Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Dec 22nd, 2017

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image

સાધુની ગાદી અને શાદી

ઘણાં સંસાર છોડી રાજપાટને ગાદી છોડી સંન્યાસના માર્ગે અઆગળ વધી સાધુ બને છે. પણ સંસાર છોડી સાધુ બનેલા ગાદી પર બેસે એવો તાજો દાખલો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો છે. ગાદી તો મેળવી પછી શાદીનું શું? પણ તાજેતરમાં યુપીના સીતાપુરની આંગણવાડીની એક ટીચરે દુલ્હન બની યોગી આદિત્યનાથની તસવીર સાથે વિધિવત લગ્ન કર્યા હતા.

મંત્રોચ્ચાર સાથે ફેરા ફરીને આ ટીચરે  યોગી સાથે એકપક્ષી શાદી કરી હતી. આ રીતે શાદી કરવાનું શું કારણ હતું ખબર છે? આંગણવાડીની પોણાચાર લાખ બહેનોની પગાર સહિતની માગણીઓ તરફ સરકાર ધ્યાન નથી આપતી. એટલે સરકારનું ધ્યાન દોરવા માટે યોગી  આદિત્યનાથ સાથે શાદીનું નાટક કરવામાં  આવ્યું હતું.

'પાવર' વિના પ્રસૂતાની પીડા

પ્રજાની દરકાર કરે એ ખરી સરકાર પરંતુ પ્રજાની દરકાર કરવાનાં  બણગાં ફૂકતી સરકાર સરકારી હોસ્પિટલની પરસાળમાં હાડ ગાળી નાખે એવી ટાઢમાં ઠૂંઠવાતી પ્રસૂતાઓને નહી જોઈ શકતી હોય? આ કમકમાટીભરી હકીકત છે, ઉત્તરાખંડના દહેરાદૂનની મોટામાં મોટી સરકારી હોસ્પિટલની. આ સરકારી  હોસ્પિટલના મેટરનિટી વિભાગનું  રિનોવેશન થયા પછી વીજળીનું કનેક્શન નથી. ઈલેક્ટ્રિકના વાયરોના ગુંચળા ચારે તરફ જોવા મળે છે.

પરિણામે જેની પ્રસૂતિ થઈ ગઈ હોય અને જેની પ્રસૂતિ થવાના તૈયારી હોય એવી માતાઓ  ધુ્રજારી છૂટી જાય એવી ટાઢમાં હોસ્પિટલની ઓશરીમાં, પરસાળમાં  અને ત્યાંય જગ્યા ન મળે  તો છેવટે હોસ્પિટલની બહારની લોનમાં  પડી રહે  છે. છેલ્લાં પાંચ મહિનાથી આ જ દશા છે. પાવર નથી એટલે આ પીડા છે. પણ જે સરકારના હાથમાં પાવર છે અને પૈસા છે એને આ પ્રસૂતાઓની  પીડાની કેમ દરકાર નથી? આ પીડા જાણી ચાર લાઈના કહેવી પડે કેઃ

પાવર (સત્તા) મેળવવા
પૈસા વેરી બનાવાય સરકાર
પણ પ્રસૂતાને પાવર વિના કનડે
એ કેવી બેદરકાર સરકાર?

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 2 - imageબસોમાં બેટીનું વેચાણ

દેશભરમાં આજે બેટી  બઢાવ બેટી પઢાવના  ગગનભેદી  નારા સંભળાય છે. કન્યા કેળવણી અન ેકન્યા કલ્યાણ માટે અનેક સરકારી યોજનાઓ તરતી મૂકાઈ છે. આ માહોલમાં જ્યારે ગરીબ બાપે પોતાની માસુમ બેટીને વેંચવાનો વખત આવે  એ કેવી કમનસીબી કહેવાય?  આ કાળજું કંપાવનારો    કિસ્સો  ત્રિપુરાના મહારાણીપુરમાં બની હતી.

અસહ્ય ગરીબીમાં કુટુંબનું પેટ ભરવાનું મુશ્કેલ બની જતા પિતાએ ફક્ત ૨૦૦ રૃપિયામાં  બેટીને વેંચી નાખી હતી. લગ્ન થાય ત્યારે પિતા વ્હાલસોયી  દિકરીને  કન્યાદાન આપે છે, પણ કારમી ગરીબીને  લીધે  કન્યા-વેચાણ કરવું પડે ત્યારે  વિકાસની અન ેગરીબોના ઉદ્ધારની વાતો સાવ પોકળ લાગે છે.

૪૦૦ વર્ષે પુત્રજન્મ

જરા કલ્પના કરો કે ૪૦૦ વર્ષ બાદ કોઈ ખાનદાનમાં પુત્ર જન્મે ત્યારે ખુશાલીનો કોઈ પાર  જ ન રહેને? એમાંય એ રાજવી પરિવાર હોય તો  પછી ખુશાલી અને ધામધૂમથી ઉજવણીમાં પાછું  વાળીને જોવાનું ન હોય ને? આ ખુશાલીની લહેર નહીં પણ મોજા ઊછળી રહ્યાં છે.

