મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
સેલ્ફીનું સાહસ જીવલેણ
સેલ્ફીનો નાદ કરે બરબાદ... સેલ્ફીનું સાહસ બને જીવલેણ... મોબાઈલ બને મોતનું કારણ... જોખમ ભાળો સેલ્ફીનો નાદ ટાળો... કંઈક આવાં ચેતવણીના બેનરો પહાડની ટોચે, દરિયા કિનારે, નદીતટ પર કે પહાડી રસ્તે ઠેર ઠેર મૂકવાની જરૃર પડી છે.
કારણ જ્યારથી મોબાઈલ ફોનના કેમેરાથી સેલ્ફી લેવાનો ટ્રેન્ડ શરૃ થયો છે. ત્યારથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. થોડા દિવસ પહેલાં જ બેંગ્લોર નજીક હેજ્જાલા-બિદાડી સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક ઉપર ત્રણ વિદ્યાર્થી મિત્રો સેલ્ફી લેવા માટે ઊભા રહ્યા.
એકબીજાના મોબાઈલથી સેલ્ફી લેતી વખતે ભાન ન રહ્યું કે પાછળથી ઘસમસતી ગોલગુંબજ એક્સપ્રેસ ટ્રેન આવી રહી છે. સેલ્ફી ક્લિક કરે બસ એટલી જ વારમાં કાળ બની આવેલી ટ્રેને ત્રણેય દોસ્તોના ટુકડેટુકડા કરી નાખ્યા. ભાન ભૂલી સેલ્ફીના નાદે ચડનારા માટે કહે છેને કે જાન જાય પણ સેલ્ફીની શાન ન જાય...
જીવનસાથીના અગ્નિસંસ્કારકચરાની ચિતા પર
નવી સરકાર ગંદકી દૂર કરવાની અને કચરાની સફાઈની અને સાથે સાથે વિકાસની ગુલબાંગો નગારા પર દાંડી પીટી પીટીને હાંકે છે. કચરાની સફાઈ અને વિકાસની વાતો વચ્ચે કોઈ ગરીબ આદિવાસીએ પોતાની મૃત પત્નીના અગ્નિસંસ્કાર કચરાથી કરવો પડે ત્યારે વિકાસને નામે થતા રકાસનો ખ્યાલ આવે. આ હૈયું હચમચાવી નાખે એવો થોડા મહિના પહેલાનો કિસ્સો મધ્ય પ્રદેશનો છે.
શ્રીમંતોને ત્યાં મરણ પ્રસંગે અગ્નિદાહ માટે ચંદનના લાકડાની ચિતા ખડકાય છે અને ચોખ્ખા ઘીના કેટલાય ડબા ઢોળાય છે. જ્યારે પ્રગતિશીલ રાજ્ય ગણાતા મધ્ય પ્રદેશના એક આદિવાસીએ મૃત્યુ પામેલી પત્નીના અગ્નિસંસ્કાર માટે ઘરમાં કાણી કોડી પણ ન હોવાથી કચરો અને સાંઠિકડા ભેગા કરી તેના અગ્નિસંસ્કાર કરવા પડયા હતા.
ગરીબ આદિવાસી કહેવાય છે કે મદદ માટે પંચાયત પાસે ગયોે, પણ મદદ ન મળી. આડોશીપાડોશીએ શબને નદીમાં વહાવી દેવાની સલાહ આપી. પણ પતિનું મન ન માન્યું. છેવટે કોઈ રસ્તો ન સૂઝતા તેણે આજુબાજુવાળાની મદદથી કાગળ, ઝાડની સૂકી ડાળો, સાંઠિકડા, ટાયર અને સૂક્કા પાંદડાના કચરાનો ઢગલો કર્યો અને તેની ઉપર પત્નીના મૃતદેહને મૂકી અગ્નિદાહ આપ્યો. આ તો એક કિસ્સોે બહાર આવ્યો છે.
