શિંગ વેંચતા પાકિસ્તાનના પૂર્વ હિન્દુ સાંસદ ખુશ છે
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
નાગરિક્તા સુધારા કાનૂનના વિરોધમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ સહિત તમામ વિપક્ષોએ વિરોધનો વંટોળ જગાવી દેશની શાંતિ ડહોળી નાખી છે. પાડોશી દેશોમાં લઘુમતીમાં છે એ હિન્દુ, સિખ, પારસી સહિત જે કોઈ ત્યાં ધાર્મિક પ્રતાડનામાંથી છૂટવા નિર્વાસિત તરીકે ભારત આવ્યા છે તેમને હિન્દુસ્તાનની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એમાં વિપક્ષોને પેટમાં શૂળ ઉપડયું છે. પણ બીજી તરફ કેટલાય વર્ષોથી અહીં નિર્વાસિત તરીકે રહે છે એમની ખુશીનો પાર નથી રહ્યો.
આમાં હરિયાણાના ફતેહાબાદમાં છેલ્લાં લગભગ બાર-તેર વર્ષથી રહેતા અને શિયાળામાં ખારી શિંગ અને ઉનાળામાં કુલ્ફી વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા ડિવાયારામ પણ ખુશ ખુશ થઈ ગયા છે. પણ આ ડિવાયારામ કોઈ સામાન્ય માણસ નથી. પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોના શાસનકાળમાં સંસદસભ્ય રહી ચૂક્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લહિય્યા જિલ્લાના ચકપીડી ગામના ડિવાયારામનું કામ જોઈને બેનઝીર ભુટ્ટો ખુશ થયા હતા અને બિનમુસ્લિમ માટેની રિઝર્વ સીટ ફાળવી સાંસદ બનાવ્યા હતા. પરંતુ ત્યાર પછી તેમની મુશ્કેલી વધી ગઈ પાકિસ્તાની મુસ્લિમો ખફા થયા અને સાંસદપદ છોડવા દબાણ કરવા માંડયા.
એમના પરિવારની કન્યાનું અપહરણ કરવામાં આવ્યું. સતત ધમકી મળવા માંડી અને ધર્મપરિવર્તન કરવા માટે સતત દબાણ થતું રહ્યું. આ અત્યાચારમાંથી છૂટવા માટે ડિવાયારામ તેમના બાર જણના પરિવાર સાથે હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગામ રતનગઢ આવી ગયા. છેલ્લા ૧૩ વર્ષથી શાંતિથી રહે છે અને શિંગ અને કુલ્ફી વેંચી પરિવારનું પેટ પાળે છે. હવે નિર્વાસિતને બદલે ભારતનું નાગરિક્ત્વ મળશે એ જાણી ડિવાયારામ સહિત તેમના પરિવારના એક એક સભ્ય રાજી રાજી થઈ ગયા છે.
ઘરમાં પ્રાણી પાળે એ ઈન્ફેકશનનું જોખમ ભાળે
આજની ટેન્શનયુક્ત જિંદગીમાં ઘરમાં જો શ્વાન કે બિલાડી જેવા પ્રાણી પાળવામાં આવે તો તેની સાથે થોડો સમય વિતાવી તાણમુક્ત થવાય છેે એ હકીકત છે. આ પાળેલા પ્રાણીઓ સાથે દિવસમાં ફક્ત દસ મિનિટ પણ ગાળવામાં આવે તો પણ માનસિક રાહત મળે છે. પરંતુ તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં એક ધક્કાદાયક બાબત સામે આવી છે.
ઘરમાં પ્રાણી પાળવાથી માણસને ઈન્ફેકશન લાગવાનું જોખમ રહે છે. આ રેરઈન્ફેકશનને કેમ્પાઈલો-બેક્ટર જેજુની તરીકે ઓળખવામાં આવે છે. આ બેકટેરિયલ ઈન્ફેકશન લાગ્યું હતું એવાં કેટલાંક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એન્ટિબાયોટિક દવા પણ આ ઈન્ફેકશન સામે અસર નથી કરતી એવું જાણવા મળ્યું છે.
