Get The App

અમર પ્રેમી પાત્રો ઝિટકુ અને મિટકી પૂજાય છે

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Mar 20th, 2020

GS TEAM

Google News
Google News
અમર પ્રેમી પાત્રો ઝિટકુ અને મિટકી પૂજાય છે 1 - image


આ તો પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે... એકમેક પ્રત્યે  ખરા દિલથી જેને પ્રેમ હોય એણે કંઈ પશ્ચિમના દેશોના એઠાં અવસર એટલે કે વેલેન્ટાઈન્સ-ડે ઉજવવાનો દેખાડો નથી કરવો પડતો. આજની આધુનિક  પેઢી લૈલા-મજનૂ, શિરી-ફરહાદ, હિર-રાંઝા કે પછી શેણી-વિજાણંદ જેવા પ્રેમીઓના અમર પાત્રોને ભૂલી જ ગઈ છે. એટલે જ પ્રેમ વ્યક્ત કરવા વેલેન્ટાઈન્સ ડે જેવાં ઉછીના અને છીછરા દિન ઉજવે છે પણ અમર પ્રેમીપાત્રોને પૂજવાની  અનોખી  પરંપરા છત્તીસગઢના ગોંડ આદિવાસીઓમાં  સદીઓથી ચાલી આવે છે એ એવું હમણાં જ ક્યાંક વાંચ્યું. યુવક-યુવતીને યોગ્ય જીવનસાથી મળે, સંતાનસુખ પ્રાપ્ત થાય, સંસાર સુખેથી વિતે માટે લોકકથાના અમર પ્રેમીપાત્રો ઝિટકુ-મિટકીની વિધિવત પૂજા કરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે.

ઝિટકુ-મિટકી આદિવાસીઓના ઘર-ઘરમાં પૂજાય છે. આ ઝિટકુ-મિટકીની પ્રેમકહાણી કંઈક આ પ્રમાણે  છે. મિટકી સાત ભાઈઓની વચ્ચે એકનીએક બહેન હતી. આ ભાઈઓ પોતાની બહેન માટે રૂપકડા રાજકુમાર જેવાં ઝિટકુ નામના યુવાનને ગોતી લાવ્યા.  મિટકી-ઝિટકુ વચ્ચે પ્રેમસંબંધ  બંધાયો. તન સજુદા પણ મન એક થઈ ગયા. એમાં એકવાર મિટકીના ભાઈને સપનામાં દેવીએ દર્શન દીધા અને કહ્યું કે લખલૂટ સંપત્તિ મેળવવી હોય તો બાવીસ લક્ષણા યુવકનું બલિદાન આપવું પડશે.

 આથી ભાઈઓએ મિલકત મેળવવાની લાલચમાં  ઝિટકુનું બલિદાન આપી દીધું. મિટકીને એવો આઘાત લાગ્યો કે હૈયાફાટ વિલાપ કરતા થોડી ક્ષણોમાં તેણે પણ પ્રાણ ત્યાગ્યો બસ ત્યારથી ઝિટકુ-મિટકી પૂજાય છે. સાચો પ્રેમ ત્યાગ અન ેબલિદાન માગે છે અને ખોટો પ્રેમ 'દાન' માગે છે એટલે જ આજે જે પૈસાના પાયા પર લગ્નસંબંધ બંધાય છે અને દહેજની માગણી કરાય છે એ પ્રેમસંબંધો જોતજાતામાં  વહેમ-સંબંધોમાં પલટાઈ જાય છે. એટલે જ કહેવું પડે કે પ્રેમનો સાચો મર્મ સમજે એ આદિવાસી અને પૈસા ખાતર પ્રેમસંબંધ બાંધે એ 'શાદીવાસી'.

વેડિંગ રિંગમાં ડે-રિંગ

આજના જમાનામાં  જુદા જુદા ડે ઉજવાય છે. કોલેજોમાં તો જુવાનિયાઓ અને જુવાનડીઓ  છાશવારે રોઝ-ડે, પ્રપોઝ-ડે, ફ્રેન્ડશિપ ડે જેવાં જાતજાતના ડે ઉજવે છે. આ બધા ડેની ઉજવણીના  વાઈરસ પશ્ચિમના દેશોમાંથી જ આપણે ત્યાં પગપેસારો કરી ચૂક્યા છેને? જોકે આ બધામાં મહિલાઓ પુરૂષ સમોવડી બની ગઈ છે એટલું જ નહીં અમુક તો પુરૂષોથી પણ ક્યાંય આગળ વધી ગઈ છે. તેનું પ્રમાણ આવતા ઈન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી સાર્થક સાબીત થઈ છે. 

