વરસાદ વિના વાંઢામાં વધારો
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
લોકગીત છેને પાણી ગ્યા'તા રે બેની અમે તળાવના રે... પણ દુકાળની પરિસ્થિતિમાં તળાવો સૂકાઈ ગયા હોય ત્યારે ક્યાં પાણી ભરવા જાય? મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના રનમસાલેઅનેઆસપાસના ગામડાઓની 'પાણી' વિના આવી જ સ્થિતિ છે. છેલ્લા એકાદ દાયકાથી અવારનવાર સર્જાતી પાણીની કારમી અછતથી સૌથી વધુ મુશ્કેલી પરણવાલાયક જુવાનિયાઓની થઈ છે.
કારણ કે કોઈ કન્યાના મા-બાપ પોતાની લાડકી દીકરીને આ નપાણિયા મલકમાં પરણાવવા રાજી નથી કારણ ગામના તળાવ સૂકાઈ ગયા છે કૂવાના નીર ઓસરી ગયા છે. આવી સ્થિતિમાં ગામની મહિલાઓએ માથે બેડાં લઈને કેટલાય કિલોમીટર દૂર જવું પડે છે. આવી વિકટ સ્થિતિ જ્યાં હોય ત્યાંના જુવાનિયાને જમાઈ બનાવવા કોણ તૈયાર થાય?
એટલે નાનકડાં ગામમાં વાંઢાઓની આબાદી વધતી જાય છે. લગભગ બસો-અઢીસો વાંઢા ગામમાં ધૂમતા રહે છે. આમાંથી કેટલાક તો પરણવા ખાતર ગામ છોડી આસપાસના શહેરમાં પહોંચી ગયા છે. આકાશ સામે જોઈ વાંઢાઓ ઉપર વાળાને વિનવણી કરે છે કે વરસાદ પડે તો કોઈ કન્યાના સાદ કાને પડે. વરસાદ વિના કન્યા ક્યાંથી પધારે? આમને આમ વાંઢાની આબાદી વધારે એનો શું ઉપાય?
છાણાંથી સર્જીકલ સ્ટ્રાઈક
ભારતે પાકિસ્તાનની સરહદમાં ધૂસી સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાડોશી દુશ્મનને જબરજસ્ત જફા પહોંચાડી હતી. જૂના જમાનામાં રણમેદાનમાં યોદ્ધાઓ તાતી તલવારો, ભાલા અને ધુનષ્ય-બાણથી લડતા અને શોર્યનો પરિચય આપતા. આજે મોડર્ન વોરફેરમાં જાતજાતના મિસાઈલ, બોમ્બ, મશીનગન અને માઈલોના માઈલો દૂર સુધી ગોળા ફેંકતી તોપનો ઉપયોગ થાય છે.
પરંતુ એકવીસમી સદીમાં પણ છાણાથી યુદ્ધ ખેલાય એમ કોઈ કહે તો ઝટ માનવામાં ન આવે. પણ આ હકિકત છે. આંધ્રપ્રદેશના કુર્નુલ કેરૂપલા ગામની જ્યાં દર વર્ષે છાણાં-યુદ્ધ જોવામળે છે. દેવી ભદ્રકાળી અને શિવના રૌદ્ર સ્વરૂપ મનાતા વીરભદ્રસ્વામીને રિઝવવા માટે બે ગામના લોકો ચોક્કસ દિવસે સીમમાં ભેગા થાય છે અને એકબીજા પર છાણાં ફેંકે છે.