બાકી દુર્ગમ જંગલોમાં વસતા અનેક આદિવાસી વિસ્તારોમાં સ્વજનના મૃત્યુ પછી અગ્નિસંસ્કાર કેમ કરવા એ જ મોટો સવાલ હોય છે જે સત્તાધીશો ગરીબોેને જીવાડવા માટે મદદ ન કરી શકે એ મૃત્યુ પછી ક્યાંથી મદદ કરવાની આ સત્તાધીશોની સાન ઠેકાણે લાવવા એમણે જેમ નોટબંધી કરી એમ ગરીબો વોટ-બંધીનો વિકલ્પ અજમાવે તો શું થાય?
શિવલિંગને ભાંગતુ બચાવે ભાંગ
ભંગ કા રંગ જમાલો ચકાચક ફિર લો પાન ચબાય, ઐસા ઝટકા લગે જીયા મેં પુનરજનમ હોઈ જાય... શિવરાત્રીમાં ભોલેનાથના ભક્તો ભાંગ પીને મસ્તીમાં ઝૂમતા હોય છે, નાચતા હોય છે ગાતા હોય છે. કારણ ભોલેનાથને ભાંગ બહુ પ્રિય છે. ભાંગનો નશો આમ તો ભલભલાને ભાંગી નાખે. પણ ઉજૈનના મહાકાળેશ્વરના મંદિરમાં જ્યોતિર્લિંગ ઉપર ચડાવવામાં આવતી ભાંગ જ આ શિવલિંગને ભાંગતુ બચાવે છે. આ કોઈ કપોળકલ્પિત વાત નથી.
નિષ્ણાત આર્કિયોલોજીસ્ટોની સમિતિએ જ ગયા મહિને આ જ્યોતિર્લિંગ પર દૂધ, પાણી, ફૂલ અને ભસ્મ તેમજ ભાંગનો લેપ ચડાવવામાં આવે છે તેની શું અસર આ સ્વયંભૂ શિવલિંગ પર થાય છે તેનો ઊંડાણથી અભ્યાસ કરી જે રિપોર્ટ આપ્યો છે એમાં ભાંગની રક્ષણ શક્તિનું તારણ કાઢયું છે. શિવલિંગ ઉપર દૂધ, પાણી, ફૂલ વગેરે ચીજો ચડાવવામાં આવે છે તેને લીધે બેકટેરિયા પેદા થાય છે. બેકટેરિયાને લીધે અને કેમિકલ રિએકશનને કારણે સેન્ડસ્ટોનનું શિવલિંગ ધીરે ધીરે ખવાતું જવાની શક્યતા રહે છે.
પરંતુ ભોલેનાથને પ્રિય ભાંગના પાન વાટીને જે લેપ કરવામાં આવે છે તે જીવાણુઓ અને ફૂગના મારણની કામગીરી બજાવે છે. કારણ ભાંગમાં આલ્કલોઈડસ, ફેનોલીક કમ્પાઉન્ડ, કેનાબીડીઓલ તથા ડેલ્ટા-૯- ટેટ્રાહાઈડ્રોડેનાબીનોલ જેવાં રસાયણો હોય છે.
આમ ભાંગમાં એન્ટી-બેકટેરિયલ તથા એન્ટી ફુંગલ તત્ત્વોને કારણે શિવલિંગનું રક્ષણ થાય છે. એટલે ભાંગનો નશો ભલે ભલભલાને ભાંગી નાખતો હોય પણ ભોલેનાથના શિવલિંગની રક્ષા કરે છે. એટલે જ ભોેલેનાથને શિવલિંગની ભાંગના પ્યાલા ગટગટાવીને શિવરાત્રીમાં ભક્તો નાચતાં નાચતાં ગાય છે ને કે:
જય જય શિવશંકર કાંટા લાગે ના કંકર
કે પ્યાલા તેરે નામ કા પિયા...
