Get The App

રામલલા માટે 'બુલેટપ્રૂફ'કોટેજ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Mar 13th, 2020

GS TEAM

Google News
Google News
રામલલા માટે 'બુલેટપ્રૂફ'કોટેજ 1 - image


જેને રામના રખવાળા હોય એને ઊની આંચ પણ ન આવે. કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? સમસ્ત માનવજાતિની રક્ષા કરતા પ્રભુ રામજીને ૨૮ વર્ષમાં પહેલી જ વાર અયોધ્યામાં બુલટેપ્રૂફ ફાઈબરના એક અસ્થાયી કોટેજમાં રાખવામાં આવશે. કારણ રામ મંદિરનું નિર્માણ ગર્ભગૃહથી કરવામાં આવશે એટલે રામલલાની મૂર્તિને મંદિર પરિસરની અંદર માનસ ભવન પાસે ફાઈબરના બુલેટપ્રૂફ સ્ટ્રકચરમાં રાખવામાં આવશે. 

ત્રણ તરફ ફાઈબર અને એક તરફ બુલેટપ્રૂફ પારદર્શક ગ્લાસ રાખવામાં આવશે જેથી ભક્તજનો મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી દર્શન કરી શકે. એક વાર રામમંદિરના ગર્ભગૃહનું બાંધકામ થઈ જશે  એટલે ફરી રામલલાની મૂર્તિને મૂળસ્થાને સ્થાપિત કરવામાં આવશે. આ વ્યવસ્થા જોઈને કહેવું પડે કેઃ

પ્રભુ રામની રામલીલા કેવી ન્યારી

મહેલ છોડી જેણે પર્ણકુટીને ગણી'તી પ્યારી

એ જ પ્રભુ રામ હવે અસ્થાયીરૂપે રહેશે

બુલેટપ્રૂફ ફાઈબરની કુટિયાને ગણી પ્યારી

કંકુ છાંટેલી કંકોતરીમાં દુલ્હા-દુલ્હનની ઉંમર લખાશે

કંકુ છાંટી કંકોતરી મોકલી... લગ્નપ્રસંગે આવા લગ્નગીતોથી માહોલ ગુંજી ઊઠે છે પણ ઝારખંડના રાંચી જિલ્લામાં લગ્ન વખતે ફક્ત કંકુ છાંટવાથી કામ નહીં બને. કંકોતરીમાં દુલ્હા-દુલ્હનની ઊંમર લખવી પડશે. બાળલગ્નના દુષણને મિટાવવાના પ્રયાસ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાળલગ્ન વિરોધી કાનૂન દાયકાઓથી અમલમાં છે છતાં ફક્ત ઝારખંડમાં જ નહીં, રાજસ્થાન અને બીજા અનેક રાજ્યોમાં કાનૂનનું ઉલ્લંઘન કરીને બાળલગ્નો થતાં હોય છે. આ જ કારણસર રાંચીમાં લગ્નની કંકોતરીમાં દુલ્હા-દુલ્હનની ઊંમર અને જન્મ-તારીખ ફરજિયાત લખવી પડશે. રાંચી જિલ્લામાં સમાજ કલ્યાણ ખાતાએ તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. છેલ્લાં ૧૦ મહિનામાં ૨૪ બાળલગ્નો થયા હતા. આ હકિકત સામે આવ્યા પછી જ કંકોતરીમાં વરરાજા અને નવવધૂની જન્મ તારીખ લખવાનો આદેશ અપાયો  છે. જે જે રાજ્યોમાં બાળલગ્નનું  દૂષણ છે ત્યાં બધે જ આ નિયમ અમલમાં ન લાવી શકાય?

કંકોતરીમાં કોમી એખલાસનાં દર્શન

દિલ્હીમાં કોમી રમખામોમાં કેટલાય નિર્દોષ લોકોના મોત નિપજ્યાં, કરોડોની માલમિલકત આગની જ્વાળામાં હોમાઈ ગઈ અને સૌથી વધુ ફટકો ગરીબોએ સહેવો પડયો. કોમવાદી આગની દઝાડતી જ્વાળા વચ્ચે જરાક ટાઢક આપે એવાં સમાચાર જાણવા મળ્યા. દિલ્હી પાસે મેરઠના એક  મુસ્લિમ પરિવારની બેટીના લગ્ન પ્રસંગે જે કંકોતરી છપાવી એમાં ગણપતિ અને રાધાકૃષ્ણના સુંદર ચિત્રો અંકિત કર્યા. આ મુસ્લિમ પરિવારે હિન્દુ દેવી-દેવતાના ચિત્રો કંકોતરીમાં  છપાવી શુભ પ્રસંગ નિમિત્તે  કોમી એખલાસની ભાવના અને ગંગા-જમુની તહેઝીબનો પરિચય આપ્યો હતો.

રામલલા માટે 'બુલેટપ્રૂફ'કોટેજ 2 - image

મેરે દેશ કી ધરતી સોના ઉગલે...