ઘણા પીડિત પુરૂષો અંદરોઅંદર ઘૂસપૂસ કરતા કહેતા પણ હોય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ધામધૂમથી ઉજવાય છે, પણ આપણી જેવાં માટે કોઈ આંતરરાષ્ટ્રીય  ભઈલા-દિનની ઉજણીની કેમ કોઈ પરવા નથી કરતું? હમણાં ક્યાંક ઈન્ટરનેશનલ વેડિંગ રિંગ ડેની ઉજવણી વર્ષમાં એકવાર થાય છે, એવું સાંભળવા  મળ્યું. લગ્નબંધનમાં જે દિવસે બંધાયા હોય અને વેડિંગ રિંગ પહેરાવી હોય એ દિવસની યાદરૂપે  ઈન્ટરનેશનલ વેડિંગ રિંગ ડે ઉજવાય છે, પણ અમુક કિસ્સામાં તો વેડિંગ પછી જ્યારે સંબંધોમાં તડા પડે ત્યારે આ તડાને સાંધા આપી આપીને ગાડું ચલાવવું પડે છે.

તો પણ સમાજ સામે દેખાડો કરવા માટે કેટલાક વેડિંગ એનિવર્સરી ઉજવે છે આને વેડિંગને બદલે વેલ્ડિંગ એનિવર્સિરી કહેવાય કે નહીં? મને તો રિંગ શબ્દની રમત કરતા કરતા એટલાં જાત અનુભવ થયા છે કે પહેલાં જ્યારે સગાઈ થાય ત્યારે રિંગ પહેરાવી એને કહેવાય એન્ગેજમેન્ટ રિંગ, પછી પરણે ત્યારે વેડિંગ-રિંગ, પછી હિંમતથી સંસાર ચલાવવા ડે-રિંગ જરૂર પડે. લગ્નના લાડુ ખાઈને પસ્તાયેલા એક જણે કહ્યું કે પહેલાં હેમ-રિંગ (હેમ એટલે સોનું-સોનાની વિંટી) પહેરવાની ઉતાવળ કરી. હવે ઘરવાળી સતત કોઈને કોઈ વાતે સતત હેમ-રિંગ કરે છે તેનો સામનો કરવો પડે છે આમને આમ જીવનની સફર હવે સફ-રિંગ બની ગઈ છે.

અમર પ્રેમી પાત્રો ઝિટકુ અને મિટકી પૂજાય છે 2 - image

ફોનથી હિંસા હત્યા ને હાહાકાર

દિલ્હીના તાજેતરના હિંસક રમખાણો વખતે મોબાઈલ ફોનથી વહેતા મૂકવામાં આવેલા સંદેશાઓ પણ હિંસા ફેલાવામાં કારણભૂત બન્યા હતા. જુદા જુદા વોટસએપ ગુ્રપમાં ફરતા કરવામાં આવેલા ભડકામણા સંદેશ અને ફેલાવાયેલી અફવાને  કારણે ભડકેલી હિંસાએ હાહાકાર મચાવી દીધો હતો. એટલે જ પોલીસની સાઈબર સેલે સપાટો બોલાવવો પડયો હતો. પરંતુ જે જમાનામાં મોબાઈલ ફોન નહોતા અને દોરડાવાળા લેન્ડલાઈન ટેલિફોનો હતા. 

એ જમાનામાં એક જ ટેલિફોન લાખો લોકોના મોતનું કારણ બન્યો હતો. એ ટેલિફોન હતો દુનિયાના સૌથી ક્રુર અને જાલીમ  સરમુખત્યાર હિટલરનો જે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના ટેબલ પર રાખવામાં આવ્યો હતો. જેની ઉપર હિટલરનું  નામ અને સ્વસ્તિકનું નિશાન હતું. કહેવાય છે કે હિટલરના નાઝી સૈનિકોએ જુદા જુદા કોન્સન્ટ્રેેશન કેમ્પમાં બંધક બનાવેલા દુશ્મન સૈનિકો  અને નિર્દોષ સૈનિકોનો સંહાર કરવાનો આદેશ આ જ ટેલિફોનથી હિટલર આવતો હતો. ફક્ત પોલેન્ડની જ વાત કરીએ તો હિટલરે આ ખૂની ફોનની મદદથી પોતાના સેનાપતિઓને આપેલા  આદેશને પગલે ઓછામાં ઓછા ૧૦ લાખ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પરાજ્ય પછી જ્યારે હિટલરે બન્કરની અંદર આત્મહત્યા કરી ત્યારે આ ફોન તેની પાસે જ હતો. આ ફોન વર્ષો સુધી સાચવી રાખવામાં આવ્યો હતો. ઠેઠ ૨૦૧૭માં ખૂની ફોનનું લિલામ થયું ત્યારે કોઈએ બે કરોડમાં ખરીદી લીધો હતો. 

ખૂની ફોનની પણ ઊંચી કિંમત ચૂકવનારા પડયા છે ને આ દુનિયામાં?  કહે છે ને ઈતિહાસનું પુનરાવર્તન થયા વિના નથી રહેતું. બીજા વિશ્વ યુદ્ધ વખતે ફોનથી  લાખો નિર્દોષોનું  નિકંદન નીકળ્યું હતું. જ્યારે એકવીસમી સદીમાં  મોબાઈલ ફોન હિંસાચાર ફેલાવવામાં વરવી ભૂમિકા ભજવે છે.


