લોકમેળો નહીં પણ પ્રેત-લોકનો મેળો
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
મેળે મેળે મોરલડી હેલે ચડી... લોકમેળામાં મહાલવા જતી ગામડાની ગોરીઓના હસકદાર ગળામાંથી આવાં ગીતો ફૂટી નીકળતા હોય છે. આ મેળામાં સહુ મોજથી મહાલતા હોય છે. પણ એક મેળો એવો છે જ્યાં મોજનો નહીં પણ ડરાપણાં બોજનો માહોલ લાગે. આ લોકમેળો નહીં પણ મધ્ય પ્રદેશમાં યોજાતો પ્રેતલોકનો મેળો છે. બૈતૂલ જિલ્લામાં મલાજપુર ગામે દર વર્ષે મકર સંક્રાંત પછીની પૂર્ણિમાને દિવસે આ ભૂતનો મેળો યોજાય છે અને વસંત પંચમી સુધી ચાલે છે.
આ મેળામાં ભૂત-પ્રેતના વળગાંડમાંથી મુક્તિ મેળવવા દૂર દૂરથી લોકો ઉમટી પડે છે. એક હિન્દી સાંધ્ય દૈનિકના અહેવાલ મુજબ કહેવાય છે કે ૧૭૭૦માં ગુરુ સાહબ બાબા નામના સાધુ આ જગ્યાએ સાધના કરતા અને લોકોને ભૂત-પ્રેતના વળગાડમાંથી છોડાવવા લોકો તેમને ભગવાન ગણી પૂજતા હતા. આ સાધુ મહારાજે એક વૃક્ષ નીચે સમાધિ લીધી હતી.
બસ એ જ વૃક્ષની આસપાસ ભૂત-પ્રેતનો મેળો ભરાય છે. જેને વળગાડ હોય એ વ્યક્તિને નદીમાં સ્નાન કરાવવામાં આવે છે. જે વ્યક્તિ ભૂત-પ્રેતનાં વળગાડમાંથી મુક્ત થાય છે તેને ત્રાજવામાં બેસાડી ગોળથી જોખવામાં આવે છે. આ ગોળ ત્યાંના મંદિરમાં દાનરૂપે આપી દેવામાં આવે છે. આમ તો જીવન સંસારમાં પતિ-પત્ની વચ્ચે સાચો મેળ હોય ત્યાં કાયમ મેળો જ છે, પણ વાત વટકે તો વિટંબણાનો વળગાડ લાગુ પડે છે.
માટીખાઉ માટીડો
પ્રેમમાં પડયા પછી યુવક-યુવતી એકમેકની છેડછાડ કરતા નાની નાની કાંકરીઓ એકબીજાને મારતા હોય. પણ પરણ્યા પછી એ જ વર જમવા બેસે અને દાળમાં કાંકરો આવી જાય તો વહુની ધૂળ કાઢી નાખે છે. નાનો સરખો ભોજનમાં કાંકરો આવતા માણસ પીત્તો ગુમાવે છે. પણ ઉત્તર પ્રદેશનો એક માટી ખાઉં શખસ છેલ્લા ૨૫ વર્ષથી માંટી અને કાંકરા ખાઈને જ જીવે છે. ચીકણી માટી, ખેતરની માટી, લાલ માટી જેવી જાતજાતની માટીના 'ભાવતા ભોજન' ખાતો આ માટીખાઉ માટીડો સંપૂર્ણ રીત ેતંદુરસ્ત છે.
નાનપણથી જ તેને માટી ખાવાની ટેવ પડી ગઈ હતી. એનું કહેવું છે માટીમાંથી જ મિનરલ્સ મળે છે જેનાથી તે ટકી રહે છે. ડૉકટરો આને ઈટીંગ ડિસઓર્ડર તરીકે ઓળખાવે છે. આમાં માણસને જેને ખાઈ ન શકાય એવી અખાદ્ય ચીજો ખાવાનું મન થાય છે અને એ ખાધા કરે છે. આ માટીખાઉ માણસને જોઈ ભજનની કડી યાદ આવે છે મીટ્ટી ખાના... મીટ્ટી પીના... મીટ્ટીમે મિલ જાના... આમ મૃત્યુ પછી માણસ માટીમાં જ મળી જાય છે, પણ યુપીના આ જણને જીવતેજીવ માટી મળી ગઈ છે. અને માટી ડૂબી ગઈ છે.
