ભોપાલનું નામ ભોજપાલ થશે?
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
નામબદલુઓ ગામ અને શહેરના નામ બદલવા પાછળ આદુ ખાઈને પડયા છે. અલાહાબાદનું પ્રયાગરાજ, બેંગ્લોરનું બેંગલૂરૂ, બેલગામનું બેળગાવી કરી નાખવામાં આવ્યું. અમદાવાદનું કર્ણાવતી કરવાના પ્રયાસ ચાલુ જ છે. નામકારણની પાછળ પણ ખેલાતા રાજકારણ વચ્ચે થોડા વર્ષો પહેલાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનું નામ બદલી ભોજપાલ કરવાના પ્રયાસ સામે કોંગ્રેસ અને સામ્યવાદીઓએ વિરોધ કર્યો હતો એ ઘટના યાદ આવે છે.
મધ્ય ભારતની ભૂમિ પર રાજ કરી ગયેલા મહાન રાજા ભોજનું નામ ભોજપાલ કરવાની હિલચાલ થઈ હતી તેની સામે વિરોધ દર્શાવનાર કોંગ્રેસ પાર્ટી જ અત્યારે સત્તાસ્થાને આવી છે. એટલે નામ બદલશે કે નહીં એ સવાલ છે. સ્થાનિક જાણકારોના કહેવા મુજબ ઈ.સ. ૧૪૩૦માં રાજા ભોજે ભોપાલનું તળાવ બનાવ્યું હતું અને ભોજપાલ શહેર વસાવ્યું હતું.
જોકે ઈતિહાસના જાણકારોએ એવો પણ દાવો કર્યો હતો કે ઈતિહાસમાં ચૌદ ભોજ રાજાનો ઉલ્લેખ છે. તો આમાંથી કયા ભોજરાજાનું નામ શહેરને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે? કયાં રાજા ભોજ અને ક્યાં.... આ રાજકારણનો બોજ.... રામ નામ સત્ય હૈને બદલે ગામ નામ સત્ય હૈ.... એવું રટણ કરતા રાહ જોવાની કે ક્યારે નામની નનામી નીકળે છે.
આઝાદીના લડવૈયાઓને અયોધ્યાના મંદિરોએ આશ્રય આપ્યો હતો
આઝાદ ભારતમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાને મુદ્દે દાયકાઓથી રાજકારણ ખેલાય છે અને મંદિરના વિરોધીઓ વિરોધના વાવટા ફરકાવતા રહે છે. પણ અંગ્રેજ હકૂમત સામે સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સૈનિકો અને ક્રાંતિકારીઓ માટે એ વખતે અયોધ્યાના મંદિરો અને અખાડા સંતાવા માટેના સલામત સ્થાન બની રહ્યાં હતા.
અયોધ્યાના ઐતિહાસિક હનુમાન ગઢી, ખાખી અખાડા અને અન્ય મંદિરોમાં ક્રાંતિકારીઓ છૂપાઈ જતા હતા અને શસ્ત્રો પણ સંતાડી દેતા હતા. જાણકારોના કહેવા મુજબ તત્કાલિન અયોધ્યા નરેશ અંગ્રેજ હકૂમત તરફી હતા. એટલે રાજાથી પણ બચીને રહેવું પડતું હતું.
આમ ક્રાંતિકારીઓને આશ્રય આપવામાં તેમજ તેમને સહાય કરવામાં એ વખતે મંદિરો અને અખાડાઓએ બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. આજે તો રામ મંદિરને મામલે રાજકારણના અખાડામાં ધમાધમી ચાલી રહી છે. વિચારવંતો કહે છે ને કે રાજકારણ ફેરવાય જ્યારે અખાડામાં ત્યારે સંભાળવું પડે, નહીં તર બધું જાય ખાડામાં.
