છત્રપતિ શિવાજીની જગદંબા તલવાર પાછી લાવો
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
હિન્દવી સ્વરાજની ધજા લહેરાવનારા મહાન છત્રપતિ શિવાજી મહારાજે તાતી તલવારથી કૈક દુશ્મનોના માથાં વાઢી નાખ્યા હતા. શિવાજી મહારાજ જ્યારે પ્રચંડ તાકાતથી આ તલવારો વિંઝતા ત્યારે જાણે વીજળીના ચમકારા થતા હોય એવું લાગતું શિવાજીની ત્રણ તલવારોમાં એક હતી ભવાની તલવાર, બીજી હતી તુળજા તલવાર અને ત્રીજી હતી જગદંબા તલવાર આ જગદંબા તલવાર અત્યારે બ્રિટનનારાણી એલીઝાબેથના શસ્ત્રાગારમાં રાખવામાં આવી છે. પ્રિન્સ ઓફ વેલ્સ જ્યારે કોલ્હાપુર આવ્યા ત્યારે તેમને જગદંબા તલવાર ભેટ આપવામાં આવી હતી. આ જગદંબા તલવાર બ્રિટનની રાણીના શસ્ત્રાગારમાંથી ભારત પાછી લાવવા માટે જોરદાર માગણી ઊઠી છે. શિવપ્રેમીઓએ આ માટે તાજેતરમાં જ સહી ઝુંબેશ પણ ચલાવી હતી. સહુ એક અવાજે માગણી કરે છે:
જે તાતી તલવારે
કર્યા હતા કૈંક વાર
એને પાછી આણતા
લાગે નહીં વાર.
અસલી નોટ કમાવા બન્યા નકલી કિન્નર
અસલીનો જમાનો નથી, નકલીની જ બોલબાલા છે. ચોખ્ખા ઘીના નામે નકલી ધી વેચાય, અસલી કેસરને નામે નાળિયેરના છોતરાને ઝીણા ઝીણા કાપી લાલ રંગી નકલી કેસર પધરાવી દેવાય, અસલી જેવી જ લાગે એવી નકલી ચલણી નોટો ફરતી અને બજારમાં તરતી કરવામાં આવે. આ બધી તો અસલીના નામે વેંચાતી નકલી ચીજો નિર્જીવ છે. પણ અસલી નોટ કમાવા માટે જ્યારે કોઈ વેશ બદલી નકલી કિન્નર બની પૈસા પડાવે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય કે નહીં? રાજસ્થાનના બિકાનેર જિલ્લાના એક ગામે બે કહેવાતા વ્યંડળો લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને રીતસર દાદાગીરી કરતા હતા.
જ્યારે આ વ્યંડળોનો ત્રાસ હદબહાર વધી ગયો ત્યારે ગામ લોકોનો રોષ ભભૂકી ઉઠયો. ગામના ચોકની વચ્ચોવચ્ચ આ બન્નેને પકડી સરખાઈનો મેથીપાક જમાડયો. ઉહાપોહ વધી જતા ગામના જે અસલી કિન્નરો હતા એ પણ દોડી આવ્યા અને એમણે પણ બન્નેની ર્ંધુલાઈ કરી એટલું જ નહીં કપડા ઉતાર્યા ત્યારે ખબર પડી કે આ બન્ને તૃતીયપંથી નહીં પણ યુવકો હતા. વગર મહેનતે પૈસા કમાવા માટે વ્યંડળનો વેશ ધારણ કર્યો હતો.
પણ નકલી નાટક ક્યાં સુધી ચાલે? ગામલોકોએ બંનેની પીટાઈ કર્યા પછી પોલીસને હવાલે કરી દીધા. એવું સાંભળ્યું છે હવે તો મુંબઈ અમદાવાદ જેવા શહેરોમાં અસલી તૃતીયપંથીઓ પોતાની ઓળખ સાબિત કરવા માટે ફોટો આઈકાર્ડ સાથે રાખીને ફરે છે. કારણ ક્યારે રાજસ્થાન જેવાં નકલી વ્યંડળો ફૂટી નીકળે એ કહેવાય નહીં. આ અસલી અને નકલીનો ખેલ જોઈ કહી શકાય: જો ન-કલ થા આજ નકલ હૈ, પર ઉસે પકડને આમઆદમી મેં અક્કલ હૈ...
ચંબલ નદીમાં તરશે ઘડિયાલો
એક જમાનામાં જ્યારે દુબઈ અને બીજા દેશોમાંથી મોંઘી ઘડિયાલો દાણચોરીથી લાવવામાં આવતી ત્યારે કસ્ટમ્સવાળા દરિયામાં બોટને આંતરી ઝડતી લે એ વખતે ઘણીવાર દાણચોરો ઘડિયાલો દરિયામાં ફેંકી દેતા હતા. પણ ઘડિયાલો તળિયે બેસી જતી, ઘડિયાલ થોડી જ દરિયામાં ટકે. પણ એક જમાનામાં બાગીઓ અને બહારવટિયાઓની ત્રાડથી ગાજતા ચંબલ વિસ્તારમાં વહેતી ચંબલ નદીમાં 'ઘડિયાલો' તરતી જોવા મળશે. આ ઘડિયાલો એટલે કંઈ સમય દર્શાવતી, ટીક... ટીક... ચીક કરતી સમય દર્શાવતી ઘડિયાલોની વાત નથી. આ તો મગરમચ્છની એક પ્રજાતિ ઘડિયાલની વાત છે.