મોટા ઘર હોય અને પાળેલા શ્વાન માટે અસલગ ડોગ-હાઉસ હોય કે બિલ્લી માટે કેટ-હાઉસ હોય તો વાંધો ન આવે. પણ મુંબઈ જેવાં મહાનગરોમાં જ્યાં માણસને રહેવા પૂરતી જગ્યા ન હોય એવી પરિસ્થિતિમાં પરિવાર સાથે જ સંકડાશમાં પાળેલા પ્રાણીઓ રાખવામાં આવતા હોય ત્યારે બિમારીનું જોખમ તો રહે જ ને?એટલે પ્રાણી પાળવાના શોખીનોને તાકીદ કરી શકાય કે પ્રાણી ભલે પાળો પણ બિમારીનું જોખમ ટાળો.
કિચનમાં આલુને
બદલે ભાલુ
ચારાસમ્રાટ લાલુ પ્રસાદ યાદવની સત્તાનો સુવર્ણકાળ હતો ત્યારે એવું કહેવાતું કેઃ
જબ તક સમોસે મેં
આલુ રહેગા
હમારે બિહાર મેં
લાલુ રહેગા.
પણ પરિસ્થિતિપલ્ટાઈ અને સમોસામાં આલુ રહી ગયા અને લાલુ વહી ગયા. આજે સામાન્ય રીતે હોટેલના કિચનમાં જુદી જુદી ડીશ બનાવવા માટે વપરાતા આલુનો વધુમાં વધુ સ્ટોક રાખવામાં આવતો હોય છે. કિચનમાં બટેટા કે આલુ જોવા મળે, પણ ભાલુ (રિંછ) જોવા મળે તો કેવી ફેં ફાટે? હિલ સ્ટેશન માઉન્ટ આબુની એક હોટેલમાં આવો જ અજબ નઝારો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
એક હિન્દી દૈનિકના અહેવાલ અનુસાર એક રિંછ દબાતે પગલે હોટેલમાં દાખલ થઈ ગયું અને ખાવાનું શોધવા સીધું કિચનમાં પહોંચી ગયું. આમતેમ ફર્યું અને પછી મોઢેથી મોટું ફ્રિઝ ખોલી અંદરથી દૂધની થેલી દાંતમાં ભરાવીને ચૂપચાપ નીકળી ગયું. ંમોડર્ન જમાનામાં ઘણાં રાંધણ કળાના શોખીન પતિદેવો કિચનમાં જઈ રાંધતા જોવા મળે છે. આ પરિિેસ્થતિમાં હળવાશથી કહી શકાય કે રસોડામાં વર જોવા મળે પણ જના-વર જોવા મળે ત્યારે કેવું આશ્ચર્ય થાય?
પતિ પહેલાં મૃત્યુની પત્નીની ઈચ્છા પૂરી
સાથ જીયેંગે સાથ મરેંગે... એવું ફિલ્મી ગીતોમાં ગવાય છે. પણ સાથે જીવવું ભલે સહેલું હોય પણ સાથે મરવું અઘરૂં છે હો? પરંતુ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાની એક અજબ ઘટના ચર્ચાનો વિષય બની છે ત્યાંના વેણુગોપાલ મંદિરના વયોવૃદ્ધ પૂજારી કોદંરમાં શર્મા ગંભીર બીમારીમાં પટકાયા. આથી તેમની પત્ની વ્યથિત થઈ ગઈ કે પતિનું મૃત્યુ થશે તો પોતે બાકીનું જીવન કેવી રીતે વિતાવી શકશે? આથી પત્ની અંજનાદેવીએ સંકલ્પ કર્યો કે તે પતિની પહેલાં પ્રાણ ત્યાગ કરશે. બસ પછી તો તેણે ખાવાપીવાનું છોડી દીધું.