ઝારખંડમાં રોજ ઝંડાવંદન
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.... ૨૬મી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે ચારે તરફ ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના ગીતો ગુંજી અને ગાજી ઊઠે છે. રાષ્ટ્રીય પર્વ પૂરો થાય એટલે પછી સહુ પોતપોતાના કામે લાગી જાય છે. પરંતુ ઝારખંડના ટાના સમાજના લોકો આજે પણ દરરોજ તિરંગા ઝંડાનું પૂજન કરીને લહેરાવે છે. ભારતની આઝાદીની લડતમાં આ ઈલાકાની જનજાતિએ ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
એ વખતે એક નેતા થઈ ગયા. એમનું નામ હતું જતરા ભગત. આ જતરાભગતના સમર્થકોની વધતી જતી સંખ્યા અને લોકપ્રિયતા જોઈ દાઝે ભરાતા અંગ્રેજ સત્તાધીશો તેમને જાહેરમાં તાના (મ્હેણા) મારતા હતા. આના પરથી તેમનુું નામ ટાનાભગત પડી ગયું. ૧૯૧૪માં ટાના ભગત ગામે ગામ ફરી માસ- મદિરાનો ત્યાગ કરવાની આહલેક જગાવતા હતા. અંગ્રેજો સામે જોરદાર અસહકાર આંદોલન ચલાવ્યું હતું.
આઝાદીની લડતમાં ભાગ લેવા માટે ૧૯૧૬માં તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કહેવાય છે કે મહાત્મા ગાંધીજી જ્યારે રાંચી ગયા ત્યારે તેમની મુલાકાત ટાના ભગત સાથે થઈ હતી. ગાંધીજી પણ ટાનાભગતના અસહકાર આંદોલનથી પ્રભાવિત થયા હતા. ગાંધીબાપુને મળ્યા પછી ટાના ભગત અને તેમના અનુયાયીઓએ ખાદીના વસ્ત્રો અને ગાંધીટોપી પહેરવાનું શરૂ કર્યું હતું.
એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ ટાના ભગતનું જેલવાસ વખતે અપાયેલી યાતનાને લીધે મૃત્યુ થયું હતું. આ ટાનાભગતે જગાવેલી દેશભક્તિની જયોત આજે પણ તેમના સમુદાયયો જલી રહી છે. દરેક ઘરમાં ગાંધીજીની છબીની અને તિરંગા ઝંડાની શ્રધ્ધાપૂર્વક પૂજા થાય છે. તેઓ દેશભક્તિના રણકાર સાથે કહે છેઃ
તિરંગા દેશ કી શાન હૈ
તિરંગા દેશ કી જાન હૈ
જૂઠ બોલે કૌઆ કાટેઃ સાચુ બોલાવવા મશીન
જૂઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીયો.... આરોપીઓ હોય કે પછી નેતાઓ હોય. કાગડા ચાંચ મારશે એવી બીક રાખ્યા વિના જૂઠ પર જૂઠ બોલતા જ રહે છે. કોઈ આરોપીના મોઢેથી સાચું બોલાવવા માટે લાય ડિટેકટર ટેસ્ટ થાય છે. જોકે આરોપીની મંજૂરીથી જ આ ટેસ્ટ થઈ શકે છે. આરોપીને ફોરેન્સિક લેબમાં લઈ જવામાં આવે છે.
તેના માથા પર, છાતી પર અને કાંડા ઉપર ખાસ ઉપકરણો લગાડવામાં આવે છે. પછી તેને એક પછી એક સવાલ પૂછવામાં આવે છે. આરોપી તેના જવાબો આપે ત્યારે તેના હૃદયના ધબકારામાં થતા ફેરફારનું માપ કાઢી સાચો જવાબ આપે છે કે ખોટો એનું માપ કાઢવામાં આવે છે. પણ હવે દિલ્હી સરકારની ફોરેન્સિક લેબમાં ઈઝરાઈલથી જૂઠાણું પકડવા માટે અત્યાધુનિક મશીન લાવવામાં આવ્યું છે. એટલે હવે આરોપીને લેબમાં લઈ જવાની જરૂર નહીં પડે.
