મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ફેરિયાઓને રસ્તેથી ઉઠાડી તરતા મૂકાશે
ગંગા નદીમાં કે યમુના નદીમાં દીવડા તરતા મૂકાતા હોય છે. પરંતુ રસ્તો કે ફૂટપાથો રોકીને ઊભા રહેતા ફેરિયાઓને તરતા મૂકવાની વાત સાંભળી આશ્ચર્ય થયા વિના ન રહે. આ તરતા ફેરિયાઓ અને હાટડીવાળાનું પહેલવહેલું તરતું બજાર કલક્ત્તા મહાનગર વિકાસ પ્રાધિકરણે શહેરની દક્ષિણ બાજુએ વિશાળ જળાશયમાં રચવાનો નિર્ણય કર્યો છે.
કલકત્તાનો ઇ.એમ. બાયપાસ રોડ જ્યારે પહોળો કરવામાં આવતા ત્યાંના ફેરિયાઓ અને હાટડીવાળાને હટાવવામાં આવ્યા હતા. આ વિસ્થાપીતોના પુનવર્સન માટે ખાલી જમીનની ખેંચ હતી. એટલે પછી બાજાર પતૌલી નજીક જળાશયમાં તરતું બજાર રચવાનો અજબ નુસ્ખો અજ માવવામાં આવ્યો.
આ જળાશયમાં ૯ કરોડના ખર્ચે ફલોટીંગ મારકેટ આકાર લેશે. ૧૧૪ નાની હોડીઓનાં ફળ, શાકભાજી, માછલી, ચા-પાણી અને પરચુરણ ચીજોનું વેંચાણ કરવામાં આવશે. તરતું બજાર ચોવીસે કલાક ખુલ્લું રહેશે, કારણ હોડીમાં બંધ કરવાના બારણાં ન જ હોય ને? મુંબઈમાં રસ્તા, ફૂટપાથો અને ફૂટઓવર બ્રિજ પર અડ્ડો જમાવી બેસતા ફેરિયાઓને હટાવવાને નામે રીતસર રાજકારણ ખેલાઈ રહ્યું છે.
મહાપાલિકાની ટુકડીઓ પણ ગરીબ ફેરિયાઓના સ્ટોલ અને રેકડીઓ તોડીને પહેડી મૂકે છે. આ જોઈને વિચાર આવે કે મુંબઈમાં પણ કલકત્તાની જેમ રસ્તા પરથી ઉઠાડવામાં આવતા ફેરિયાઓની તરતી બજાર કેમ રચી ન શકાય? બાકી તરે-છે એ ત્રણ અક્ષરોમાંથીા 'છે'ને જો છેલ્લેથી પહેલે ગોઠવો તો થઈ જાય છે-તરે. રાજકારણીઓ ફેરિયાને મુદ્દે તરી જવા છે-તરે છે.
પચ્ચીસ વર્ષે પુત્રમિલન
ક્યા ખોયા ક્યાં પાયા બેટા પચ્ચીસ સાલ બાદ ઘર આયા... જરા કલ્પના તો કરો જે માતાનો વ્હાલસોયો દીકરો ખોવાઈ ગયો હોય અને ૨૫ વર્ષ પછી અચાનક ઘરને ઊંબરે આવીને ઊભો રહે ત્યારે માતાની ખુશીનો તો કોઈ પાર ન રહેને? મનમોહન દેસાઈની ફિલ્મોની ફોર્મ્યુલા નાનપણમાં ભાઈઓ ખોવાઈ ગયા હોય અને મોટપણમાં ફરી સહુ પરિવારજનો ભેગા થઈ જાય બસ એવું જ એક યુવાનના વાસ્તવિક જીવનમાં બન્યું. ટેણિયો પોતાના મોટા ભાઈ સાથે ટ્રેનમાં સફર કરતો હતો.
રાત્રે ઊંઘ આવી ગઈ. સવારે જાગીને જોયું તો ભાઈનો પત્તો જ ન મળ્યો. ટ્રેન તો સડસડાટ જોજનો દૂર પહોંચી ગઈ હતી. કોઈ તેને બાલાશ્રમમાં મૂકી આવ્યું. થોડા દિવસ વિત્યા પછી એક વિદેશી યુગલે તેને દત્તક લીધો અને પોતાની સાથે પરદેશ લઈ ગયા. ૨૫ વર્ષના વહાણા વાઈ ગયા. તેને ઝાંખુ ઝાંખુ યાદ આવ્યું કે તેના ગામના નામ સાથે ગણપતિનું નામ જોડાયેલું હતું.
તેણે ઈન્ટરનેટનો સહારો લીધો અને ઘણી શોધખોળ કર્યા પછી મધ્ય પ્રદેશના ખંડવા પાસેનું ગણેશ તલાઈ ગામડું નકશામાં મળ્યું. તરત ફલાઈટ પકડી ભારત આવ્યો. ગણેશ તલાઈમાં પોતાનું ઘર ગોતીને પહોંચી ગયો અને વૃદ્ધ થઈ ગયેલી માતાને પગે પડી કહ્યું હું જ તારો ૨૫ વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો એ જ પુત્ર છું. માતા તો ભેટીને ચોધાર આંસુએ રોઈ પડી. પણ એ આંસુ હરખના હતા.
