ઉતાવળમાં શોધ થઈ મૈસૂર પાકની
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
બેસન, ઘી અને સાકરની ચાસણીમાંથી બનતી મીઠાઈ એટલે મૈરુર પાક. વર્ષો વિતતા ગયા એમ મીઠાઈના નામનો અપભ્રંશ થયો અને મેસુબ તરીકે પણ ઓળખાવા લાગી આ મીઠાઈ પણ મૈસૂર પાકનો સ્વાદ જેટલો રસપ્રદ છે એટલો જ રસપ્રદ તેનો ઈતિહાસ છે. આ મીઠાઈનો સંબંધ તેનો ઈતિહાસ છે. આ મીઠાઈનો સંબંધ મૈસૂરના રાજા અને મહેલના શાહી રસોઈયા સાથે જોડાયેલો છે. વીસમી સદીની આ વાત છે જ્યારે મેસૂરના રાજાકૃષ્ણરાજ વાડિયાર-ચોથા બિરાજતા હતા. એ વખતે મહેલમાં શાહી રસોઈયો હતો કાકસુર મડપ્પા. એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ રાજા વાડિયાર ભોજન માટે બેઠા.
રોજ શાહી રસોઈયો રાજાની થાળીમાં મીઠાઈ મૂકતો હતો. પણ એક દિવસ મીઠાઈ રાખવાનું ભૂલી ગયો. રાજાએ થાળીમાં નજર ફેરવી અને સવાલ કર્યો કે આજે થાળીમાં મીઠાઈ કેમ નથી? રસોઈયો મડપ્પા ગભરાઈ ગયો. તરત જ ઉતાવળમાંને ઉતાવળમાં બેસન, ઘી અને સાકર મેળવી તેને શેકીને ગરમાગરમ મીઠા રાજાની થાળીમાં મૂકી. રાજાને બહુ ભાવી. પૂછ્યું આ વળી કઈ નવી મીઠાઈ છે? ત્યારે તેજ દિમાગવાળા રસોઈયાઅએ કહી દીધું આ મીઠાઈ મૈસૂર-પાક છે. કન્નડ ભાષાનાં પાકનો અર્થ મીઠાઈ થાય છે. મૈસૂરમાં આ નવી મીઠાઈ શોધાણી એટલે નામ આપી દીધું મૈસૂર-પાક. આમ મૂળ મૈસૂર અને અત્યારના કર્ણાટકની આ મીઠાઈનો મીઠો સ્વાદ આખી દુનિયા માણે છે. એટલે કહેવું પડે કે:
ઉતાવળે શોધાયો મૈસૂર-પાક
જેણે જમાવી સહુની જીભે ધાક.
નવવધૂની અદલાબદલી
એક રાત મેં દો દો ચાંદ ખીલે એક ઘૂંઘટ મેં એક બદલી મેં... જૂની ફિલ્મના આ ગીતમાં ચાંદ જેવા ચહેરાવાળી દુલ્હન ઘુંઘટમાં છે અને બીજોે ચાંદ બદલી મેં એટલે વાદળામાં મલકી રહ્યો છે. પણ મધ્ય ભારતના એક ગામમાં નવા વર્ષની શરૂઆતમાં જ યોજાયેલા એક લગ્ન સમારોહમાં બદલીનો અર્થ વાદળ નહીં, પણ અદલા-બદલી કરવાની નોબત આવી. ગામની કોડીલી કન્યાના લગ્ન બાજુના ગામના યુવક સાથે નક્કી થયા. સગાઈ થઈ ગઈ. પછી ધામધૂમથી લગ્ન-પ્રસંગ યોજાયો. શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન લેવાતા હતા એ વખતે દુલ્હેરાજાએ દુલ્હનના ચહેરા સામે જોયું ત્યારે ચૌંકી ઉઠયો. આ કન્યા જેની સાથે સગાઈ થઈ હતી એ નથી. લાગે છે, નક્કી દાળમાં કંઈક કાળું છે. દુલ્હાએ તેના મા-બાપને વાત કરી.
