મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
કોઈ પક્ષ વગરના રાષ્ટ્રીય 'પક્ષી'ની વધતી આબાદી
મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે.... મેઘાણી યાદ આવી જાય એવાં સમાચાર રાજસ્થાનથી ઊડતાં ઊડતાં આવ્યા છે. રાજસ્થાનમાં છેલ્લાં દસ વર્ષમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા ૩૫ હજાર વધી છે. બાડમેરમાં તાજેતરમાં જ મોરની વસતી ગણતરી થઈ એમાં આ સુખદ હકિકત સામે આવી છે.
દસ વર્ષ પહેલાં બાડમેરમાં મોરની સંખ્યા લગભગ ૫૦ હજારની આસપાસ હતી. તાજેતરમાં ગણતરી થઈ ત્યારે મોરની સંખ્યા વધીને ૮૫,૩૨૧ ઊપર પહોંચી છે. મોર એન્ડ મોર 'મોર' બરાબરને? રમૂજમાં ઘણાં કહેતા હોય છે કે મોર કળા કરે ત્યારે પાછળથી ઊઘાડો દેખાય. પણ એ તો જુદા જુદા પક્ષના આપણાં રાષ્ટ્રીય પક્ષીઓ (નેતા)નું પણ એવું જ છેને? કયારેક 'કળા' કરવા જાય ત્યારે પાછળથી ઉઘાડા જ પડતા હોય છે ને?
ખાતાની ખેંચતાણ
કયાંક કાણ છે તો
કયાંક મોકાણ છે
ગાદી મળ્યા પછી પણ
ખાતાની ખેંચતાણ છે
આ દેશમાં લોકશાહીનો ઊદય થયો ત્યારથી જે પક્ષની સરકાર રચાય ત્યારે ખાતાની ખેંચતાણ થતી જ હોય છે. સહુને રસદાર અને કસદાર ખાતા જોઈએ. ખાતા માટે ખાંડાના ખેલ ખેલાય, ખાતા માટે ખેંચાખેંચી થાય અને ખાતા ખાતર ખાનાખરાબી થાય. મેં એકવાર લખ્યું હતું ને કે કોઈએ સવાલ કર્યો કે આ પ્રધાન- મંડળમાં કેટલાં ખાતા હોય છે? ત્યારે જવાબ મળ્યો કે ઘણાં 'ખાતાં' હોય છે.
સહુને ખાતાની જ લાલચ હોય છે. જનતાનું ભલું થાય, ગરીબોનો ઉધ્ધાર થાય કે પછી બાલ- કલ્યાણ થાય એવાં ખાતા કેમ ઝટ પસંદ કરવામાં નહીં આવતા હોય? એમાં કસ ન હોય એટલે કોઈને રસ ન હોય. દે ખાતા .... દે.... ખાતા કહી જે ખેંચતાણ કરે એ જનતાની નજરથી છાના થોડા જ રહે? દે ખાતા... દે ખાતા કરે એવાં જ કૈંક દે-ખાતા. મનગમતા ખાતા મળે એ ખુશ થઈ ગાતા રહેઃ 'ખાતા' રહે મેરા દિલ તૂહીં મેરી મંઝીલ હો... કહી બીતે ના યે રાતે કહીં છૂટે ના યે ખાતે...
કબ્રસ્તાનમાંથી શબની ચોરી
રાજ કપૂરની 'ચોરી ચોરી' ફિલ્મના ટાઈટલની યાદ અપાવે એમ ચારે તરફ બસ ચોરી જ ચોરી ચાલે છે. કયાંક ધનની ચોરી તો કયાંક ધૂનની ચોરી, કયાંક નાણાંની ચોરી તો કયાંક ખાણાંની ચોરી, કયાંક રિક્ષામાં ચોરી તો કયાંક ઘાટમાં ચોરી, કયાંક વીજળીની ચોરી તો કયાંક પાણીની ચોરી, કયાંક મહામૂલા દાગીનાની ચોરી તો કયાંક મોબાઈલની ચોરી. બસ આમ જાત જાતની ચોરી ચાલુ જ છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં હમણાં કોઈને કલ્પના ન હોય એવી ચોરી થઈ. બુલંદશહેર જિલ્લાના એક ગામના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવેલા શબની કોઈ ચોરી કરી ગયું. ગામલોકોએ જઈને જોયું તો કબર ખોદીને કોઈ શબચોરી ગયું હતું. ઉહાપોહ મચી ગયો.
વધુ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે બીજી પણ કેટલીક કબરો ખોદી નાખવામાં આવી હતી. લોકો એવાં ગભરાયા કે આ કબ્રસ્તાનમાં દફનાવેલા પોતાના સ્વજનોના મૃતદેહ કોઈ ચોરી ન જાય માટે રાત્રે વારાફરતી પહેરો દેવાનું શરૃ કર્યું છે. કેટલાક તો યુ.પી.ની ભગવી સરકારને નિશાન બનાવી કહે છે પણ ખરા કે આ રાજમાં મરેલા સલામત નથી ત્યાં જીવતાની શું વાત કરવી?