બાબા રામ-રહીમ અને હનીપ્રીત ૧૧ હજારમાં વેંચાયા
થોડા વર્ષો પહેલાં દોમદોમ સાહેબીમાં આળોટતા, સ્વર્ગની અપ્સરાઓના સુવાળા સહેવાસમાં રહેતા અને કરોડોની દૌલત એકઠી કરી ચૂકેલા બળાત્કારી બાબા તરીકે બદનામ થયેલા બાબા રામ રહીમે મહેલમાંથી સીધા જેલમાં જવું પડયું.
તેની પાછળ કહેવાતી દત્તક પુત્રી હનીપ્રીત પણ લોકઅપમાં ધકેલાઈ ગઈ. અચાનક અખબારોમાં સમાચાર ઝળક્યા કે મધ્ય પ્રદેશમાં બાબા રામ-રહીમ અને હનીપ્રીતની જોડી ફક્ત ૧૧ હજારમાં વેંચાઈ . વિગતે વાંચતા ખબર પડી કે ઉજ્જૈનમાં યોજાયેલા વાર્ષિક ગર્દભ મેળામાં એક ગધેડાને નામ અપાયું હતું બાબા ગુરમીત રામ-રહીમનું અને ગધેડીને નામ અપાયું હતું હનીપ્રીતનું ગર્દભ મેળામાં આ જોડી ૧૧ હજારમાં વેંચાઈ હતી.
કેવી અદ્યોગતી કહેવાય? જે બાબાના નામના સિક્કા પડતા અને જે હનીપ્રીત કરોડોની મિલકતનો વહેવાર કરતી હતી એનાં નામના ગધેડાનીય કોઈ ઊંચી કિંમત આપવા તૈયાર ન થયું. વક્ત વક્ત કી બાત હૈ... બુરી નિયતવાલોં કો પડતી લાત હૈ...
ઘરમાં ટોઈલેટ નહીં પણ ટોઈલેટમાં ઘર
ઘર ઘરમાં ટોઈલેટનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. પણ ઓડિશાના એક ગરીબ મજૂરને તો ઘર નથી એટલે ટોઈલેટમાં ઘરની સગવડ મળી છે. સુંદરગઢના છોટુ રાઉતીઆ નામના આ શૌચાલયવાસીએ પાકું ઘર મેળવવા વર્ષો સુધી ધક્કા ખાધા પણ ક્યાંય મેળ પડયો નહીં અંતે કોઈએ એને કહ્યું કે તને ઘર તો અપાવી શકીએ એમ નથી. પણ સ્વચ્છ ભારત યોજના હેઠળ ટોઈલેટ બંધાવી આપી શકીએ. છોટુ તો રાજી થઈ ગયો. ૪ઠ૫ ફૂટનું ટોઈલેટ બંધાઈ ગયું.
એમાં પોખરૃં નહોતું. એટલે છોટુરામે ચટાઈ પાથરી, મચ્છરદાની બાંધી અને રસોઈ માટે એક સ્ટવ ખૂણામાં મૂકી દીધો. બસ, કામ થઈ ગયું. હવે તે આ જાજરૃ ઘરમાં રહે છે અને શૌચક્રિયા માટે બહાર જાય છે. અજબ તેરી દુનિયા ગજબ તેરા ખેલ ટોઈલેટ કી જગહ મેં ઘર કા મેલ.
ટેસ્ટી ટપાલ ટિકિટ
ઈન્ટરનેટ અને ઈ-મેલના આજના યુગમાં ટપાલ લખવાની પ્રથા જ જાણે રહી નથી. પરંતુ ટપાલ મોકલવાનું સાવ બંધ નથી થયું. એટલે જ ટપાલ ખાતું લોકોને ફરી ટપાલ લખતા અને મોકલતા કરવા અવનવા નુસ્ખા અજમાવે છે.
અત્યાર સુધી ટપાલ ટિકિટો પર મહાપુરૃષોની, ઐતિહાસિક ઘટનાઓની અને વૈજ્ઞાાનિક સશોધનોની તસવીરો છપાતી હતી. પરંતુ પોસ્ટ ખાતાએ એક નવો પ્રયોગ કરી દેશના જુદા જુદા પ્રાંતોની ઓળખ બની ગયેલા ૨૪ ખાદ્યપદાર્થોની ટિકિટો બહાર પાડવાની શરૃઆત કરી છે. આમા ંહૈદરાબાદી બિરયાની, તિરૃપતિના લાડુ, ઈડલી-ઢોસા અને વડાનો સમાવેશ થાય છ.ે જો કે શરૃઆત હૈદરાબાદી વાનગીઓથી કરવામાં આવી છે.
કારણ કે હૈદરાબાદના જગવિખ્યાત ગોલકોંડા કિલ્લાને ૫૦૦ વર્ષ થયા હોવાથી જે ઉજવણી થવાની છે તેને ધ્યાનમાં રાખી હૈદરાબાદી વાનગીઓને ટપાલ ટિકિટોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બોલો કેવી ટેસ્ટી ટપાલ ટિકિટ કહેવાય? ટૂંકમાં આ ટેસ્ટી ટપાલ ટિકિટને ટી.ટી.ટી. કહી શકાય કે નહીં.
પંચ-વાણી
ઉજ્જૈનના ગર્દભ મેળામાં વેંચાવા આવેલા એક ગધેડાનું નામ અપાયું હતું જી.એસ.ટી. કેન્દ્ર સરકારે જી.એસ.ટી. લાદ્યા પછી પાછલા પગની લાત ખાવી પડીને?