લાલુ ભૂલાયા આલુ નહીં
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
બિહારમાં જ્યારે લાલુ યાદવનું રાજ હતું અને લાલુજીની બોલબાલા હતી એ વખતે એમના ટેકેદારો જોરશોરથી નારા લગાવતા હતા કે 'જબ તક સમોસે મેં આલુ રહેગા બિહારમેં લાલુ રહેગા....' પણ લાભુભાઈ ચારાકાંડમાં ફસાયા અને 'ભાઈ-ચારા'એ પડતી નોતરી. મહેલમાંથી જેલમાં જવું પડયું. સત્તા ગઈ, શાખ ગઈ, સંપત્તિ ગઈ અને શાન ગઈ.
લાલુ સત્તામાં ન રહ્યાં પણ આલુએ પોતાનું સ્થાન સેંકડો વર્ષોથી યથાવત ટકાવી રાખ્યું છે. ચુનાવી સભામાં એક નેતાએ ગળુ ફાડીને કહ્યું હતું કે 'હમ આલુ કી ફેકટરી ડાલેંગે...' અરે ભાઈ આલુનું કારખાનામાં ઉત્પાદન થાય કે ઉગે?ખૈર નેતાજીનું આ વાક્ય કાને પડયા પછી ઘણાંના મનમાં સવાલ થતો હશે કે બટેટાનું વતન કયુ? તો એનો જવાબ છે બટેટાનું મૂળ દક્ષિણ અમેરિકાના પેરૂમાં હતું. સ્પેનિશોએ પેરૂ પર ચડાઈ કરી અને એ પ્રદેશ જીતી લીધો પછી સ્પેનયાર્ડો પણ બટેટાના પ્રેમમાં પડી ગયા.
ધીરે ધીરે બટેટા જેને સ્પેનવાસીઓ પટાટા કહેતા હતા તે ધીરે ધીરે સાગરખેડૂઓની સાથે દુનિયાના જુદા જુદા ભાગોમાં પહોંચવા માંડયા. ભારતમાં પોર્ટુગીઝો સૌથી પહેલાં સત્તરમી સદીમાં બટેટાને લાવ્યા. અહીં બટેટા ઉગાડવાની પહેલવહેલી શરૂઆત પશ્ચિમ ભારતના સુરતને કાંઠે થઈ હતી એવો ઉલ્લેખ મળે છે.
આજે તો ફક્ત ભારતમાં જ નહીં દુનિયાભરમાં બટેટા સૌથી લોકપ્રિય છે. મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા.... આ પંક્તિની જેમ જે શાક સાથે બટેટા મેળવો એ મજેદાર બને છે. બટેટાની વેફર, ચીપ્સ, સેવ, બટેટા વડા, આલુ- ટીક્કી, આલુ પરોઠા ઓ....હો... હો.... બટેટામાંથી ગણી ગણાય નહીં એટલી વાનગીઓ બને છે અને લોકો હોંશે.... હોંશે.... પેટમાં પધરાવે છે. એટલે હવે દરેક વાનગીમાં અનેક દરેક શાક સાથે મળી જતા આ 'મળતાવડા' આલુ વિશે એટલું કહી શકાયઃ
કૌન જાને રાજનીતિમેં
કૌન સીધા ઔર કૌન ચાલુ રહેગા
કબતક લાલુ કે સામને
કેસ ચાલુ રહેગા
હમ તો બસ ઈતના જાનતે હૈ
કી ખાને મેં હંમેશા આલુ રહેગા.
ઓળી ઝોળી પીપળ પાન ભઈએ પાડયું મતદાન નામ
ચક્ષુદાન શ્રેષ્ઠદાન..... ત્વચાદાન શ્રેષ્ઠ દાન.... અવયવદાન શ્રેષ્ઠ દાન એવો પ્રચાર જનહિતમાં થતો હોય છે. પણ લોકશાહી દેશમાં મતદાન શ્રેષ્ઠ દાન છે એ મધ્ય પ્રદેશના એક યુવાન સાબિત કરી આપ્યું. તાજેતરમાં જ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન હતું એ દિવસે દેવાસ જિલ્લાના ખાતેગાંવના એક યુવકની ગર્ભવતી પત્નીને પ્રસવ પીડા ઉપડી.