આ છાણા-યુદ્ધ પર્વ આવે એ પહેલાં ગામ લોકો કેટલાય દિવસ ગાયના છાણમાંથી છાણાં બનાવવાના કામમાં લાગી જાય છે. પછી પર્વને દિવસે સામસામા છાણાં ફેંકી છાણાંથી સર્જીકલ સ્ટ્રાઈક કરી છાણાં-યુદ્ધ ખેલે છે. ગ્રામજનોના આરોગ્ય અને સમૃદ્ધિ માટે છાણાં-યુદ્ધને મહત્ત્વની પરંપરા ગણવામાં આવે છે. પણ ચૂંટણી આવે ત્યારે જુદા જુદા પક્ષના નેતાઓએકબીજા પર છાણાં થાપવા લાગે છે એ કેવી વિચિત્ર પરંપરા કહેવાય?
ઘુંઘટવાલી ચાય
જો લે ચાય કી ચુસ્કી, કિસ્મત ખુલ જાય ઉસકી... ચાના ચાહકોના મોઢેથી આ ડાયલોગ ઘણીવાર સાંભળવા મળે છે. આના ખરા બંધાણીઓને તો જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી શરીરમાં કાંટો જ ન આવે. અને જ્યારથી ચાયવાળામાંથી નમો દેશના સર્વોચ્ચ આસન પર પહોંચ્યા ત્યારથી તો બસ ચારે તરફ ચાય પે ચર્ચા કાને પડે છે. પણ મીઠું નાખેલી નમકવાલી ચાયની ચુસ્કી લેવા ક્યાં મળે? એવો અજાયબ સવાલ કોઈ કરેતો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનું નામ આપી શકાય.
કારણ નમકવાલી ચાય જાણે ભોપાલ શહેરની આગવી ઓળખ બની ગઇ છે સાંજ પડતાની સાથે જ ભોપાલના પુરાણા વિસ્તારની ચાની દુકાનોમાં ચાના ચાહનારા ઉમટવા માંડે છે. આ નમકવાલી ચાયનો ઈતિહાસ પણ રોચક છે. એવું સાંભળવા મળે છે કે ભોપાલના નવાબના બેગમ એકવાર તુર્કી ગયા હતા જ્યાં તેમણે પહેલીવાર નમકવાલી ચાયનો ટેસ્ટ કર્યો.
આ મીઠાવાળી ચા બેગમ સાહેબાને એટલી બધી ભાવી ગઈકે ચામાં મીઠું નાખવાની રેસીપી શીખીને ભોપાલ પાછા ફર્યા,બીજું પંજાબ કેસરી મહારાજા રણજીત સિંહે પણ ભોપાલના નવાબ હમીદુલ્લાને ચાની એક નવી જ રીત શીખવી હતી. આમ ભોપાલની નમકવાલી ચાય મહેલોમાં સહુની જીભે લાગ્યા પછી પ્રજા સુધી પહોંચી. આમ ભોપાલવાસીઓને પણ આ નમકવાલી ચાયનો ટેસ્ટ ભાવી ગયો. આ નમકવાલી ચાય ઘુંઘટવાલી ચાય જેવાં વિવિધ નામે વેંચાય છે અને દેશ-વિદેશના ચા શોખીનો આ ચાની ચુસ્કી લેવા પહોંચી જાય છે.
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભેંસ
એક ફિલ્મ આવી હતી મેરા ગાંવ મેદા દેશ. એ ફિલ્મના ટાઈટલ સાથે પાસ બેસે એવું એક ટાઈટલ છે મેરા ગાંવ મેરી ભેંસ. પણ આભેંસ કાંઈ સામાન્ય ભેંસ નથી. આખા હરિયાણામાં આ ભેંસ જાણીતી થઈગઈ છે. ભિવાની જિલ્લાના ગુજરાતી ગાંવના કિસાન પરિવારની મુર્રાહ નસલની આ ભેંસ રોજ ૨૯ લીટર દૂધ આપે છે. આખા પરિવારનું પાલન-પોષણ કરવા માટે આ એક જ ભેંસ સક્ષમ છે.
