Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

પોપટ બન્યા અફિણના બંધાણી

Updated: Mar 14th, 2019

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image


તારી આંખનો અફિણી... કોેઈ ખૂબસૂરત  યુવતીની આંખમાં અફિણ જેવો નશો હોય ત્યારે  આવાં ગીત ગવાય.  પણ જો કોઈ પાસે અફિણ હોય અને પોલીસની ચકોર આંખ એ નશીલા અફિણને પકડી પાડે તો કેવી દશા થાય? ઘણાં માણસોને અફિણનો નશો કરવાનું  બંધાણ હોય છે. પણ ઉડતા પક્ષીઓને અફિણની લત લાગે  એવું  સાંભળીને જ આશ્ચર્ય થાય.

આ નશેડી  પક્ષીઓ રાજસ્થાનમાં  અફિણ ઉગાડતા ખેડૂતો માટે ત્રાસરૂપ બની ગયા છે. ઉદયપુર પાસે ગ્રામીણ વિસ્તારમાં અફિણના ખેતરોમાં અત્યાર સુધી નીલગાયનો ત્રાસ હતો.  પણ એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ હવે અફિણના બંધાણી બની ગયેલા પોપટ અને બીજા પક્ષીઓની સમસ્યાનો ખેડૂતો સામનો કરી રહ્યા છે.

પોપટના ઝૂંડ  ખેતરોમાં  ઉતરી પડે છે અને અફિણના ડોડા ખાઈને પછી મસ્તીમાં ઉડી જાય છે. દારૂડિયાઓ પીઠામાંથી જેમ બોટલ ખરીદીને ઘરે લઈ જાય એમ કેટલાક પોપટો એફિણના ડોડાનું 'પાર્સલ' ભેગું લઈ જાય છે. અફિણના ખૂબસૂરત ફૂલથી  આકર્ષાઈને  પોપટ આવે છે અને પછી અફિણનો  એવો તો ચટકો ચાંચે લાગી જાય છે કે વારંવાર  આવવા માંડે છે.

હેરાન પરેશાન થઈ ગયેલા ખેડૂતોએ આ અફિણના બંધાણી પોપટોથી પાકને બચાવવા માટે ખેતરની ઉપર પાતળી  પ્લાસ્ટિકની જાળી ઢાંકવાનું  શરૂ કરી દીધું છે. માણસને વ્યસનમુખી કરવા માટે ઘણાં ઈલાજ અજમાવાય છે અને નશાબંધીનો પ્રચાર કરતા  સંગઠનો પણ જાગૃતિ  ઝુંબેશ ચલાવે છે. પણ ઉડતા પોપટને અફિણના બંધાણમાંથી કોણ  છોેડાવે? કોઈ માણસના મોતિયા મરી જાય એ માટે હિન્દીમાં  શબ્દ પ્રયોગ છે  કે ઉસકે તો તોતે  ઉડ ગયે... પણ અફિણ ઉત્પાદકોના તો પોપટને  જોઈને તોતા ઉડી જાય છે.

લાંચમાં કેશને બદલે ભેંસ
ખેડૂત જગતનો તાત કહેવાય છે. 'જય જવાન જય કિસાન'ના નારા લગાવવામાં આવે છે. દેશ કી આન બાન ઔર શાન હમારે કિસાન... એવું ગર્વથી કહેવામાં આવે છે. પણઁ ખરેખર આ દેશના અગણિત કિસાનો કેવી દયનીય દશામાં જીવે છે? ે કર્જમાફીની મોટી મોટી જાહેરાતો થાય છે અને કર્જમાફી અપાય પણ છે, છતાં કિસાનોની આત્મહત્યાનો સિલસિલો થંભ્યો નથી. 