યુવક પત્નીને લઈ સીધો હોસ્પિટલમાં પહોંચ્યો અને ત્યાં એડમિટ કરાવી તે પાછો પોલીંગ બુથ પર પહોંચ્યો. ત્યાં મતદાન કર્યું. મત આપી બહાર નીકળ્યો ત્યારે એને ખુશખબર મળ્યા કે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. હરખાતો હરખાતો હોસ્પિટલ પહોંચ્યો અને દીકરાનું એજ વખતે નામકરણ કરી નામ આપ્યું મતદાન.
તેણે કહ્યું દરેક નાગરિકે મતાધિકાર બજાવવો જોઈએ. મારા દીકરાનું નામ સાંભળી ભવિષ્યમાં લોકો મતદાન પ્રત્યે જાગૃત થશે તો એનું નામ લેખે લાગશે. આમ ફોેઈએ જ નહીં આ ભઈએ જ નામ પાડયું એ સાંભળી કહી શકાય કેઃ ઓળી ઝોળી પીપળ પાન ભઈએ રાખ્યું મતદાન નામ.
કેટલાક કુર્સીને ફેરવે છે કમોડમાં
ચટણીમાં પોતે વાટવું પડે અને ચૂંટણીમાં એકબીજાનું વાટવું પડે. એક નાવ અથવા ચુનાવ તારે કાં ડૂબાડે. નેતાઓ કરે ભાષણબાજી અને એક બીજા પર આક્ષેપો કરી રાજી રાજી. ચૂંટણી આવે એટલે સૌથી વધુ કરપ્શનનો મુદ્દો ગાજે. લોકો હવે આઝાદ ભારતના જે ભ્રષ્ટાચારી બેટમજીઓ છે તેને કરપ્શન કરતા 'કરપ્ટ-સન' તરીકે ઓળખી ગયા છે.
પેટમાં બાદીવાળા જેમ કમોડ પર બેઠા પછી ઊઠવાનું નામ નથી લેતા એમ આ ગંદી ગાદીવાળા કુર્સી પર બેઠા પછી ઊઠવાનું નામ નથી લેતા. કંઈક ચૂંટણીઓ આવી આવી અને ગઈ પણ ભ્રષ્ટ ટોળીઓ ઓછી નથી થઈ. જે પોતાનું સાજું કરવામાં જ શૂરા હોય એ ચૂંટાયા પછી જનતાનું શું સારું કરવાના? સચરાચરમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વચ્ચે ભક્ત ચમનાની ચાર લાઈના યાદ આવે છેઃ
ગડબડ ગોટાળિયાને ગોબાચારિયા
ચડી બેસે છે ગાદીએ
દાટ વાળ્યો છે આ દેશનો
ખાનદાન, ખટપટ, ખાઈકી
અને ખૂંટલોની આબાદીએ
ગોવાના એરપોર્ટ પણ ગળુ ભીનું કરી શકાશે
ગુજરાતનો અને ગ ગોવાનો એમાં શું તફાવત છે? એવો કોઈ સવાલ કરે તો ટૂંકમાં જવાબ આપી શકાય કે ગુજરાતમાં દારૂબંધી જોવા મળે અને ગોવામાં દારૂનું બંધાણ જોવા મળે. દિવ, દમણ, ગોવામાં પોર્ટુગીઝોનું રાજ હતું ત્યારથી મદિરાની રેલમછેલ થતી આવી છે. સાપ ગયા અને લીસોટા રહ્યાં એ કહેવતને જરા ફેરવીને કહી શકાય કે પોર્ટુગીઝો ગયા અને પીનારા રહ્યા. ગુજરાતમાં જેમ પાણીની પરબ જોવા મળે એમ ગોવામાં પ-ર-બને બદલે પ-બ જોવા મળે.
