'જય જવાન જય કિસાન' લાલબહાદુર શાસ્ત્રીએ આપેલું આ સૂત્ર યાદ આવતાની સાથે જ દેશભક્તિનું ગીત હૈયામાં ગુંજવા માંડે છેઃ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે-મોતી મેરે દેશ કી ધરતી... જવાનો જાનની પરવા કર્યા વિના દેશની રક્ષા કરે છે અને કિસાનો ટાઢ-તાપની પરવા કર્યા વિના દેશને માટે ધાન ઊગાડે છે.
પણ દેશના સીમાવર્તી વિસ્તારોમાં કિસાનો પણ વરદી વગરના સિપાહીની જેમ જવાનો સાથે ખભેખભા મિલાવી સીમાની રક્ષા કરવામાં સાથ આપે છે. જમ્મુ-કાશ્મીરમાં ભારત અન ેપાકિસ્તાન વચ્ચેની ૨૧૦ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પર વસતા લગભગ ચાર લાખ ખેડૂતો સીમાના પ્રહરીની ફરજ બજાવે છે. જમ્મુ જિલ્લાના કઠુઆથી લઈને પ્લાંવાલા વચ્ચે સેંકડો ખેતરો આવેલા છે. દુશ્મન પાકિસ્તાન તરફથી કરવામાં આવતા તોપમારા અને ગોળીબાર વચ્ચે આપણાં આ કિસાનો હિંમતથી ખેડાણ કરે છે.
આ સીમાવર્તી વિસ્તારમાં ચિનાબ અન ેરાવી નદીના પાણીથી જે બાસમતી ચોખા ઉગાડવામાં આવે છે તે દેશભરમાં મશહૂર છે, આ ખેડૂતો સેનાના જવાનો સાથે મળીને સુરક્ષાની ફરજ પણ બજાવે છે. આ બહાદુર જવાનો અને કાબેલ કિસાનોને જોઈ શાસ્ત્રીજીના સૂત્રમાં થોડો ઉમેરો કરી શકાયઃ જય જવાન જય કિસાન.... દુશ્મનોને બનાવે નિશાન.
રમકડાની ગનથી ગુનાખોરી
જ્યારે સળગતા કાશ્મીરમાં આતંકવાદી પીઠબળ ધરાવતા ટેરરિસ્ટો એ.કે.૪૭ ગન સાથે ત્રાટકીને ખાનાખરાબી કરતા રહેતા હતા. હવે તો કાશ્મીરમાંથી ૩૭૦ કલમ નેસ્તનાબૂદ કરવામાં આવ્યા પછી આતંકવાદી હિંસાચાર કાબૂમાં આવ્યો છે. પણ એ.કે.૪૭ રાઈફલ અને બીજા ઘાતક શસ્ત્રોના નામ કાશ્મીરમાં નાનાથી લઈને મોટા સુધી સહુની જીભે રમે છે. બસ, આ જ વાતનો લાભ લઈને શ્રીનગર વિસ્તારમાં એક લૂંટારૂ ગેન્ગ એ.કે.૪૭ ગન દેખાડી હાઈવે ઉપરથી પસાર થતી ટ્રકોને લૂંટવા માંડી. ઉપરાઉપરી લૂંટની વારદાતને લીધે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું.
પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું અને આ ગેન્ગને ઝબ્બે કરવા કમર કસી પોલીસની મહેનત રંગ લાવી અને એ.કે.૪૭ રાઈફલો સાથે ત્રણ રીઢા લૂંટારા ઝડપાઈ ગયા. આ ત્રણને પકડતી વખતે ક્યાંક ગનમાંથી ગોળીબાર ન કરી બેસે તેની સાવચેતી રાખવામાં આવી પણ જ્યારે ત્રણેયને પકડીને પોલીસે એમની એ.કે.-૪૭ ગન જપ્ત કરી ત્યારે ખબર પડી કે આ ગન તો રમકડાની હતી. ગણતંત્રના રક્ષક પોલીસો સામે રમકડાની ગન વાપરતા ગુનાખોરોનું 'ગન-તંત્ર' ક્યાંથી કામ આવે?
શ્વાન ટુકડી માટે બુલેટપ્રૂફ જેકેટ
શ્વાન-પથક ભારતીય સેનાની શાન છે. શ્વાન સેનાનું નાક છે. કારણ કે જર્મન શેફર્ડ નસલના આ ખતરનાક શ્વાન નાકથી સૂંઘીને જમીનમાં દાટેલી સૂરંગ અને વિસ્ફોટકો શોધી જવાનોનો જીવ બચાવે છે. જે શ્વાન જવાનોનો જીવ બચાવતા હો. એ શ્વાનનો જીવ બચાવવા માટે કાળજી લેવી જ પડેને? એટલે જ રણમોરચે ગોળીબાર વચ્ચે અને બોમ્બના ધૂમધડાકાની પરવા કર્યા વિના ડયુટી બજાવતી આ ડોગ-સ્કવોડને બુલેટ પ્રૂફ જેકેટ પહેરાવવામાં આવે છે.
