નાગીનની ધૂન પર નાચો તો નોકરી જોખમાય
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
નાગીનની અમર ધૂન વાગતી હતી. મન ડોલે મેરા તન ડોલે... અને આ ધૂન ઉપર એક મહિલા અને બે પુરષો રંગમાં આવી લટકા-ઝટકા કરી નાગીન ડાન્સ કરતા હતા આ નાગીન ડાન્સનો વિડીયો વાઈરલ થયા પછી નાગીન ડાન્સ કરતા ત્રણેય પાત્રો મુશ્કેલીમાં આવી ગયા. કારણ નાગીન નાચ કરવાવાળા આ ત્રણેય રાજસ્થાનની એક સરકારી સ્કૂલના શિક્ષક-શિક્ષિકા હતા. આ નાચની વાત ઉપર સુધી પહોંચી અને શિક્ષિકાને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવી જ્યારે બે શિક્ષકોને ચાર્જશીટ આપવામાં આવી નાગીનનો નાચ કરતા નોકરીનું જોખમ ઊભું થયું બોલો.
આ જ રાજસ્થાનની ધરતી પર પાંચ દાયકા પહેલાં વહિદા રહેમાને 'ગાઈડ' ફિલ્મ માટે એક જુદો જ અને અનોખો નાગીન ડાન્સ કર્યો હતો જે અમર થઈ ગયો જ્યારે શિક્ષિકાએ નાગીન ડાન્સ કરતા સજા ખમવી પડી. આ સસ્પેન્શનનો અન્ય શિક્ષકોએ વિરોધ કરતા એવી દલીલ કરી કે ટીચર્સ ટ્રેનીંગ પ્રોગ્રામમાં સામેલ થયેલા આ ટીચરોએ રિસેસ વખતે મન વહેલાવવા માટે નાગીન નાચ કર્યો એમાં શું ખોટું કર્યું ? સમગ્ર સૃષ્ટી એ એક તાલબદ્ધ રીતે ચાલતું નૃત્ય જ છે ને? તો પછી ફૂરસદના સમયે નૃત્ય કરીને કોઈ પોતાની કલા પ્રદર્શિત કરે એમાં સજાની સોટી શું કામ ફટકારાય? એટલે જ કહેવું પડે કેઃ
નાગીનની ધૂન પર
જે નાચે અને નચાવે
એને ઉપરવાળો
નિયમોથી બચાવે.
જવાનો માટે પાણી શુધ્ધ કરતી બોટલ
સુરક્ષા દળના જવાનો દુર્ગમ જંગલમાં પેટ્રોલિંગ કરતા હોય અને પાસે જે પાણી હોય એ ખૂટી જાય તો શું કરવું? આજુબાજુ નદી, ઝરણું કે પછી પાણીનું ખાબોચિયું ગોતીને તરસ છીપાવ્યા વિના છૂટકો જ નથી હોતો. પણ આમાં પીવામાં દૂષિત પાણી આવી જાય તો માંદા પડવાનું જોખમ હોય છે. આ સમસ્યાનો ઉકેલ મુંબઈ આઈઆઈટીના વિદ્યાર્થીઓએ ગોતી કાઢ્યો છે એવી બોટલ તૈયાર કરી છે કે ગમે તે જગ્યાએથી એમાં પાણી ભરવામાં આવે ત્યારે થોડીવારમાં ફિલ્ટર થઈ જાય છે.
પાણીનું ધડીકમાં શુદ્ધિકરણ કરતી બોટલો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોને આપવામાં આવશે. ભેજાબાજ વિદ્યાર્થીઓ કેવી કેવી ઉપયોગી શોધ કરતાં રહે છે? થોડા વખત પહેલાં દિલ્હીમાં યોજાયેલા પ્રદર્શનમાં આવી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી અવનવી ચીજો જોવા મળી હતી.
એક લેધર બેગ એવી છે કે એ બેગને ખભે લઈને નીકળ્યા હો અને પાસેના મોબાઈલ ફોનની બેટરી લો થવા માંડે જ્યારે તેને બેગમાં મૂકવાથી ચાર્જિંગ થવા માંડે છે. આ બેગમાં નાનકડી સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે. એટલે બેગની અંદરના સોલાર ચાર્જર સાથે મોબાઈલ ફોનને જોડવામાં આવતા ચાર્જિંગ થવા માંડે છે. વીજળીનો ખર્ચો નહીં અને રસ્તે ચાલતા સાવ મફતમાં મોબાઈલ ચાર્જ થઈ જાય. આને ચાર્જ વિનાનું ચાર્જિંગ કહી શકાય કે નહીં?
લશ્કરમાં મહિલા અધિકારીઓ ૫૪ વર્ષ સુધી ફરજ બજાવશે
સ્ત્રીની ઊંમર અને પુરૂષની આવક ન પૂછાય. કોઈનો જન્મદિન હોય ત્યારે મુબારકબાદી આપવાની સાથે અમર ફિલ્મી ગીત ગાવામાં આવે છે કે તુમ્હે ઔર ક્યા દું મેં દિલ કે સીવા, તુમકો હમારી ઊંમર લગ જાય... જોકે મહિલાઓ વિશે એવી રમૂજ કરવામાં આવે છે કે ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી એમની ઊંમર વધવાની બંધ જ થઈ જાય છે.