યુવાન ખેડૂતોની 'વાંઢાજનક' સ્થિતિ
જય જવાન જય કિસાનનું સૂત્ર લાલબહાદુર શાસ્ત્રીજીએ આપ્યું. ખેડૂત જગતનો તાત કહેવાય છે. પરંતુ ખેતીપ્રધાન દેશની કેવી વિડંબના કહેવાય કે મહારાષ્ટ્રના કિસાનોની આત્મહત્યા માટે વગોવાયેલા ક્ષેત્રમાં કન્યાઓ ભાવી ભરથાર તરીકે ખેડૂત પસંદ નથી કરતી. એક જમાનો હતો જ્યારે કોઈ વ્યક્તિની હૈસિયત કેટલી છે તેનું અનુમાન તેની પાસે કેટલી ખેતીલાયક જમીન છે તેની ઉપરથી કરવામાં આવતું હતું.
એ જમાનામાં ખેતીને ઉત્તમ, વેપારને મધ્યમ તથા નોકરીને નિકૃષ્ટ માનવામાં આવતી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં પણ ધરતીપુત્રોની જે બેહાલી થઈ છે, દેવાના ડુંગર ખડકાય છે અને છેવટે કર્જમાંથી છૂટવા ગળાફાંસ ખાઈને કે ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પીને આત્યહત્યા કરે છે તેને લીધે રાજ્યની પરણવાલાયક યુવતીઓ બને ત્યાં સુધી જીવનસાથી તરીકે ખેડૂતને પસંદ કરવાનું ટાળે છે.
આ કન્યાઓ કહે છે કે અમને સરકારી કચેરીનો ચપરાસી હશે એ પણ ચાલશે, બાકી ખેડૂત ન જોઈએ. એક સર્વેમાં આ હકિકત સામે આવી હતી. આને લીધે મહારાષ્ટ્રના અનેક પરણવાલાયક કિસાનો પરણ્યા વિનાના રહી ગયા છે. આ વાંઢા-જનક સ્થિતિમાંથી બહાર આવવા માટે યુવાનો સરકારી કે ખાનગી કંપનીમાં જ્યાં મળે ત્યાં નોકરી શોધવા લાગ્યા છે. કારણ નોકરી મળે તો છોકરી મળે. જોઈ દોલાઈના કહેવી પડે કેઃ
છોડો ખેતી-વાડી તો મળે લાડી
શોધો પહેલાં નોકરી તો મળે છોકરી.
દેશનું એકમાત્ર વ્યસનમુક્ત ગામ
ભલે જાય જાન પણ છૂટે નહીં ધૂમ્રપાન.... સિગારેટ, બીડી કે હુક્કો પીનારાઓને જોખમ સામે ગમે એટલી વાર ચેતવવામાં આવે છતાં લત છોડી નથી શકતા એટલે જ આવાં બંધાણીઓને જોઈ હાથ બનાવટનો દુહો યાદ આવેઃ
અનુકૂલ રીતી સદા ચલી આઈ
પ્રાણ જાય પર વ્યસન ન જાય
દેશભરમાં તમને આવાં ફૂંકણશીઓ ભટકાય છે. ફક્ત એક જ એવું નાનું ગામ છે જ્યાં કોઈ સિગારેટ કે બીડી નથી ફૂંકતું કે તમાકું નથી ખાતું. દેશનું આ એકમાત્ર વ્યસનમુક્ત ગામ હરિયાણાના રેવાડીથી ૩૦ કિલોમીટરને અંતરે આવેલું છે.
જેનું નામ છે ટીકલા. હરિયાણા અને રાજસ્થાનની સીમા પરના આ નાના ગામમાં નાનાથી માંડી મોટેરા કોઈ જ સિગારેટ- બીડી નથી પીતું. ગામમાં કોઈને ત્યાં બહારગામથી સગાસંબંધી આવે તો પહેલાં જ સૂચના આપી દેવામાં આવે છે કે ટીકલામાં રોકાવ એ દરમિયાન સિગારેટ કે બીડી ફૂંકવાની નહીં. કોઈ અજાણ્યો માણસ ગામમાં દાખલ થાય ત્યારે પહેલો સવાલ એ કરવામાં આવે છે કે તમારી પાસે કોઈ સિગારેટ બીડી છે? જો હોય તો ખાલી કરાવવામાં આવે છે.
ભોળા ગ્રામજનો બાબા ભગવાનદાસજીની સમાધીના દર્શને જાય છે અને વ્યસનમુક્ત જીવન વિતાવે છે. ગામમાં એક પણ પાન-બીડીની દુકાન જ નથી. જયપુરથી ઠેઠ દિલ્હી સુધી આ વ્યસનમુક્ત ગામની ગણના આદર્શગ્રામ તરીકે થાય છે. એટલે એમ કહી શકાય કે વાર- તહેવારે આખું ગામ ધૂમાડાબંધ જમાડવામાં આવતું હશે, બાકી ગામમાં કોઈના મોઢામાંથી ધૂમાડા નીકળતા જોવા નથી મળતા.
પંચ-વાણી
આંદોલન વખતે તંગદિલી
સંક્રાંત વખતે પ-તંગદિલી