આરોપી જવાબ આપે ત્યારે તેના અવાજનું રેકોર્ડિંગ કરીને તરત તેનું વિશ્લેષણ કરી મશીન દ્વારા ખબર પડી જશે કે તે સાચું બોલે છે કે ખોટું. લાય ડિટેકટર દ્વારા કરાતી ટેસ્ટ કરતાં આ વિદેશથી આયાત કરવામાં આવેલું મશીન વધુ સચોટ રીતે સાચા- ખોટાના પારખાં કરશે. જુઓ તો ખરાં? સૌથી પહેલું મશીન ક્યાં ગોઠવાયું છે? દિલ્હીમાં. આજ દિલ્હીમાં રોજેરોજ જૂઠ્ઠાણા પર જૂઠ્ઠાણા ફેલાવવામાં આવતા હોય છે. આપણાં રાજકારણમાં જે જૂઠાણાં ચલાવવામાં આવે છે એ પકડી પાડે એવાં મશીનો ક્યારે બનશે?
વૃક્ષોમાં સેન્સર લગાડી કાપણી સામે રક્ષતા શિક્ષક
વૃક્ષ એજ જીવન છે... ઝાડ કપાય ત્યારે જીવ કપાય.... છોડમાં રણછોડ છે.... વૃક્ષોના કપાતા બચાવવા માટે આવાં સૂત્રો ઠેર ઠેર વાંચવા મળે છે. પણ આ સૂત્રો જીવનમાં ઊતારી ખરેખર વૃક્ષોને કપાતા બચાવવાની હામ ભીડે એવાં વિરલા જ હોય છે. મહારાષ્ટ્રના એક સાવ ખોબા જેવડા ગામડાની જિલ્લા પરિષદની સ્કૂલના શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સહાયથી વૃક્ષ- બચાવ ઝુંબેશ આદરી છે.
રણજિત દિસલે નામના માઢા તાલુકાના અકુંભે ગામના શિક્ષકે ગામડાની આસપાસના વૃક્ષોમાં સેન્સર બેસાડયા છે. સેન્સર બેઝડ ક્વિક રિસ્પોન્સ (કયુઆર) કોડને લીધે કોઈ માણસ ઝાડ કાપવાનો પ્રયાસ કરે કે તરત જ ગ્રામજનોના મોબાઈલમાં 'એલર્ટ'ની ઘંટડી રણકી ઊઠે છે. આથી તેઓ જે વૃક્ષ કાપવાની કોશિશ થતી હોય ત્યાં દોડી જાય છે.
ઝાડ કાપવાનો પ્રયાસ કરતા જે વ્યક્તિ પકડાય તેણે દંડરૂપે પાંચ ઝાડ વાવવા પડે છે. સેન્સરથી વૃક્ષ સુરક્ષાના આ અનોખા 'યજ્ઞા'ને લીધે દિસલે અને તેમનાં વિદ્યાર્થીઓની સેનાએ ગામડાની આસપાસમાં ૨૬ ટકા હરિયાળી હતી તેમાંથી ગ્રીન કવર એટલે કે હરિયાળુ આચ્છાદાન વધારીને ૩૩ ટકા કરી નાખ્યું છે.
આ વૃક્ષરક્ષકની કદર કરી નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીએ તેને નેશનલ જ્યોગ્રાફિક ઈનોવેટીવ એજયુકેટર એવોર્ડ એનાયત કર્યો છે. પણ આ શિક્ષક માને છે કે તેને માટે તો હરિયાળી વધતી જાય અને વૃક્ષો રક્ષાય એજ મોટામાં મોટું ઈનામ છે. એક- એક ઘટાદાર વૃક્ષ તેને માટે ટ્રોફી છે. આ રીતે દેશભરમાં વૃક્ષોની અંદર સેન્સર ગોઠવાય તો કરોડો વૃક્ષોને કપાતા બચાવી શકાય કે નહીં?
પંચ- વાણી
સઃ રાજકારણમાં કયુ પીણું માનીતું છે?
જઃ મોકા- કોલા