મધ્ય પ્રદેશના આવા જ એક ખેડૂત પોતાની જમીનના નામાંતરણ માટે સરકારી કચેરીના ધક્કા ખાતો હતો ખેડૂતે એવો આક્ષેપ કર્યો કે  સરકારી બાબુએ નામાંતરણ માટે મોટી રકમની લાંચ માગી. હવે જેની પાસે ફૂટી કોડી પણ ન હોય એ ક્યાંથી હજારો રૂપિયા આપે? હતાશ અને લાચાર ખેડૂતે ગાંધીગીરી અપનાવી. ઘરમાં એકની એક ભેંસ હતી તેને દોરીને તહેસીલદાર કચેરીએ પહોંચ્યો. કચેરીના  કમ્પાઉન્ડમાં સરકારી બાબુની જીપ પાર્ક કરેલી હતી તેની આગળ ભેંસ બાંધી દીધી.

સરકારી બાબુ દોડીને બહાર આવ્યા અને તાડૂક્યા કે આ બધું શું નાટક છે? ખેડૂતે હાથ જોડી ગળગળા સાદે કહ્યું કે 'સાહેબ, મારી પાસે તમને આપવા માટે આ એક ભેંસ સિવાય બીજું કંઈ નથી બચ્યું.  હવે તો જમીનનું નામાંતરણ કરો?' ગાંધીગીરી નહીં આ અનોખી ભેંસગીરીના નુસ્ખાની  અસર થઈ અને વાત ઠેઠ ઉપર સુધી પહોંચી. આ મામલે  તપાસના ચક્રો પણ ગતિ માન થયા. દેશ એવો વેશ કહેવત જરા ફેરવીને કહી શકાય કે હાથમાં નહીં કેશ એટલે લાંચમાં આપી ભેંસ.

ઓળીઝોળી પીપળ પાન ફોઈએ પાડયું મિરાજ નામ
ઓળીઝોળી પીપળ પાન ફોઈએ પાડયું મિરાજ નામ... મિરાજ નામ જાણીતું લાગે છેને? લાગે જ ને? ૨૬મી ફેબુ્રઆરીએ ભારતીય હવાઈ દળનાં યુદ્ધ વિમાનોએ  પાકિસ્તાની  સીમામાં ઘૂસી જૈશ-એ-મોહમ્મદના  આતંકવાદી   મથકને   નેસ્તનાબૂદ કરી નાખ્યું એ મિશન પાર પાડવામાં મિરાજ પ્લેને મોખરાની    ભૂમિકા ભજવી હતી.  ભારતીય વિમાનોએ પાકિસ્તાની  સીમામાં જઈ બોમ્બ વરસાવ્યા એ જ વખતે રાજસ્થાનના નાગોર જિલ્લાના  દાબદા ગામે   મહિલાએ પુત્રને જન્મ આપ્યો.  

હવાઈ દળની   કામગીરી ૩.૩૦ વાગ્યે શરૂ થઈ હતી અને ૨૧ મિનિટમાં  કામ તમામ કરી નાખ્યું હતું. ૩.૪૦ વાગ્યે પ્રસૂતાને પુત્ર અવતરતા પરિવારે  તેનું નામ રાખી દીધું મિરાજ સિંહ. પરિવારનો એક સભ્ય  એરફોર્સમાં  હોવાથી ફાઈટર પ્લેનના નામથી સહુ વાકેફ હતા. એમાં જ્યારે  સવારે સમાચાર મળ્યા કે  મિરાજ વિમાને તો  તરખાટ મચાવી દીધો અને પાકિસ્તાન પીઠ્ઠુ આતંકવાદીઓના મોટામાં મોટા  કેમ્પને તહસનહસ કરી નાખ્યો ત્યારે સહુએ પુત્રનું નામ  પાડી દીધું મિરાજ સિંહ.

ગાતે રહો ગુનગુનાતે રહો...
ગાતા રહે મેરા દિલ...ગુનગુના રહે હૈ ભંવરે ખીલ રહી હૈ કલીકલી... આ જૂના હિન્દી  ફિલ્મના ગીતો આજે પણ ગણગણતા હોય છે. ફક્ત આ ગીતો જ  નહીં બીજા કોઈ પણ ગીત, લોકગીત, પોપગીત કે પછી આજના જમાનાનું  કોઈ પણ ગીત ગણગણતા રહેવાથી  કેટલો ફાયદો થાય છે જાણો છો? માનસિક તાણ ઘટે છે, મૂડ ઠીક રહે છે એટલું જ નહીં આધેડ ઉંમરની વ્યક્તિ ગીતો ગણગણતી રહે તો તેની યાદશક્તિ ટનાટન રહે છે, બુઢાપામાં  સ્મૃતિભ્રંશની શક્યતા  ઓછી રહે છે. 