એમાં પણ નવા વર્ષે તો જાણે ગોવામાં દારૂ વર્ષે એવું લાગે. હવે બાકી હતું તે ગોવાના એરપોર્ટ પર સુધ્ધા લોકો 'ગળુ ભીનું' કરી શકે એ માટે આલ્કોહોલવાળા પીણા પીરસવા માટેની તૈયારી થઈ રહી છે. ગોવાના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય વિમાનમથકોની હરોળમાં લાવવાના પ્રયાસરૂપે ૩૬ ફૂડ સ્ટોલ બંધાશે અને એમાં હાર્ડ- ડ્રિન્ક પીરસવા માટેની પરવાનગી માગવામાં આવી છે. એટલે હવે ગળુ ભીનું કરવાના શોખીનો 'અચ્છે દિન' આવશે ત્યારે ટેસમાં આવી બોલી ઉઠશે કે 'દિવ દમણને ગોવા, હાલો ત્યાં હોશ ખોવા...
ભલેને ગાજર દેખાડે?
ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો જનતાને વચનોની લ્હાણી કરી જાતજાતના ગાજર દેખાડે છે. સ્કૂલ બાંધશું, પુલ બાંધશું, રસ્તા સરખા કરશું અને સસ્તી સારવારની સુવિધા આપશું એવાં એવાં ગાજર ઉમેદવારો દેખાડે છે. પણ પછી જો એ ઉમેદવારો ચૂંટાય ત્યારે એ બધુ ભૂલી જતા હોય છે.
પણ જો આ ઉમેદવારો શાબ્દિક રીતે ગાજર દેખાવડાને બદલે પ્રચારમાં નીકળે ત્યારે ખરેખર લોકોને ગાજર દેખાડી ગુણકારી ગાજર ખાવાનો અને ગાજરનો રસ પીવાનો આગ્રહ કરે ને તો લોકોને કેટલો શારીરિક ફાયદો થાય? ગાજરમાં તો માંદાને બેઠા કરવાની અને સાજાને સદા જુવાન રાખવાની તાકાત છે એવું વૈદરાજો અને કુદરતી ઉપચાર કરવાવાળા કહેતા જ હોય છે ને? વર્ષો પહેલાં કલકત્તા જવાનું થયું ત્યારે ગાજરમાંથી બનાવેલા રસગુલ્લાનો ટેસ્ટ કરવા મળ્યો હતો. એ વખતે કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી વિભાગે આ જવાની ટકાવે, રોગ ભગાવે અને સ્ફૂર્તિ ચગાવે એવાં ગાજરિયા રસગુલ્લાની શોધ કરી હતી.
વિટામીન 'એ ' અને કેરોટીનના સત્ત્વવાળા ગાજરના રસગુલ્લા હોય કે પછી ગાજરનો હલવો હોય એ ખાવાથી ધસમસતા આવતા બુઢાપાની ગતિ ધીમી પાડી શકાય છે, કેન્સર, કુપોષણ, ફેફસાંની બીમારી નિવારી શકાય છે એવો દાવો કરવામાં આવે છે. એટલે અવગુણકારી ઉમેદવારો ગાજર દેખાડે છે એની તરફ જોવાને બદલે ગુણકારી ગાજર ખાવા તરફ જોર આપવામાં આવે તો શરીરને ફાયદો જ ફાયદો થવાનો છે. અત્યારે પશ્ચિમ બંગાળમાં ગાજરિયા રસગુલ્લા મળતા હશે કે નહીં એ ખબર નથી, પણ અત્યારે પશ્ચિમ બંગાળના સતત રોષથી રાડો પાડતા રહેતા મમતા બેનર્જી 'રોષ- ગુલ્લા'ના રૂપમાં જોવા મળે છે.
પંચ- વાણી
પ્રજા કર ભરે
નેતા ઘર ભરે