એક હાથ સે લિયા દુસરે હાથ સે દિયા
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
બેટી બચાવ બેટી પઢાવ સૂત્ર આજે ચારે તરફ ગાજી રહ્યું છે, પરંતુ કુદરતનો ખેલ કેવો ન્યારો છે? ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં એક શખસની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. જન્મ પછી ગણતરીના કલાકોમાં જ ભારે હૈયે તેના પિતા દફનાવવા માટે લઈ ગયા. દીકરીને દફનાવવા માટે ખાડો ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી. લગભગ ત્રણ ફૂટ ઊંડો ખાડો ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી. લગભગ ત્રણ ફૂટ ઊંડો ખાડો ખોદાયો ત્યાં ચમત્કાર થયો.
મજૂરની કોદાળી એક માટલા સાથે ટકરાઈ. તરત માટલું બહાર કાઢવામાં આવતા અંદરથી તરતની જન્મેલી બેટી નીકળી. કોઈ બેટીને જીવતી દાટીને ચાલ્યું ગયું હશે. બાળકીના શ્વાસ ચાલતા હતા. તરત જ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોક્ટરોએ ખૂબ જહેમત ઉઠાવી બાળકીને બચાવી લીધી. પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે આવીને કાગળિયા તૈયાર કર્યા, ત્યાર પછી જે માણસે દીકરી ગુમાવી હતી તેણે પ્રેમપૂર્વક ઉપરવાળાની ભેટ સમજી માસૂમ બાળકીને બેટી તરીકે અપનાવી લીધી. કેવો અજબ સંયોગ કહેવાય? ઉપરવાલેને એક હાથ સે લીયા ઔર દુસરે હાથ સે દીયા.
ચિતા પર આળસ મરડી બેઠો થયો
સરઘસમાં ઝીંદાબાદ અને મુર્દાબાદના જોરશોરથી નારા લગાવવામાં આવે છે. પણ મડદું જો જીવતું થઈ જાય તો ખરેખર મુર્દાબાદને બદલે ઝીંદાબાદના જ નારા લગાવવા પડેને? ઓડિશાના ગંજામ જિલ્લાના એક ગામડાના સ્મશાનમાં આવું જ થયું. ચિતા તૈયાર કરવામાં આવી. તેની ઉપર મૃત વ્યક્તિના મૃતદેહને રાખવામાં આવ્યો. અગ્નિસંસ્કારની ઘડી ગણાતી હતી ત્યાં તો મૃત વ્યક્તિએ માથું હલાવ્યું અને પછી આળસ મરડી બેઠો થયો. આ જોઈને ગભરાયેલા કેટલાક ડાઘુઓ તો મુઠ્ઠી વાળીને ભાગ્યા.
જ્યારે મૃત માનેલ વ્યક્તિના સ્વજનોના હરખનો કોઈ પાર ન રહ્યો. તરત જ આ શખસને ગ્રામીણ હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તપાસીને કહ્યું કે તાવને કારણે આ માણસ બેહોશ થઈ ગયો હતો. તરત ઈલાજ શરૂ કરવામાં આવ્યો અને જોતજોતામાં એ સાજો પણ થઈ ગયો. હવે વિચાર કરો કે ઉતાવળે અગ્નિદાહ અપાઈ ગયો હોત તો શું થાત? આપણાં દેશના રાજકારણમાંય ઘણીવાર આવું જ થાય છે. જે પક્ષ સાવ મરવા પડેલો હોય એ ચૂંટણી આવતા પાછો બેઠો થઈ જ જાય છે ને?
ઝાડને લીધે ઝમેલો
છોડમાં રણછોડ છે.... જંગલ નહીં તો જીવન નહીં.... વૃક્ષ બચાવો.... આવાં જાતજાતના સૂત્રો ઝાડ અને હરિયાળીને બચાવવા માટે પોકારવામાં આવે છે. જંગલ ખાતાવાળા પણ ઝાડના રક્ષણ માટે જાનની બાજી લગાવી દેતા હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના સાતપુડા ટાઈગર રિઝર્વમાં એક મહુવાનું વૃક્ષ વનખાતા અને પર્યાવરણપ્રેમીઓ માટે સમસ્યારૂપ બની ગયું છે. તહેવારના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એવો મેસેજ ફરી વળ્યો કે સાતપુડા વાઘ અભયારણ્યમાં આવેલું મહુવાનું વૃક્ષ જાદુઈ શક્તિ ધરાવે છે.
આ વૃક્ષને સ્પર્શ કરવાથી બીમારી દૂર થાય છે. આ સંદેશ ઝીલીને લોકો ધીરે ધીરે મહુવાના વૃક્ષના દર્શને આવવા માંડયા. પછી તો વણથંભ્યો પ્રવાહ શરૂ થઈ ગયો. રોજ લગભગ દસેક હજાર લોકો આવવા લાગ્યા. કેટલાય લોકો માનતા માનવા આવે છે. બીમારીમાંથી સાજા થવા ઝાડની છાલ અને પાન પણ લઈ જાય છે. હવે જે જંગલમાં વાઘ છૂટા ફરતા હોય ત્યાં લોકોની આટલી ભીડ જામતી હોય એવી સ્થિતિમાં કંઈ પણ અઘટીત બની શકે છે.