પરંતુ ભારતીય સેનામાં નવા વર્ષથી જોડાનારી મહિલાઓને સરકારે ખુશખબર આપ્યા છે. ૨૦૨૦થી જે મહિલાઓ ઓફિસર તરીકે જોડાશે તે ૫૪ વર્ષની ઊંમર સુધી ફરજ બજાવી શકશે. એટલે ટૂંકમાં સ્ત્રીઓ ઉંમરલાયક બને એનો વાંધો નહીં પણ ઉંમરને લાયક દેશની સુરક્ષાની ફરજ બજાવતી રહે એ મોટી વાત છેને? એટલે જ કહેવું પડે છેઃ
નારી જો કભીના હારી
અબ દુશ્મનો કે ઉપર પડેગી ભારી.
કંકોતરી લઈ કાંદાની ખરીદી
કાંદાની કિંમત કેર વર્તાવે ત્યારે અને ભાવ તાવની જેમ ચડવા જ માંડે ત્યારે આમ જનતાની કેવી દશા થાય છે એ શું આ ગાદીપતિઓ જોતા નહીં હોય? ખેડૂતોનો પાક નિષ્ફળ જાય ત્યારે સરકારો કર્જમાફી જાહેર કરતા સહેજ પણ અચકાતા નથી. કારણ ખેતરે ખેતરે એમને વોટ દેખાય છે પણ ગરીબ, નીચલા કે મધ્યમ વર્ગના લોકો કાંદા કે શાકભાજીના ભાવવધારાથી ભીંસમાં આવે ત્યારે શાસકોને એમની ચીસ નહીં સંભળાતી હોય? બિહારના પટનામાં કોઈ સેવાભાવી સંસ્થા તરફથી રાહતના દરે કાંદાનું વેચાણ શરૂ કર્યું હતું. જોતજોતામાં લાંબી લાઈનો લાગવા માંડી આમાં શરત એક જ હતી કે વ્યક્તિદીઠ ફક્ત બે કિલો કાંદા જ અપાતા હતા.
ઘર વપરાશમાં બે કિલો કાંદા પૂરા પડે, પણ જેમને ઘરે લગ્ન પ્રસંગ હોય અને જમણવાર રાખ્યો હોય એ કાંદા વગર શું કરે? એટલે આવા અનેક લોકો દિકરા કે દિકરીના લગ્નની કંકોતરીઓ લઈને કાંદા ખરીદવા પહોંચ્યા હતા. ઘરે લગ્ન છે તેનો પુરાવો તો આપવો પડેને? કંકોતરીનો પુરાવો રજૂ કરી કાંદા ખરીદવા આવેલા લોકોને જોઈને મનમાં વિચાર આવે કે ભવિષ્યમાં એવું ય બને કે કંકોતરીમાં નીચે લખવામાં આવે કે ચાંદલાની પ્રથા બંધ છેઃ યથાશક્તિ કાંદા આપશો તો સ્વીકારવામાં આવશે. ચાંદલો નહીં પણ કાંદાના રૂપમાં 'કાંદલો' સ્વીકારવામાં શું વાંધો હોય?
ગુનેગારના હાથમાં લગ્નની-બેડી
શાદી સ્નેહનું બંધન છે અને ગાદી સત્તાનું બંધન છે. લગ્નમાં બે વ્યક્તિ સ્નેહના બંધનમાં બંધાય છે, એટલે જ મરાઠીમાં તો 'લગ્નાચી બેડી' એટલે કે લગ્નની બેડી એવો શબ્દો પ્રયોગ થાય છે. પણ મધ્ય પ્રદેશમાં લગ્ન કરવા જતા એક ખૂનખાર ગુનેગારના હાથમાં ખરેખર બેડી એટલે કે હાથકડી આવી ગઈ બન્યું એવું કે ૧૫થી વધુ હત્યા અને લૂંટફાટના ગુનામાં સંડોવાયેલો એક માથાભારે ગુંડો પોલીસના હાથમાં ઝડપાતો જ નહોતો. શખ્સ ગુનાખોરી આચરવા ગન ચલાવી ભડાકે દેતો હતો.
રીઢા ગુનેગારને પકડવા માટે મધ્ય પ્રદેશના છત્તરપુરની એક મહિલા પોલીસ ઓફિસર માધવી અગ્નીહોત્રીએ પ્લાન બનાવ્યો. ક્યાંકથી આરોપીનો મોબાઈલ નંબર ગોતી પોતાનું નામ રાધા આપી મીઠી મીઠી વાતો કરી લપેટામાં લીધો. ત્રણ દિવસ સેલફોનમાં પ્રેમાલાપ કરતી રહી અને પછી જ્યારે ગુંડો પ્રેમમાં ગળાડૂબ પડી ચૂક્યો છે એ ખ્યાલ આવ્યો ત્યારે તરત જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
નેકી ઔર પૂછપૂછ? રીઢો ગુનેગાર તરત તૈયાર થઈ ગયો. એક મંદિરમાં લગ્ન કરી લેવાનું નક્કી થયું નિર્ધારિત દિવસે રાધાને પરણવા માટે મનમાં હરખાતો હરખાતો એક જણ આવ્યો. એ જ વખતે ત્યાં સંતાઈને બેઠેલી પોલીસ ટીમે ચારે બાજુથી ઘેરી ઝડપી લીધો પાછળથી મહિલા પોલીસ ઓફિસર પ્રગટ થઈ અને બોલી 'તુમ્હારી રાધા આ ગઈ...' આ વાક્ય સાંભળતાની સાથે જ ગુનાખોર ચોંકી ઊઠયો. ગનમાંથી ધડાધડ ગોળીબાર કરતો ગુનાખોર 'લ-ગન'ની જાળમાં આબાદ ફસાઈ ગયો.
પંચ-વાણી
ઝાડીમાં દીપડો
ગાદીમાં કૂ-દી-પડો.