ચંબલ નદીમાં અત્યારે ૧૨૫૫ ઘડિયાલો વસવાટ કરે છે. આટલી મોટી સંખ્યામાં ઘડિયાલો ધરાવતું મધ્ય પ્રદેશ પહેલવહેલું રાજ્ય બન્યું છે. એટલે સરકારે ચંબલ નદીના ૪૩૫ કિલોમીટરના ક્ષેત્રને ઘડિયાલ અભયારણ્ય જાહેર કરી દીધું છે. દેશના રાજકારણમાં નાના માછલાને ગળી જતા કૈંક મગરમચ્છો જોવા મળે છે. પ્રજાની તકલીફો પર મગરના આંસુ સારવાવાળા પણ ઓછા નથી. ઘડિયાલ પણ મગરનો જ એક પ્રકાર છેને? એક જમાનામાં ચંબલમાં બાગીઓની ધાક હતી, હવે એ જ ચંબલમાં મગરોની ધાક બેસી જશે. ત્યારે કહેવું પડશે કે ચંબલ તારા વહેતા પાણી, અમે તો નદીમાં તરતી ઘડિયાલ જાણી...
૧૦૫ વર્ષના દાદીમા ચોથા ધોરણમાં પાસ થયા
'બેટી બચાવ બેટી પઢાવ' સૂત્ર ગજાવવામાં આવે છે. છતાં આજે પણ લાખો બેટીઓ કોઈને કોઈ કારણસર ભણી નથી શકતી એ હકિકત છે. જ્યારે બીજી તરફ ૧૦૦ ટકા શિક્ષિત રાજ્ય તરીકે જાણીતા કેરળના પરાકુલમ ગામે ૧૦૫ વર્ષના દાદીમાએ ચોથા ધોરણની પરીક્ષા ૭૪.૫ ટકા માર્કસ મેળવી પાસ કરી છે. કહે છે ને કે ભણવા માટે કે નવું શીખવા માટે જેને આવી ધગશ હોય તેને ઊંમરનો કોઈ બાધ નથી નડતો. સેન્ચુરી વટાવી ગયેલા દાદીમા પણ જરા પણ ક્ષોભ અનુભવ્યા વગર ચોથા ધોરણની બાળકીઓ સાથે બેસીને ભણ્યા. અક્ષરજ્ઞાાન મેળવી દાદીમા રાજી રાજી થઈ ગયા છે. લખતા વાંચતા શીખી ગયા એટલે જાણે જીવનની નવી દિશા ખુલી ગઈ છે. આવી જ લગનથી ઊંમરનો બાધ રાખ્યા વિના સહુ ભણવા માંડેને તો આ ગણતંત્રને જોતજોતામાં ભણ-તંત્રમાં ફેરવાતા વાર નહીં લાગે.
દેશવિકાસને રસ્તે-અને ગામડા રસ્તા વગરના
દેશ વિકાસના માર્ગ ઉપર સડસડાટ આગળ વધી રહ્યો છે એવો સરકાર તરફથી દાવો કરવામાં આવે છે. પરંતુ આઝાદીને સાત સાત દાયકા વિત્યા છતાં એવાં કેટલાય ગામડાં છે જ્યાં પહોંચવા માટે કોઈ માર્ગ નથી બંધાયો. આવું જ એક ગામડું બિહારના ભોજપુર જિલ્લાનું પરસા પ્રખંડમાં આવેલું દીઘરા ગામ. ગ્રામજનો માટે અવરજવર કરવા માટે કોઈ રસ્તો જ નથી. દેશને આઝાદી મળી ત્યારથી આ ગામના લોકો પાક્કી સડકની માગણી કરી કરીને થાક્યા. છતાં આજ દિવસ સુધી રસ્તો બાંધી આપવાની સરકારે દરકાર નથી કરતી. ચોમાસામાં તો ગામલોકોની બુરી દશા થાય છે. ગામની નજીક વહેતી નદી ભારે વરસાદમાં બે કાંઠે વહેવા માંડે ત્યારે ચારે તરફ પાણી પાણી થઈ જાય છે. આવે વખતે ગામ લોકોએ ઘરમાં જ બેસી રહેવું પડે છે. દેશમાં ઠેર ઠેર રસ્તા-રોકો આંદોલનો થતા રહે છે.
પણ સરકારને કોઈએ કહ્યું છે કે રસ્તા-બંધાતા- રોકો? આ એ જ બિહાર રાજ્ય છે જ્યાં પશુના ચારાકાંડમાં કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા. પરંતુ સરકાર ગામડાની સડક માટે નજીવી રકમ ફાળવી નથી શકી. આજે ગાંધીજીના ચિંધેલા માર્ગે ચાલી શકવાની ત્રેવડ ન હોય એવા નેતાઓ ગામ કે શહેરમાં રસ્તાને મહાત્મા ગાંધીનું નામ આપી દે છે. પણ જે ગાંધીબાપુ કહેતા કે સાચા ભારતના દર્શન ગામડાઓમાં જ થાય છે એ ગામડા માટે સડક બનાવવાની એમને દરકાર નથી. આઝાદી પછી એવી અનેક ફિલ્મો ઉતરી જેના ટાઈટલમાં રસ્તાનો ઉલ્લેખ આવતો હોય. યે રાસ્તે હૈ પ્યાર કે, દો રાહે વગેરે વગેરે.
પણ અત્યારે તો વગર સડકે ખાડા ઠેકીને કે કાદવ ખૂંદીને ચાલતા જતા ગ્રામજનોની જ ફિલમ ઉતરી નહીં હોય એવું લાગે છે. આમ છતાં વગર સડકે પણ ગ્રામજનો આગળ વધવામાં પાછળ પડતા નથી. એ તો ખુમારીથી જાણે કહેતા હોય એવું લાગે કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, કાયર નથી કે મૂંઝાઈને પાછા ફરી જવાના.
પંચ-વાણી
પરણે એ સમસ્યાને શરણે