પત્ની ઊંઘમાં કરે લવારો પતિ કહે છૂટાછેડા થવા દો
એક મહિલા ડૉકટર પાસે પોતાના પતિને લઈને ગઈ અને ફરિયાદ કરી કે સાહેબ મારા હસબંડને ઊંઘમાં બડબડ કરવાની બહુ આદત છે એનો ઈલાજ શું? ડૉકટરે તરત સલાહ આપી કે તમારા હસબંડ જાગતા હોય ત્યારે બોલવાની તક આપો તો પછી એ ઊંઘમાં બડબડ નહીં કરે. ખેર આ તો એક ટુચકો કહ્યો. પણ વાસ્તવિક જીવનમાં રાતે સૂતી વખતે બડબડ કરવાની આદત ક્યારેક પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનું કારણ બની શકે છે. ઉત્તર ભારતનો આવો જ એક કિસ્સો વાંચવા મળ્યો.
મહિલાને રાત્રે ઊંઘમાં સતત બડબડ કરતા રહેવાની ટેવ. આને લીધે પતિની રોજ ઊંઘ બગડે એટલે સવારે ઊઠવામાં મોડું થવાથી રોજ ઓફિસે મોડો પહોંચે. પત્નીને સૂતી વખતે બોલતી બંધ કરવાના ઘણા પ્રયાસ કર્યા, પણ સફળતા ન મળી. આખરે હારીને થાકીને પતિએ છૂટાછેડા લેવાની અરજી કરી.
બોલો એ પતિ કેટલી હદે કંટાળ્યો હશે કે એણે છૂટાછેડા લઈ પત્ની સાથે છેડો ફાડવાનો નિર્ણય લેવો પડયો? કહે છે કે બોલે એના બોર વેંચાય, પણ ઉંઘમાં બોલે તો સાંભળનાર બોર થાય. ઊંઘમાં બોલતી વ્યક્તિ અડધા-પડધા વાક્યો બોલે છે અને અસ્પષ્ટ ઉચ્ચારણ કરે છે. નિંદ્રાવસ્થામાં બોલવાની ટેવ હોય એ સામાન્ય રીતે એકીવખતે ૩૦ સેકન્ડથી વધુ નથી બોલતા હોતા.
મનોચિકિત્સકોના કહેવા મુજબ ક્યારેક બિહામણા સપના પણ ઊંઘમાં બડબડાટ માટે કારણભૂત બને છે. થોડા વખત પહેલાં એક મહિલાનો પતિ નાહવાનો આળસુ હતો એ મુદ્દે તેણે છૂટાછેડા માટે અદાલતમાં ધા નાખી હતી. વિદેશમાં એક મહિલાનો પતિ એટલા જોરથી નસકોરા બોલાવતો કે આખરે નસકોરાના ત્રાસથી તોબા પોકારી એ નસકોરે-તોબાના આ ત્રાસથી છૂટવા જરૂરી રહેવા ચાલી ગઈ હતી. પણ પતિ જ્યારે પત્નીની ઊંઘમાં લવારો કરવાની આદતથી કંટાળી છૂટા પડવાનું વિચારે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય કે નહીં?
દહેજમાં લાખો રૂપિયા પાછા વાળી ફક્ત ૧ રૂપિયામાં લગ્ન
દહેજ વિરોધી કાનૂન અમલમાં હોવા છતાં આજે પણ વરપક્ષ તરફથી લાખોનું દહેજ, મોટર, સ્કૂટર કે ફલેટ માગવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. ઉત્તર ભારત તરફ તો મૂરતિયો સરકારી નોકરીમાં ઊંચા પદ પર હોય,પોલીસ અફસર હોય અથવા તો ખૂબ જ ભણેલગણેલ હોય ત્યારે કન્યા પક્ષવાળા પાસેથી બેફામ દહેજ પડાવવામાં આવતું હોય છે.