હિન્દી ભાષા શીખવા ફ્રાન્સથી આવ્યો રોબોટ
ભૂલો ભલે બીજું બધું પણ ભાષાને ભૂલશો નહીં... એવી સલાહ ક્યાં કોઈ કાને ધરે છે? અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયા પછી અંગ્રેજી ભાષાની ગુલામીની જંજીર તો જેમ જેમ વખત વીતતો જાય છે એમ એમ વધુમાં વધુ લોકોને જકડતી જાય છે. માતૃભાષા ભૂલીને પોતાને એજ્યુકેટેડ દેખાડવા અંગ્રેજીમાં જ ગોટપીટ કરવાવાળાની જમાત વધતી જ જાય છેને? આ માહોલમાં વિદેશથી આવીને કોઈ આપણી રાષ્ટ્રભાષા હિન્દી શીખે તો તેના તરફ માનની લાગણી થયા વગર ન રહે.
પણ આશ્ચર્યની વાત એ છે કે પરદેશથી આવી ભારતમાં હિન્દીના પાઠ શીખનાર કોઈ જીવંત માનવ નથી પણ એક યંત્રમાનવ છે. થોડા વખત પહેલાં જ ફ્રાન્સનો હ્યુમેનોઈડ રોબોટ 'નાઓ' હિન્દી શીખવા માટે ખાસ ભારત આવ્યો હતો. આ ભાષાવિદ 'નાઓ' દુનિયાની ૧૯ ભાષાઓનો જાણકાર છે. હવે હિન્દી પ્રોગ્રામિંગની ટેકનિક 'નાઓ' યંત્રમાનવમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
એટલે આ રોબોટશ્રી દુનિયાભરમાં હિન્દી ભાષા પહોંચાડશે: નવાઈની વાત તો એ છે કે હિન્દી શીખવાની સાથે આ રોબોટે ઉદયપુર જઈને મેવાડી ભાષા પણ શીખી લીધી હતી. ૫૮ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતો આ હ્યુમેનોઈડ રોબોટ મસ્તીમાં ગીત ગાઈ શકે છે, રાંધી શકે છે, ડ્રાઈવિંગ કરે છે અને ઓનલાઈન શોપિંગ પણ કરી શકે છે. ઉપરાંત જુદી જુદી ભાષાઓ જાણે છે, એટલે જ કહેવું પડે કે:
ભાષાનો તો સુધરી ગયો ભવ
માનવની ભાષા જાળવશે યંત્ર-માનવ.
પરીક્ષાના પ્રવેશપત્રમાં ગણપતિનું નામ અને સહી
બિહારનું શિક્ષણ તંત્ર ભગવાન ભરોસે જ ચાલે છે કે શું? દરભંગાની યુનવિર્સિટીના ફર્સ્ટ યર બી.કોમના એક સ્ટુડન્ટે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી પરીક્ષામાં પ્રવેશ માટેનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા તેના આશ્ચર્યનો કોઈ પાર નહોતો રહ્યો. કારણ આ એડમિટ કાર્ડમાં ગણપતિ દાદાનોે ફોટો અને નીચે 'ગણેશ' એવી સહી પણ હતી.
વિદ્યાર્થીએ આ એક્ઝામ એડમિટ કાર્ડ ગણપતિભગવાનનું નહીં પણ પોતાનું જ છે એ પૂરવાર કરવા માટે યુનિવર્સિટી અને કોલેજના કેટલાય ધક્કા ખાધા ત્યારે તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો. ભૂલ યુનિવર્સિટીની અને ભોગવવું પડે વિદ્યાર્થીઓને, કરે કોઈ ભરે કોઈ. ભગવાન તો ભક્તોની પરીક્ષા કરે, પોતે કાંઈ પરીક્ષા થોડી જ આપે?
પંચ-વાણી
બિહારના નેપાળની સીમા નજીક આવેલા ત્રણ ગામડાના નામ છે:
નરકટિયાગંજ
લટપટિયાગંજ
ચટપટિયાગંજ.