મૈસૂરના રાજવી  ઘરાનામાં એક હિન્દી દૈનિકના અહેવાલ  બુજબ  આનંદની છોળ ઊડી રહી છે વાડિયાર  ઘરાનામાં.  એવું મનાય છે કે ૧૬૧૨માં સૌથી શક્તિશાળી ગણાતા વિજયનગર સામ્રાજયનું  પતન થયું અને  વાડિયારના  હાથમાં  મૈસૂરની  સત્તા આવી.  એ  વખતે પરાજિત રાજ્વીની ધનસંપત્તિ વિજેતાએ  જપ્ત કરી લીધી. એ વખતે કોઈ ખબર લાવ્યું કે પરાજિત રાજાની રાણી એકાંતવાસમાં રહે છે  તેની પાસે  લખલૂંટ હીરા-ઝવેરાત અને ખજાનો  પડયો છે.

રાજાએ દૂતને  મોકલી ઝવેરાતની માગણી કરી ત્યારે રાણીએ ઈનકાર કર્યો. આથી જ્યારે બળજબરીથી ધન-સંપત્તિ આંચકી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે રાણીએ શ્રાપ આપ્યો કે જેમ મારૃં ઘર તમે ઉજાડી નાખ્યું એવી જ તમારી દશા થશે. કહેવાય છે કે એ દિવસ પછી રાજધરાણામાં  પુત્ર જન્મ નહોતો થતો. ચાર સદી બાદ કુદરતી રીતે પુત્ર જન્મ થતા રાજકુમારને ઉલ્હાસભેર વધામણાં આપવામાં આવ્યાં છે.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 3 - imageબાળલગ્ન સામે બેટીની બગાવત

બાબુલ કી દુઆંએ લેતી જા, જા તુજકો સુખી સંસાર  મીલે... દિકરીને સાસરે વળાવતી વખતે ગમે એવા કઠણ કાળજાના પિતાનું હૈયું રડતું હોય છે  અને સાથેસાથે દિકરી હવે પરાઈ થઈને સુખી સંસાર  માંડવા જઈ રહી છે એનો હૈયે હરખ પણ હોય છે. બીજી તરફ આજે  પણ આ દેશમાં એવાં કેટલાય મા-બાપો છે જે રમકડાથી રમવાની ઉંમરે  દિકરા-દિકરીને પરણાવી દે છે. લગ્નનો અર્થ પણ નથી જાણતા એવાં બાળકોના લગ્ન લેવાય છે.

બાળલગ્ન એ અપરાધ છે અને સજા  પણ થઈ શકે છે છતાં ઓડિશા સહિત અનેક રાજ્યોમાં બાળલગ્નોનું   દૂષણ મટયું નથી. પરંતુ ઓડિશાના કોરાપુટ જિલ્લાના આદિવાસી વિસ્તારની એક બાળકીને ૧૪મે વર્ષે  પરણાવી વિદાય કરવા મા-બાપ તૈયાર થયા ત્યાકે બેટીએ શાંત રીતે પણ મક્કમપણે બગાવત કરી. આ કુપ્રથા સામે અવાજ ઉઠાવી બહાદુર બેટીએ કહ્યું કે તે સ્કૂલ-કોલેજનું ભણતર પૂરૃં કરશે અને પછી જ  લગ્ન કરશે.

દિકરી અને તેના ભાઈઓના આ મક્કમ નિર્ધાર સામે મા-બાપે ઝૂકવું પડયું અને આજે આ દિકરી કોલેજનું શિક્ષણ પૂરૃં કરવા તરફ આગળ વધી રહી છે. બાળલગ્ન ન કરવાનો દાખલો બેસાડનારી આ કન્યાને જોઈને બીજી દિકરીયુંમાં પણ હિંમત આવી ગઈ છે.

ઓડિશાના આદિવાસી વિસ્તારમાં બાળલગ્ન વિરુદ્ધ જાગૃતિ  ફેલાવવાનું  કાર્ય કરતી સ્વયંસેવી સંસ્થાએ છેલ્લાં બે વર્ષ દરમિયાન ૨૦ બાળલગ્નો અટકાવ્યા છે એટલે જ કહેવું પડે કેઃ

કૌન કહાં કરે શાદી
યે ભલે સબકો આઝાદી હૈ
પર જો બચ્ચોં કી કરવાયે શાદી
વો તો સબકી બરબાદી હૈ

પંચ-વાણી

આજે ચારે તરફ મોબાઈલની જે  મોકાણ
છે એ જોઈને આ પંચલાઈના યાદ આવેઃ
સેલફોનની જ  મોકાણને દોષ આપ
સહુને નીચાજોણું અને બધાં અંગુઠાછાપ
 

Tags :