કન્યાના પિતાને પૂછવામાં આવતા તેણે કહ્યું કે કન્યાને ભારે મેકઅપ કર્યો છે એટલે ચહેરો જુદો લાગે છે. આમ શંકાના વાતાવરણમાં જેમતેમ લગ્ન તો પૂરા થયા. કન્યાને લઈ જાન રવાના થઈ. ઘરે પહોંચ્યા પછી જ્યારે વરરાજાએ નવવધૂને જોઈ ત્યારે તેને ખાતરી થઈ કે તેની સાથે દગો થયો છે. ભળતી જ કન્યા સાથે તેને પરણાવી દેવાયો છે. ઉહાપોહ મચી ગયો. બધા ઉપડયા પાછા લગ્નસ્થળે. કન્યાના પિતાને ધમકાવ્યા ત્યારે એવી હકિકત બહાર આવી કે પિતાએ દીકરી કોઈ કારણસર પરણવા તૈયાર ન થતા, તેના જેવી જ દેખાતી બીજી કન્યાને દુલ્હનના સાજ-શણગાર સજાવી માંડવામાં બેસાડી દીધી હતી અદલા-બદલીની આ બનાવટ ક્યાં સુધી છાની રહે? પછી તો પોલીસ દોડી આવી, અને મામલો સંભાળી લીધો.
હાઈ-સોસાયટીમાં હસબન્ડ-વાઈફની અદલાબદલી થતી હોય છે. લાઈફ પાર્ટનર અમુક સમય એક્સચેન્જ કરવામાં આવે છે. પણ નાના ગામમાં એકને બદલે બીજી કન્યાને પરણાવી દેવામાં આવે એ કેટલી મોટી બનાવટ કહેવાય? અદલા-બદલીનો આ કિસ્સો વાંચી જરા નવા અર્થ સાથે પેલું જ ગીત ફરી ગણગણવું પડે: એક રાત મેં દો દો ચાંદ ખીલે... એક ઘૂંઘટ મેં (અદલા) બદલી મે...
શિરટોપમાં સાપ
હેલ્મેટ પહેરી હોય એ ટુ-વ્હીલરસવાર અકસ્માત થાય તો મોતથી બચી શકે છે. પણ જરા વિચાર કરો કે હેલ્મેટની અંદર જ મોત ગુંચળું વળીને બેઠું હોય અને એ હેલ્મેટ માથે પહરેવામાં આવે તો શુંં દશા થાય? આ અજીબ કિસ્સો કેરળના એક ગામનો છે સંસ્કૃતના શિક્ષક કે.એ.રંજિત માથે હેલ્મેટ પહેરી બાઈક ઉપર સ્કૂલે જવા નીકળ્યા. ૧૧ કિલોંમીટરનો પંથ કાપી સ્કૂલે પહોંચ્યા અને માથેથી હેલ્મેટ ઉતારી. હેલ્મેટ ઉતારતાની સાથે જ શિક્ષક હોંશકોશ ખોઈ બેઠા. કારણ અંદર ઝેરી સાપ ગુંચળું વળીને ફસાયેલો પડયો હતો. આસપાસના લોકો દોડી આવ્યા અને સાપને હેલ્મેટની અંદર જ મારી નાખ્યો પછી તરત જ શિક્ષકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉકટરોએ ટીચરનું બોડી ચેકઅપ કરીને રિપોર્ટ આપ્યો કે ઝેરી સાપે ડંખ નથી માર્યો ત્યારે શિક્ષકના જીવમાં જીવ આવ્યો. સામાન્ય રીતે હેલ્મેટ અકસ્માત વખતે માથામાં ઈજાથી બચાવે છે. પણ આ ઘટનામાં તો હેલ્મેટે અંદર ગુંચળું વાળીને સંતાયેલા મોતથી જાણે શિક્ષકને બચાવ્યા. કહે છેને કે ભલે માથે મોત ભમતું હોય, પણ રામ રાખે તેને કોણ ચાખે?