પુત્ર-પુત્રવધૂ બહુ આગ્રહ કરે તો માંડ બે કોળિયા ખાઈ લે. આમને આમ વીસમે દિવસે રાત્રે શાંતિપૂર્વક પતિવ્રતાએ પ્રાણત્યાગ કર્યો. ઘરમાં રોક્કળ થઈ ગઈ. માંદગીને બિછાને અર્ધબેભાનાવસ્થામાં પડેલા પતિએ આંખ ખોલી. જ્યારે ખબર પડી કે છ દાયકાથી સાથ નિભાવનારી પત્નીએ વિદાય લીધી છે ત્યારે ચોધાર આંસુએ રોઈને મન હળવું કરી લીધું અને પછી થોડી ક્ષણોમાં પતિએ પણ કાયમ માટે આંખ મિંચી દીધી.
જોકે પતિની પહેલાં મૃત્યુની પત્નીની ઈચ્છા પૂરી થઈ. લખનઉમાં નવાબી જમાનામાં બાદશાહની સવારી નીકળતી ત્યારે પહેલે આપ... પહેલા આપ એવો વિવેક દર્શાવી આગળ જવા દેવામાં આવતાં. પણ ગુંટુરની આ પતિવ્રતાએ તો પહેલે મેં ઔર ફિર આપ... એ દેખાડી દીધું.
માતાના મારગે સ્વચ્છતાના દર્શન
ચલો બુલાવા આયા હૈ માતાને બુલાયા હૈ... વૈષ્ણોદેવી માતાના દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. દર વર્ષે ૮૦ લાખથી વધુ યાત્રાળુઓ જમ્મુ નજીકના આ સિદ્ધ તીર્થધામમાં દર્શને જાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ રહેતો હોય ત્યારે ગંદકી થાય એ સ્વાભાવિક છે. પણ એ ગંદકી દૂર કરી પર્યાવરણને નુકસાનીથી બચાવવાની ફરજ શ્રાઈન બોર્ડ નિભાવે છે. સૌથી મોટી સમસ્યા પહાડી રસ્તે યાત્રાળુઓને લઈ જતા ઘોડા, ટટ્ટુ અને ખરચરોની લાદને લીધે થતી ગંદકીની હતી.
આ સમસ્યા ઉકેલવા માટે ઘોડાની લાદમાંથી ખાદ બનાવવાની શરૂઆત કરવામાં આવી. શાકભાજી ઉગાડવા માટે આ લાદમાંથી બનેલું ખાતર વાપરવામાં આવતા ખૂબ સારૂ પરિણામ જોવા મળ્યું. હવે તો એવું થયું છે કે આ ખાતર લેવા માટે સ્થાનિક લોકો લાઈન લગાડે છે યાત્રાને રસ્તે ઠેકઠેકાણે શૌચાલયો બાંધવામાં આવ્યા છે અને ત્યાં સિવરેજ પ્લાન્ટ ઊભા કર્યા છે.
શોચાલયના મેલા પાણીનો નિકાલ પ્રક્રિયા કર્યા પછી જ કરવામાં આવે છે. બાયોગેસ પણ પેદા કરવામાં આવે છે. તેલ, ઘી કે બીજી કોઈ ચીજના પતરાના ખાલી ડબ્બામાં છોડ ઉગાડવામાં આવે છે અને પહાડના પથરાળ રસ્તે ગોઠવી દેવામાં આવે છે. સ્વચ્છતા જાળવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો આ પ્રયોગ એક મિસાલરૂપ બની ગયો છે. એટલે જ કહેવું પડે કેઃ
લાદમાંથી બને જ્યાં ખાદ
ત્યાં સ્વચ્છતા દે સાદ.
પંચ-વાણી
કભી ખુશી કભી ગમ
શિયાળામાં
કભી ખાંસી કભી દમ