સ્વીડનની એક યુનિવર્સિટીમાં સરેરાશ ૪૭ વર્ષની ૮૦૦ મહિલાઓપર ગાતા રહેવાનો  અને ગણગણતા   રહેવાનો પ્રયોગ  કરવામાં આવ્યો હતો. આ પ્રયોગનું મહિલાના મગજ પર સારૂં  પરિણામ  જોવા મળ્યું  હતું.  

સંશોધકોના કહેવા મુજબ   ગીત ગાઈ શકાય, કોઈ વાજીંત્ર વગાડી શકાય, સંગીતના કાર્યક્રમમાં જઈ મજા માણી શકાય અને ભેગા મળીને કોરસમાં પણ ગાઈ શકાય.આ બધી પ્રવૃત્તિની મગજ પર ખૂબ જ સારી અસર થાય છે.  ગીત-સંગીત બ્રેઈન ટોનીકનું કામ કરે છે. બીજો ફાયદો એ છે કે  પૈસા ખર્ચ્યા વગર  ટેસથી આ પ્રવૃત્તિ કરી અને ગાતા-ગણગણતા રહીને દિમાગ ટકોરાબંધ રાખી શકાય છે. જો બધા ગણગણતા થઈ જશે તો આપણાં ગણતંત્ર દેશને ગણ-ગણતંત્ર દેશનું નામ પણ આપી શકાશે.

સિરિયલનું નામ સ્ટેશનને

ટીવી ચેનલો ઉપર આજે જાતજાતની  સિરિયલોનો વણથંભ્યો ધોધ વહેતો જ રહે છે. 

જોકે આમાં ચીલાચાલુ સિરિયલોનું  પ્રમાણ વધુ હોય છે પણ 'રામાયણ' કે 'મહાભારત' જેવી અમુક જ સિરિયલો આવી હતી જેણે દેશના કરોડો દર્શકોને જકડી રાખ્યા હતા. આવી જ એક યાદગાર સિરિયલ હતી માલગુડી ડેયઝ. અંગ્રેજીના મહાન લેખક આર.કે.નારાયણની કૃતિને આધારે દંતકથારૂપ અભિનેતા-દિગ્દર્શક શંકરનાગે કર્ણાટકના હોસાનગર તાલુકામાં આવેલા અરાસુલુ ગામે 'માલગુડી ડેયઝ'નું શૂટિંગ કર્યું હતું. 

એ વખતે અરાસુલુ સ્ટેશન પર અનેક દ્રશ્યો ઝડપવામાં આવ્યા હતા. આ સ્ટેશનનું નામ બદલીને માલગુડીનું બોર્ડ લગાડવામાં આવ્યું હતું. પરંતુ આર.કે.નારાયણની આ કૃતિ અને સિરિયલની લોકપ્રિયતાની કાયમી સ્મૃતિરૂપે  સાઉથ-વેસ્ટર્ન  રેલવેના સત્તાવાળાએ અરાસુલુ સ્ટેશનને 'માલગુડી' નામ આપવાનો નિર્ણય લીધો હતો.  

આ સાથે જ સ્ટેશનનું જૂનું બેઠાઘાટનું  મકાન છે તેને મ્યુઝિયમમાં  ફેરવવાનું  અને ૧.૩ કરોડના ખર્ચે  સ્ટેશનને નવો ઓપ આપવાનું નક્કી થયું છે. કોઈ સિરિયલનું નામ સ્ટેશનને આપવામાં આવે એવી  આ પહેલવહેલી ઘટના છે.

પંચ-વાણી

આતંકીઓને મેળવો ખાખમાં અને પાકને રાખો ધાકમાં

Tags :