પહેલી જ વાર ગીતના શબ્દોને આધારે સ્મારક
'ઝુમકા ગીરા રે બરેલી કે બાઝાર મે... ૧૯૬૬માં આવેલી 'મેરા સાયા' ફિલ્મનું મદનમોહને સ્વરબદ્ધ કરેલંસ આ ગીત સાધના ઉપર ફિલ્માવાયું હતું. આ ગીત એટલું બધું લોકપ્રિય થયું કે બહારગામથી જે કોઈ ટુરિસ્ટ ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં આવે એ તરત પૂછે કે બરેલીના કયા બજારમાં ઝુમકું પડી ગયું હતું? ઝુમકા એટલે કાનના બુટિયા કે લટકણિયા. જરા વિચાર કરો કે આ ગીતની લોકપ્રિયતા કેટલી હદે હશે કે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટીએ લખનઉ-દિલ્હી હાઈવે પર બરેલી શહેરના પ્રવેશદ્વાર ઉપર જ ૬૦ લાખના ખર્ચે ઝુમકાને લટકાવ્યું છે. ૨૦ ફૂટ ઉંચા થાંભલા પરના આ ઝુમકાને ૨૦૦ મીટર દૂરથી જોઈ શકાય છે.
પિત્તળ અને તાંબાના આ ચળકતા ઝુમકાને જોઈ સહુ મનોમન ગણગણવા માંડે છે: ઝુમકા ગીરા રે બરેલી કે બાઝાર મેં... આ ઝુમકા ગીતના ગીતકાર રાજા મહેંદીઅલી ખા સાહેબ, સંગીતકાર મદનમોહન અને અભિનેત્રી સાધના આજે આ દુનિયામાં નથી. પણ ગીતને બેહદ લોકપ્રિય કરવામાં સૌથી મોટું યોગદાન આપી ચૂકેલા આ કલાકારોની યાદ ઝુમકાના સ્મારકને જોઈ આવ્યા વિના નહીં રહે કારણ ફિલ્મ સંગીતના ઈતિહાસનો આ પહેલો જ દાખલો છે જેમાં ગીતમાં આવતા શબ્દને આધારે સ્મારક સાકાર કરવામાં ંઆવ્યું હોય.
યે દિલ માંગે 'મોર': અનોખું મોરનું ગામ
યે દિલ માંગે 'મોર'... મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. છતાં આ રાષ્ટ્રીય પક્ષીનું જતન કરવાને બદલે ઘણી જગ્યાએ ગેરકાયદે શિકાર કરવામાં આવતો હોય છે. પરંતુ મહારાષ્ટ્રમાં અનોખું મોર-ગામ છે. જેટલી ગામની વસતી છે એટલા જ મોર છે. પુણે-નગર રોડ પર શિરર-શિક્રાપુર પાસેનું ચિંચોલી ગામ મોરગામ તરીકે જાણીતું છે. ઘરઘરમાં, ગામમાં અને સીમમાં જ્યાં જુઓ ત્યાં બસ મોરના જ દર્શન થાય છે. સામાન્ય રીતે ગામડામાં સવારે કૂકડાના કૂકરેકૂકથી લોકો જાગી જતા હોય છે. જ્યારે ચિંચોલીમાં સવારથી મોરના મીઠા ટહુકા અને ગહેકાટ જાણે કાનોમાં મોરપીચ્છ ફરતું હોય એવો સુંવાળો અનુભવ કરાવે છે. મોરને દેવનું વાહન ગણે છે એટલે તેની રક્ષા કરવામાં આવે છે લાલનપાલન કરવામાં આવે છે. ગામડાની વસતી લગભગ અઢી હજાર છે અને અઢી હજારથી વધુ મોર છે. એમાંય જ્યારે ચોમાસું આવે ત્યારે તો ચિંચોલી ગામ મે...આવ... મે... આવ એવાં મોરના ગહેકાટથી ગુંજી ઊઠે છે અને મનમાં ગીતનો ગુંજારવ શરૂ થઈ જાય છે મન મોર બની થનગાટ કરે...
પંચ-વાણી
રાધા શબ્દને અવળેથી વાંચો તો ધારા વંચાય: કૃષ્ણ તરફ વેહતી પ્રેમની ધારા એ રાધા...