને  મજા કરાવી શકે છે એ જ ગાદલા મોટેરાના જીવ પણ બચાવી શકે છે. કલકત્તા પોલીસે હવા ભરેલા આવાં જંગી ગાદલા (કુશન) મેળવ્યા છે. ધારો કે બહુમાળી ઈમારતમાં આગ લાગે ત્યારે લોકો જીવ બચાવવા માટે વીસમે માળેથી પણ આ લાઈફ સેવિંગ કુશન ઉપર કૂદકો મારે તો બચી જાય છે.

દેશમાં પહેલી જ વાર કલકત્તા પોલીસ ફોર્સ માટે આવા જીવનરક્ષક ગાદલાની  જોગવાઈ કરવામાં આવી છે. કલકત્તામાં આ જાતના કુશનની વ્યવસ્થા થઈ તેનું કારણ છે લગભગ દસ વર્ષ પહેલાં કલકત્તાની પાર્ક-સ્ટ્રીટમાં આવેલી સ્ટીફન કોર્ટ ઈમારતમાં આગ  ભભૂકી  ઊઠી હતી. લપકારા લેતી આગની  જ્વાળાથી બચવા માટે  નવ જણે  ૫૦ ફૂટ ઊંચેથી  કૂદકા માર્યા અને નીચે પટકાઈ જીવ ગુમાવ્યા  હતા.

આ જાતના અકસ્માતનું પુનરાવર્તન ન થાય અને જીવ બચાવી શક્યા માટે જ લાઈફ સેવિંગ કુશન પોલીસના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુ્રપે મંળવ્યા છે. આગના સ્થળે આ ગાદલાને  લઈ જવામાં આવ્યા પછી  ચાર માણસની મદદથી ફક્ત ૮૦ સેકન્ડમાં જ ગાદલાને હવા ભરી ફૂલાવી શકાય છે. ૧.૫૫ મીટર  લાંબા અને ૧ મીટર પહોળા ફિંડલા (રોલ)માં હવા ભરવામાં આવ્યા પછી ૨૮ટ૨૧ ફૂટ પહોળું અને આઠ ફૂટ ઊંચુ ગાદલું તૈયાર થઈ જાય છે. 

આ ગાદલા ઉપર ૨૦ માળની ઊંચાઈએથી ઝંપલાવવામાં આવે તો પણ જીવ બચાવી શકાય છે. વિદેશમાં તો ફાયર બ્રિગેડ અને પોલીસ આ જાતના કુશનનો વર્ષોથી ઉપયોગ કરે છે. મુંબઈની એક હોસ્પિટલમાં હજી ગયા મહિને જ લાગેલી  આગ વખતે ઉંચેથી કૂદનારા  બે-ત્રણ જણે જીવ ખોયો હતો. આવી આગ કે અકસ્માત પછી નેતાઓ લોકોની સુરક્ષા માટે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ એવી મોટી મોટી વાતો કરે છે.

પછી રાત ગઈ સો બાત ગઈની જેમ ભૂલી  જાય છે. હવે જો કલકત્તા પોલીસની જેમ દેશભરમાં પોલીસ અને ફાયર બ્રિગેડને આવા લાઈફ સેવિંગ કુશન સરકાર પૂરા પાડે તો કેટકેટલા  લોકોને બચાવી શકાય? પણ એવું છે ને કે જેને પોતાની ગાદી સાચવવાની જ ચિંતા હોય એ ક્યાંથી ગાદલાનું વિચારી શકે? 

પંચ-વાણી
સઃ જે શબ્દનું એકવચન એક પ્રાણી અને  બહુવચન એક ઋતુ થાય એવો ક્યો શબ્દ છે?

જઃ શિયાળ-શિયાળો

Tags :