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ધરતીના પેટાળમાં સોનાનો અખૂટ ભંડાર ધરબાયેલો છે એવી વાત વહેતી થતાની સાથે જ આ વિસ્તાર દેશભરમાં  ચર્ચાનો વિષય બની ગયો હતો. જોકે પછી તપાસને અંતે ખબર પડી કે સોનભદ્રમાં ત્રણેક હજાર ટન સોનું નથી, માંડ ૧૬૦ કિલો જેટલું સોનું મળે તો મળે. આ ખબર મળતા ઉભરો શમી ગયો હતો. જોકે સોનભદ્ર પનારી ગ્રામપંચાયત અંતર્ગત આવેલા સોનપહાડી વિસ્તારનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. એવું કહેવાય છે કે અનેક વર્ષો પહેલાં આ જગ્યાએથી સોનું નીકળતું હતું એટલે જ પહાડનું નામ સોનપહાડી પડયું છે.

આ વિસ્તારમાં આદિવાસીઓની મોટી વસ્તી છે. જુડવાની ગામના બુઝુર્ગો કહે છે કે લગભગ ૨૦૦ વર્ષ પહેલાં સોનાના કણો મળ્યા પછી લોકોએ ખોદકામ કર્યું હતું. સોનું મળ્યું નહોતું. એવી લોકવાયકા છે કે ખોદકામને કારણે જમીનના પેટાળમાં સોનું હતું એ સરકતું સરકતું સોન નદીમાં પહોંચી ગયું અને ત્યાં કમળનું ફૂલ બની ગયું. આદિવાસીઓનું માનવું છે કે ત્રણ ઝેરીલા નાગ સોનપહાડીની રક્ષા કરે છે, કોઈ ડાહ્યા માણસે કહ્યું હતું કે સોનાની લાલચમાં લોહી-પાણી એક કરી ખોદકામ કરવાને બદલે એટલી જ મહેનત કરી ખેતરો ખેડી સોના જેવો પાક ઉગાડોને? સોના જેવો પાક લણવાનો અને પછી ગાવાનું: મેરે દેશ કી ધરતી સોનાના ઉગલે ઉગલે હિરે-મોતી મેરે દેશ કી ધરતી...

રામલલા માટે 'બુલેટપ્રૂફ'કોટેજ 3 - image

નેવું વટાવી બે વાર બાપ બનેલા દાદાની વિદાય

કોઈને બાળક અથવા બાળકી અવતરે ત્યારે સહુ મા-બાપને વધાઈ આપતા હોય છે. પરંતુ ખરપૌદા નિવાસી એક શખસ બાપ બન્યો ત્યારે સહુના મોઢામાંથી રાડ નીકળી ગઈ હતીઃ બાપ રે બાપ ... બાપ રે બાપ...  શું કામ ખબર છે? રામજીત યાદવ નામનો આ શખસ ૯૩મે વર્ષે બાપ બન્યો હતો. દેશભરમાં આ નેવું વર્ષ વટાવી ગયેલા રામજીત દાદા જ્યારે બાપા બની ગયા ત્યારે ચર્ચાનો  ચકરાવો શરૂ થઈ ગયો હતો. ફરી રામજીતને યાદ કરવાનું કારણ એક જ છે કે તાજેતરમાં જ તેણે ૧૦૪ વર્ષની જૈફ વયે દુનિયાથી વિદાય લીધી. મૃત્યુ પહેલાં ૧૦૩ વર્ષની ઉંમર સુધી એક બાગમાં તે મજૂરી કરતો હતો. આ બુઢાદાદાએ  બાવન વર્ષની માનસિક વિકલાંગ મહિલા સાથે લગ્ન કર્યા હતા.

ત્યાર પછી ૯૩ વર્ષની ઉંમરે પહેલી વાર પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો ત્યાર પછી ૯૬ વર્ષનો થયો ત્યારે બીજા  પુત્રનોે જન્મ થયો હતો. સંપૂર્ણ શાકાહારી અને નિરોગી જીવન જીવતા આ બે વાર બાપ બનેલા રામજીતને માંસાહાર વિરોધી  સંસ્થાએ પણ સન્માન આપ્યું હતું. અમેરિકાની  એક સંસ્થાએ ડોલરમાં ઈનામની રાશિ મોકલી હતી. જૈફ વયે સંતાન સુખ મેળવનાર આ દાદાજીને નસીબે દગો દીદો.

પહેલાં  મોટો દીકરો લાપતા થઈ ગયો. ચાર તરફ શોધી શોધીને થાક્યા પછી નાનો દીકરો પમ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. બે આઘાત ઝીરવીને જીવતા રામજીતને હજી તો જરા કળ વળી ત્યાં  તેની પત્ની ક્યાંક ચાલી ગઈ. થોડા વખત પહેલાં રામજીત ઘરમાં સૂતો હતો ત્યારે કોઈક કારણસર પથારીમાં આગ લાગી અને ૧૦૪ વર્ષની ઉંમરે અત્યંત દાઝી ગયેલી હાલતમાં દેહત્યાગ કર્યો હતો. કહેવત છે ને ઉપરવાલા દૈતા હૈ છપ્પર ફાડકે દૈતા હે ઔર લેતા હૈ તો થપ્પડ મારકે લેતા હૈ.

પંચ-વાણી

જ્યાં છે જડતા

ત્યાં પ્રભુ નથી 'જડતા'

Tags :