બેટીની બહાદુરી

બેટી બચાવ... સૂત્ર ચારે તરફ ગાજી રહ્યું છે. ત્યારે બીજી બાજુ દેશની બેટીઓ બળાત્કાર, અત્યાચાર અને પાપાચારનો ભોગ બની રહી છે. આ માહોલમાં  મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની  એક બહાદુર બેટીએ બદમાશોનો મુકાબલો કરી તેમને ઊભી પૂંછડીએ ભાગવા માટે મજબૂર કર્યા હતા. ભોપાલના ગાંધીનગર વિસ્તારની આ ઘટના છે. બાર વર્ષની બાળકી તેના રૂમમાં સૂતી હતી અને મમ્મી-પપ્પા બેડરૂમમાં સૂતા હતા. મધરાતે ઘરની પાછળની બાલકનીમાંથી એક ચોર ઘરમાં  ઘૂસ્યો.  પહેલાં તો બાળકીની મમ્મી-પપ્પાના બેડરૂમને બહારથી બંધ કરીને ચૂપચાપ પૈસા અને દાગીના ભેગા કરી થેલીમાં ભરવા માંડયો ખખડાટ સાંભળી બાળકી જાગી ગઈ અને જરા પણ ડર્યા  વિના બદમાશ સામેે ધસી ગઈ અને હિંમતથી ચોર સાથે ઝપાઝપી કરી અને પછી જોરશોરથી બૂમાબૂમ કરી મૂક્તાં ઘૂસણખોર ચોર બાલકનીમાંથી ઠેકડો મારીને નાઠો. ભોપાલની બાળકી જેવી બહાદુરી સહુ બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓ દેખાડે તો બદમાશોની મજાલ નથી કે એમની તરફ આંખ ઊંચી કરીને જોઈ શકે. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી...ની જેમ જોડકણું ગાવું જોઈએ.

બહાદુરી કી યે કહાની સચ્ચી હૈ,બદમાશ 

કો ભગાનેવાલી, ભોપાલ કી બચ્ચી હૈ

અમર પ્રેમી પાત્રો ઝિટકુ અને મિટકી પૂજાય છે 3 - image

ભારી પડેગા દંગા યોગી સે જો લેગાં પંગા

જબ સામને હો યોગી તો ગુંડો કી હાલત કયા હોગી... હમ સે ન લો પંગા, ભારી પડ જાયેગા દંગા... ઉત્તર પ્રદેશના દંગલખોરો, અપરાધીઓ, દાનના ઉતાર જેવાં ગુંડાઓ અને ભાડૂતી ભાંડણખોરો આ બધા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથથી થરથર કાંપવા લાગ્યા છે, કેટલાય દૂમ દબાવી ભાગી છૂટયા છે તો કેટલાક વળી નીચી મૂંડીએ પોલીસને શરણે આવી ગયા છે. દિલ્હીમાં હિંસા ફાટી નીકળી   એ પહેલાં જ્યારે ઉત્તરપ્રદેશમાં રમખાણો ફાટી નિકળ્યા ત્યારે યોગી સરકારની પોલીસે ઠેર ઠેર ગોઠવાયેલા સીસીટીવી કેમેરા, વિડીયો તેમ જ મોબાઈલથી ઝડપેલી તસવીરોને આધારે ઉપદ્રવીઓની ઓળખ પાક્કી કરી લીધી.

સરકારી  મશીનરીએ રમખાણ દરમ્યાન થયેલા નુકસાનનો અંદાજ મેળવ્યો અને તોફાની તત્ત્વો પાસેથી એ રકમ દંડરૂપે વસૂલ કરવા માટે ગુંડાઓના ઘરે ઘરે જઈને નોટિસો ચોંટાડી દીધી હતી. આટલું ઓછું હોય એમ અપરાધીઓ, સમાજકંટકો અને દંગલખોરોના મોટા મોટા ફોટા પોસ્ટરો અને જંગી હોર્ડિંગ્સ પર લગાડયા છે. જોકે ત્યાંની વડી અદાલતે યોગી સરકારને હોર્ડિંગ ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો. સરકાર આ આદેશને વડી અદાલતમાં પડકારે એવી શક્યતા છે. જોકે યુ.પી.ની અંધારી આલમમાં રાડ તો બોલી ગઈ છે એટલે જ કહેવું પડે.

ગુંડાઓને હવે માંડયું છે

આકરૂ લાગવા

એટલે જ મુઠ્ઠી વાળીને 

ભગવાથી લાગ્યા છે ભાગવા.

પંચ-વાણી

હોળીમાં જોઈ રંગ-ભૂમિ

હિંસા-તંગદિલીમાં જોઈ તંગ-ભૂમિ.

Tags :