હિન્દી સાંધ્ય દૈનિકના અહેવાલ મુજબ થોડા સમય પહેલાં જ હરિયાણામાં દુગ્ધ પ્રતિયોગિતા યોજાઈ હતી એમાં આ ભેંસે સાડા ઓગણત્રીસ લીટર દૂધ આપીને રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો. આ કિસાનના ભાઈ પાસે પણ મુર્રાહ નસલની ભેંસ છે જેણે લગભગ ૨૭ લીટરથી વધુ દૂધ આપી બીજું સ્થાન મેળવ્યું હતું. પહેલે નંબરે આવેલી મુર્રાહ નસલની આકાલી નામની ભેંસ માટે એમ કહેવાય છે કે જીસકે ઘર મેં કાલી ઉસકે ઘર મેં દિવાલી... આ ભેંસની કિંમત સાંભળીને ભલભલાની આંખો ચાર થઈ જાય છે.
તેની કિંમત છે. ૫૬ લાખ રૂપિયા એટલે કોઈ લકઝરી કાર કરતાં પણ મોંઘી છે આ ભેંસ. ખરેખર આ કિસાનને એક જણે ઓફર પણકરીછે. ભેંસના બદલામાં મોંઘી કાર આપવાની. પરંતુ આખા પરિવારનું પાલન-પોષણ કરતી ભેંસને તેઓ વેંચવા નથી માગતા. આખો પરિવાર 'પાલનહાર' ભેંસની સરભરા કરવામાં અને ભાવતું ખાણું ખવરાવી તાજીમાજી રાખવામાં જ વ્યસ્ત રહે છે. કોઈ લાખો રૂપિયા આપે તો પણ ભેંસને વેંચવા તૈયાર નથી. બોલો કેવી ભેંસ-ભક્તિ કહેવાય?
તાજમહલથી જૂનું પ્રેમનું પ્રતિક
તાજમહલ સદીઓથી પ્રેમના પ્રતીક તરીકે જગમશહૂર છે. દેશ દેશાવરથી લોકો સંગેમરમરની આ અજાયબીને જોવા આગ્રા આવે છે. પરંતુ તાજમહલથી જૂનુંપ્રેમનું પ્રતીક રાજધાની દિલ્હીમાં મોજૂદ છે. તાજમહલ બંધાયો તેના ૪૦થી ૫૦ વર્ષ પહેંલા બાદશાહ અકબરના નવરત્નો પૈકીના એક રહિમે તેની પ્યારી બીબી માહબાનૂની યાદમાં મકબરો બાંધ્યો હતો જે આજે રહીમ કા મકબરાને નામે ઓળખાય છે.
રહીમનું પૂરં નામ હતું અબ્દુર્રહીમ ખાન-એ-ખાન તેમના દ્વારા પ્યારી પત્ની માહબાનૂ માટે ૧૫૯૮માં આ મકબરો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી રહીમનો ઈન્તેકાલ થતા ૧૬૨૭માં તેને પણ આ જ જગ્યાએ દફનાવવામાં આવ્યો હતો. મોગલ કાળમાં કોઈ મહિલા માટે બાંધવામાં આવેલો આ પહેલો જ મકબરો હતો.
શાહજહાને આ મકબરો જોઇને પછી પ્યાર બેગમ મુમતાઝની યાદમાં તાજમહાલ બાંધવાનો વિચાર આવ્યો હશે એવું મનાય છે. જે દિલ્હીમાં આ પ્રેમના પ્રતિકના દર્શન થાય છે એ જ દિલ્હી આજ રાજકારણનો અખાડો બની ગયું છે. એટલે પ્રેમના પ્રતીકને બદલે જીવતા જાગતા હરતા-ફરતા વહેમના પ્રતિક જેોવા મળે છે.
પંચ-વાણી
મેવાડની કહેવત છે કેઃ તવે કી રોટી અલટતે પલટતે રહના ચાહિયે, વરના રોટી કચ્ચી રહેને કા ખતરા રહતા હે. લોકશાહીમાં ચૂંટણી વખતે મતદારો ઉમેદવારોને પણ અલટતા પલટતા રહે છે.