આ જેકેટમાં વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ થઈ શકે એવાં શક્તિશાળી વિડિયો અને ઓડિયો કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. ખુદનો જીવ જોખમમાં મૂકી રણમોરચે જવાનોનો જાન બચાવવાની કપરી ફરજ બજાવતા આ ચાલાક ચોપગા રક્ષકોની કમાલ જોઈને કહેવું પડે જય જવાન જય કિસાન જય શ્વાન...
એક જ પરિસરમાં મસ્જિદ અને ગુરુદ્વારા
મઝહબ નહી સીખાતા આપસ મેં બૈર રખના... હિન્દી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તા હમારા... ઈકબાલની આ અમર પંક્તિ સાચી પાડી છે પંજાબના ફતેગઢ સાહેબની પવિત્ર ભૂમિના મહદિયા ગામે આ જગ્યાએ એક જ પરિસરમાં ગુરુદ્વારા અને મસ્જિદ આવેલી છે. ફતેહગઢ સાહેબમાં એક જ વિશાળ પ્રાંગણમાં મસ્તગઢ સાહેબ ગુરુદ્વારા છે અને ૩૦૦ વર્ષ પુરાણી સફેદ ચિતયાં મસ્જિદ પણ છે.
મસ્જિદની સફાઈથી માંડીને સમારકામ અને જાળવણીની જવાબદારી ગુરુદ્વારાના ગ્રંથી જીતસિંહ નિભાવે છે. ગાયક વડાલી બંધુના ગીતનો ભાવાર્થ યાદ આવી જાય છે કે ઉડતા પંખીઓ (પરિંદા)નો કોઈ ધર્મ નથી હોતો. આ પંખીઓ તો ઉડીને ગુરુદ્વારાના ગુંબજ ઉપર બેસે છે તો ક્યારેક મસ્જિદના મિનારા પર પણ બેસે છે. સર્વધર્મ સમભાવી આવી મિશાલ જોઈને કહેવું પડે કે તોડે એ નહીં પણ જોડે એ સાચો ધર્મ.
આખું ગામ શાકાહારી
માંસાહાર કરતા લોકોનું પેટ ભરવા બેફામ હિંસાચાર થયા છે મુંબઈના દેવનાર કતલખાતાની જ વાત કરીએ તો રોજ સેંકડો ચોપગા ઉપર ઈલેક્ટ્રિક કરવત ફરે છે. શહેરોમાં ચિકનપ્રેમીઓ માટે રોજ સેંકડો મરધા કપાય છે. પેટમાં માંસ પધરાવતા લોકોના પેટ જનાવરના કબ્રસ્તાન બની જાય છે.
માંસાહાર સામે દુનિયાભરમાં ઝુંબેશ ચાલે છે. હવે તો વિગન ફૂડ ખાનારાઓ તો પ્રાણીજન્ય દૂધ, માખણ, ચીઝ અને દહીં પણ નથી ખાતા. માંસાહાર કરતા લોકો માટે મિસાલરૂપ બની રહે એવું એક ગામ છે નવાદાના નારદીગંજ પ્રખંડની ડોહડા પંચાયતનું મોતના જે ગામ આખું જ ગામ શાકાહારીઓનું છે.
મટન, ચિકન કે માછલી કોઈ જ ખાતું નથી બધા જ શાકભાજી, દાલ ચાવલ, કઠોળઅને દૂધ ખાઈને તાજામાજા અને તંદુરસ્ત રહે છ.ે સદીઓથી આ ગામમાં શાકાહારની પરંપરા ચાલી આવે છે લોકો માને છે કે આપણી ભૂખ ભાંગવા મૂંગા પ્રાણીઓનો જીવ થોડો જ લેવાય? પૂર્વજોએ શાકાહારની જે પરંપરા શરૂ કરી હતી તેને નવી પેઢીએ પણ ચાલુ જ રાખી છે એ મોટી વાત છે. શાકાહારી હોવાનું બીજું મોટું કારણ એ છે કે ગામના મોટા ભાગના લોકો શિક્ષિત છે એટલે માંસાહારથી થતી હિંસાથી જ નહીં પણ માંસાહારથી માનવ શરીર કઈ રીતે બીમારીનું ઘર બની જાય છે એ હકીકતથી વાકેફ છે. એટલે જ આ ગામ શાકાહારનો વાવટો ફરકાવતું ખડું છે. આ જોઈ કહેવું પડે કે
ખાનામાં ન હોય ખરાબી
પછી શરીરની ક્યાંથી થાપ ખાના-ખરાબી
પંચ-વાણી
સાચને ન આવે આંચ
લાંચને ન વાગે ચાંચ