ટૂંકમાં વરરાજા વેંચાય છે અને કિંમત વસૂલાય છે. આ વાસ્તવિક્તા વચ્ચે રાજસ્થાનના એક ગામમાં લગ્ન વખતે વરરાજાને કન્યાપક્ષ દ્વારા સામેથી ૧૧ લાખ રૂપિયા દહેજમાં આપવામાં આવતા વરરાજાએ તમામ રકમ દુલ્હનના પિતાને પાછી આપી શુકનનો એક રૂપિયો લઈ ફેરા ફરીને દાખલો બેસાડયો હતો.
મને તો દહેજના આ દૂષણનો છેદ ઉડાડતો આ કિસ્સો વાંચીને ગુજરાતના બે ગામના નામ યાદ આવ્યા, એક છે દહેજ અનેબીજું છે ધોધા. ઘણીવાર એવું બને છે કે વર સાવ ધોધા જેવો હોય તો પણ દહેજમાં ઊંચી રકમ આપીને દીકરીને પરણાવી દેવામાં આવતી હોય છે. દહેજ કાનૂનનો દંડૂકો જો ફટકારવામાં આવે તો જ વરનો વેપલો બંધ થાય. બાકી તો આજેય ઘણે ઠેકાણે દુલ્હા બીક્તા હૈ... જેવી દશા છેને?
શિકાર અને શિકારી
બંને પડયા કૂવામાં
નાશિકના ચીખલી રાજાપુર ગામ પાસેના વગડામાં આગળ કૂતરો દોડતો હતો અને પાછળ વિકરાળ દીપડો તેને ફાડી ખાવા માટે ધસમસતો હતો. કારણ કે દીપડા માટે કૂતરો ભાવતું ભોજન કહેવાય. ક્યાંય સુધી કૂતરો દોડતો રહ્યો અને પાછળ પડેલા દીપડાથી બચવા મરણીયો પ્રયાસ કરતો રહ્યો.
આખનાય બંને એક ખેતરમાં જઈ ચડયા અને પછી પાળ વગરના કૂવામાં પહેલાં કૂતરો પડયો અને એની ઉપર દીપડો ખાબક્યો. પાણી વિનાના કોરા કૂવામાં દીપડા અને કૂતરાએ થોડીવાર સુધી તો ઘૂરકિયા કર્યા પણ પછી જોયું કે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવી દશા છે.
કૂવામાંથી કોઈ બહાર નહીં કાઢે તો બેઉ મરી જશું એવું સમજીને બેઉ સામસામે બેઠા રહ્યાં. કૂવામાંથી બહાર નીકળવાની બંને કોશિશ કરવા લાગ્યા.એમાં કૂતરાનો ભરખવાનો અવાજ સાંભળી ખેતરમાંથી લોકો દોડતા આવ્યા અને કૂવામાં દીપડા અને કૂતરાને જોઈ તાજ્જુબ થઈ ગયા. પછી ખાટલાને ઊંઘો કરી દોરડેથી બાંધી કૂવામાં ઊતાર્યો. તરત દીપડો અને કૂતરો ખાટલા ઊપર ચડી બેઠા એટલે લોકોએ બંનેને ઉપર ખેંચી લીધા.
બહાર આવતાની સાથે જ દીપડો જંગલમાં નાઠો અને કૂતરો તેના માલિક ખેડૂત પાસે પહોંચી ગયો. અત્યારે રાજકારણના કૂવામાં પણ આવો જ નઝારો જોવા મળે છે. અગાઉ એકમેક પર ત્રાટકવાનો મોકો નહોતા ચૂક્તાં કે પછી એક બીજાને પછડાટ ખવડાવવાની તક જતી નહોતા કરતા એવાં જુદા જુદા પક્ષના નેતાઓ ગઠબંધનના કૂવે પડયા પડયા મતદારો ઉગારે તો સારૂં એવી પ્રાર્થના કરી રહ્યાં છે.
પંચ-વાણી
કેરી ચૂસાય
વેરી ભૂંસાય.