બીજું લોકો રોજેરોજ આ ચમત્કારી વૃક્ષ પાસે આવીને લાખો અગરબત્તીઓ સળગાવે છે. આ અગરબત્તીના ધૂમાડાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે. આને લીધે વનની હરિયાળીને નુકસાન થાય છે. લોકોની ભીડને લીધે વન્ય પ્રાણીઓ માટે પણ જીવવું મુશ્કેલ બની ગયું છે. ઝાડના દર્શને ઉમટતા જનપ્રવાહને કેમ ખાળવો? એજ એક મોટો સવાલ થઈ ગયો છે.
મદરેસામાં સંસ્કૃતનું શિક્ષણ
કોઈ મદરેસામાંથી ગીતાના શ્લોકનું પઠન થતું સંભળાય ત્યારે ખરેખર આનંદ સાથે આશ્ચર્ય થયા વિના ન રહે. મુરાદાબાદના એક મદરેસામાં તાલીમ લેતા ૧૫૦ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને ગીતાના દરેક શ્લોકનો ભાવાર્થ સમજાવવામાં આવે છે. ઉપરાંત રામચરિત માનસના દોહાનું પણ પઠન કરાવવામાં આવે છે. બારમા ધોરણ સુધીનું શિક્ષણ આપતા આ મદરેસામાં સંસ્કૃતનો વિષય ફરજિયાત છે.
કોઈ ધર્મ કે મઝહબનો રંગ ચડાવ્યા વિના જે શિક્ષણ અપાય એ જ સાચું શિક્ષણ. મદરેસામાં જેમ સંસ્કૃતનું શિક્ષણ આપવાની શરૂઆત થઈ છે એમ કોઈ શૈક્ષણિક ગુરુકુળમાં કુરાનનું જ્ઞાાન આપવાની શરૂઆત કેમ ન થઈ શકે? કોઈ જાતની ધાર્મિક વાડાબંધી વિના તાલીમ આપવામાં આવે ત્યારે જ સહુ એક સૂરમાં ઈકબાલને યાદ કરી ગાઈ શકશેઃ મઝહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના, હિન્દી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તાં હમારા...
પૂરી- ભાજી ખાવો પ્રભુ કે ગુન ગાવો
મિયા- બીબી રાજી તો કયા કરે કાઝી-એ કહેવત વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ હવે આ કહેવત જરા ફેરફાર સાથે કહેવી પડે એમ છે. મિયા- બીબી રાજી તો કયોૅ ન ખાયે પૂરી- ભાજી. આ કહેવત પાછળનો અર્થ એ છે કે પૂરી- ભાજીનું કોમ્બિનેશન પોષક તત્ત્વ ધરાવે છે. પૂરી અને બટેટાની ભાજી વિશે અમેરિકાની ઈલીનોઈસ યુનિવર્સિટીએ સંશોધન કરી એવું તારણ કાઢયું છે કે રમતગમતના ખેલાડીઓમાં એનર્જી વધારવા માટે મોંઘા કાર્બોહાઈડ્રેટ જેલ આપવામાં આવે છે.
આ કાર્બોહાઈડ્રેટ જેલ જેટલી જ એનર્જી પૂરી- ભાજી આપે છે. બટેટા પણ સસ્તા મળે છે. પૂરી- ભાજી સ્વાદિષ્ટ લાગે છે, એટલું જ નહીં પોષક તત્ત્વ અને કાર્બોહાઈડ્રેટ પણ શરીરને આપે છે. સંશોધકોએ રિસર્ચ માટે સાઈકલીસ્ટોની બે ટીમ બનાવી. એક ટીમને કાર્બોહાઈડ્રેટ જેલનું સેવન કરાવવામાં આવ્યું અને બીજી ટીમને પૂરી- ભાજી ખવરાવવામાં આવી. પછી ટેસ્ટ કરવામાં આવતા બંને ટીમના એનર્જી લેવલમાં સહેજ પણ ફેર પડયો નહોતો.
જોકે અતિની ગતિ નહીં એ કહેવત યાદ રાખીને પૂરી- ભાજી પણ પ્રમાણસર ખાવામાં આવે તો ફાયદાકારક છે. બાકી અકરાંતિયાની જેમ ઝાપટવામાં આવે તો શક્ય છે કે નુકસાન પણ કરે. બીજું આહાર પચાવવાની દરેક વ્યક્તિની ક્ષમતા જુદી જુદી હોય છે, એટલે આહાર નિષ્ણાતની સલાહ સાથે સેવન કરવામાં આવે તો વાંધો ન આવે. વર્ષો પહેલાં એક ફિલ્મી ગીત ગાજ્યું હતું, દાલ રોટી ખાવો પ્રભુ કે ગુન ગાવો.... હવે પૂરી- ભાજી આરોગી ગાઈ શકાયઃ પૂરી- ભાજી ખાવો પ્રભુ કે ગુન ગાવો...
પંચ-વાણી
ચૂંટણીની ચાલે ચર્ચા
એકબીજાને લાગે મરચાં
જનતાને પૈસે ખર્ચા.